સૌરાષ્ટ્રમાં વધારે વાવેતર છતાં ઊંઝાના જીરાને GI ટૅગ કેમ મળ્યો અને ખેડૂતોને કેવો ફાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
જો તમે ઉત્તર ગુજરાત પ્રાંતના મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા શહેરમાંથી પસાર થાઓ, તો એક માદક સુગંધ તમારા નાકને અચૂક સતર્ક કરશે. તે સુગંધ આવે છે ઊંઝાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના યાર્ડ (એ.પી.એમ.સી)માં ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોએ વેચવા માટે લાવેલા જીરામાંથી. તે જ રીતે જો યાર્ડની અંદર રખાયેલા આકર્ષક લીલા રંગના વરિયાળીના ઢગલા તમારું મન મોહી લેશે.
હવે આ જીરા અને વરિયાળીની સુગંધને ઓળખનો એક નવો સિક્કો મળ્યો છે. ભારત સરકારના 'ઑફિસ ઑફ ધ કંટ્રોલર જનરલ ઑફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ ઍન્ડ ટ્રેડમાર્ક્સ' દ્વારા ગુજરાતમાં થતાં જીરા અને વરિયાળીને 'ઊંઝાનું જીરું' અને 'ઊંઝાની વરિયાળી' એવો જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટૅગ આપવામાં આવ્યો છે. જીઆઇ ટૅગ એ કોઈ વસ્તુનું ઉત્પાદન કયા સીમિત ભૌગોલિક વિસ્તારમાં થાય છે, તેનો સંકેત આપતું એક પ્રકારનું લૅબલ છે.
આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ લેબલથી ગુજરાતમાં જીરા અને વરિયાળીની ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓને મોટો આર્થિક ફાયદો થશે.
ગુજરાતમાં ક્યાં ક્યાં વાવાતા જીરાને 'ઊંઝાનું જીરું'નો ટૅગ મળ્યો છે?

ઇમેજ સ્રોત, https://ipindia.gov.in/
ટૅગ એનાયત કરાયા એ પહેલાં કંટ્રોલર જનરલે ગત વર્ષે તેના જર્નલમાં જાહેરાત કરી હતી કે ઊંઝા યાર્ડ દ્વારા આ પ્રકારના જીઆઇ ટૅગ મેળવવા કરાયેલી અરજીઓને મંજૂર કરાઈ છે.
જર્નલમાં પ્રકાશિત વિગતો અનુસાર ગુજરાતના 15 જિલ્લાના સંપૂર્ણ ભૌગોલિક વિસ્તારોમાં તેમ જ અન્ય પાંચ જિલ્લાના આંશિક ભાગોમાં વવાતા જીરાને 'ઊંઝાનું જીરું' એવો જીઆઇ ટૅગ આપવામાં આવ્યો છે. આ 15 જિલ્લામાં ઉત્તર ગુજરાતના ત્રણ (મહેસાણા, બનાસકાંઠા, પાટણ), સૌરાષ્ટ્રના દસ (સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ), મધ્ય ગુજરાતનો એક (અમદાવાદ) તેમ જ ગુજરાતના પશ્ચિમ ભાગમાં આવેલા કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે.
જે જિલ્લાઓમાં જીરાનું છૂટક વાવેતર થાય છે તેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને ગાંધીનગર, મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ તેમ જ સૌરાષ્ટ્રના ભાવનગરનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારના સત્તાવાર આંકડા અનુસાર 2025-26ની શિયાળાની સિઝન દરમિયાન રાજ્યમાં 4,08,200 હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયું હતું. તેમાંથી 33,000 હેક્ટર વાવેતર મહેસાણા જિલ્લામાં નોંધાયું હતું. જોકે વાવેતરની દૃષ્ટિએ સુરેન્દ્રનગર (68,300 હે.), મોરબી (64,100 હે.), કચ્છ (62,200 હે.), દેવભૂમિ દ્વારકા (57,100 હે.) અને રાજકોટ (34,200 હે.) સૌથી મોટા જિલ્લા હતા.
ગુજરાતમાં ક્યાં વવાતી વરિયાળીને જીઆઇ ટૅગ અપાયો છે?

ઇમેજ સ્રોત, https://ipindia.gov.in/
ઊંઝા એ.પી.એમ.સીએ જીરા ઉપરાંત વરિયાળી માટે પણ જીઆઇ ટૅગ માગતી અરજી કરી હતી. ગુજરાત સરકારના બાગાયત નિયામકની કચેરી, બનાસકાંઠામાં આવેલી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમ જ અમદાવાદમાં આવેલા એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ આ બંને અરજીઓ તૈયાર કરવામાં અને તેમને મંજૂર કરાવવામાં ઊંઝા એ.પી.એમ.સી.ને મદદ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કંટ્રોલર જનરલે 27 નવેમ્બર, 2025ના તેના જર્નલમાં જણાવ્યું હતું કે વરિયાળી માટે જીઆઇ ટૅગ માગતી અરજી પણ મંજૂર કરવામાં આવી છે. તે જર્નલમાં પ્રકાશિત થયેલી વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓ (મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર), મધ્ય ગુજરાતના બે (અમદાવાદ અને ખેડા), સૌરાષ્ટ્રના બે (સુરેન્દ્રનગર અને મોરબી) તેમ જ કચ્છ જિલ્લામાં વવાતી વરિયાળીને "ઊંઝાની વરિયાળી"નો જીઆઇ ટૅગ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત જે જિલ્લાઓમાં આંશિક રીતે વરિયાળીનું વાવેતર થાય છે, તેમાં પૂર્વ ગુજરાતના મહીસાગર અને પંચમહાલ, મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદ તેમ જ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ અને જામનગરનો સમાવેશ થાય છે. આમ, કુલ 11 જિલ્લાના સંપૂર્ણ ભૌગોલિક વિસ્તારોમાં અને આઠ જિલ્લાઓના આંશિક વિસ્તારોમાં વવાતી વરિયાળીને "ઊંઝાની વરિયાળી"નો જીઆઇ ટૅગ મળ્યો છે.
રાજ્ય સરકારના 2025-26ની શિયાળુ ઋતુના વાવેતરના આંકડા અનુસાર ગુજરાતમાં કુલ 48,900 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર નોંધાયું હતું. તેમાંથી મહેસાણામાં 4,000 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર નોંધાયું હતું. જોકે વરિયાળીના વાવેતરમાં સુરેન્દ્રનગર (22,200 હે.) જિલ્લો સૌથી ઉપર હતો. તે ઉપરાંત બનાસકાંઠા (2,300 હે.), પાટણ (2,300 હે.), વાવ-થરાદ (2,300 હે.) અને સાબરકાંઠા (2,100 હે.) પણ આ યાદીમાં સામેલ હતા.
ગુજરાતમાં જીરું ક્યાંથી આવ્યું?

ઇમેજ સ્રોત, https://ipindia.gov.in/
જર્નલમાં જીરા અને વરિયાળીની ખેતીના ઇતિહાસ પર પ્રકાશ પાડતાં જણાવાયું કે જીરું મૂળ પૂર્વ યુરોપના તુર્કી તેમ જ પશ્ચિમ એશિયાનું વતની હોવાનું મનાય છે. ઇ.સ. પૂર્વે આશરે 3000 વર્ષ પહેલાં હડપ્પીય સંસ્કૃતિના લોકોનો હાલના ઇરાક વગેરે દેશો સાથે વ્યાપારિક સંપર્કો હતા અને આ વેપારમાં ગુજરાત એક મહત્ત્વની કડી હતું. આ સંપર્કોને કારણે ગુજરાતમાં જીરાની ખેતી શરૂ થઈ હોવાનું મનાય છે.
તે જ રીતે વરિયાળી યુરોપ તેમજ ભૂમધ્ય સમુદ્રકાંઠાની વતની હોવાનું મનાય છે અને હડપ્પીય સંસ્કૃતિના વેપારના ભાગરૂપે ભારતમાં વરિયાળીની ખેતી ઈ.સ. પૂર્વે 2000ની સાલથી થતી આવી છે.
જર્નલમાં કહેવામાં આવ્યું છે કે ઊંઝાના વેપારીઓ મોહનલાલ હરગોવનદાસ ગુરુ (પટેલ) અને મોહનભાઈ ઝવેરભાઈ પટેલના પ્રયાસોને કારણે ગુજરાતમાં જીરાની ખેતીમાં 1930ના દાયકામાં મોટા ફેરફારો થયા. ઈરાન અને ઈરાકમાં જીરા અને વરિયાળીની ખેતીની માહિતી ધરાવતા વેપારીઓના સંપર્કમાં આવ્યા બાદ મોહનલાલ હરગોવનદાસ 1935ની આજુબાજુ આ બંને દેશોની મુલાકાતે ગયા. ત્યાં જીરાની ખેતીનો અભ્યાસ કર્યો અને ઉત્તર ગુજરાતમાં તેનો અમલ કરાવ્યો. તેનાથી પ્રેરાઈને 1936-37માં મોહનભાઈ પટેલ પણ ઈરાન અને ઈરાકની મુલાકાતે ગયા અને પછી ઊંઝા અને ઉત્તર ગુજરાતમાં આ બે પાકોની ખેતીમાં અને વેચાણમાં આધુનિકતાના પ્રેરક બન્યા.
સૌરાષ્ટ્રમાં વધારે વાવેતર છતાં જીરાને ઊંઝાનું નામ કેમ અપાયું?

ઇમેજ સ્રોત, Dinesh Patel, Unjha APM
દર વર્ષે ગુજરાતમાં નોંધાતા જીરાના વાવેતર વિસ્તારમાંથી સરેરાશ 70 ટકા વાવેતર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં નોંધાય છે. ગત વર્ષે રાજ્યમાં 4.08 લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયું હતું, તેમાંથી 2.75 લાખ હેક્ટર એટલે કે આશરે 70 ટકા સૌરાષ્ટ્રમાં નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓમાં કુલ વાવેતર માત્ર 64,600 હેક્ટર એટલે કે આશરે 16 ટકા જ નોંધાયું હતું.
વરિયાળીમાં પણ આ જ છે. ગત વર્ષે નોંધાયેલા કુલ 48,900 હેક્ટર વાવેતર વિસ્તારમાંથી 25,600 હેક્ટર સૌરાષ્ટ્રમાં નોંધાયું હતું, જ્યારે ઉત્તર ગુજરાતનો આંકડો 16,000 હેક્ટર હતો.
તેમ છતાં આ બંને પાકોને ઊંઝાનો જીઆઇ ટૅગ કેમ આપવામાં આવ્યો, તે પ્રશ્નનો ઉત્તર આપતાં ઊંઝા યાર્ડનાચૅરમૅન દિનેશ પટેલ કહે છે કે ગુજરાતમાં જીરા અને વરિયાળીની ઓળખ સ્થાપિત કરવામાં ઊંઝાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "ઊંઝાએ જ આશરે 100 વર્ષ પહેલાં જીરા અને વરિયાળીની ખેતી સારી રીતે કેમ કરાય તે પ્રસ્થાપિત કર્યું. ત્યાર બાદ ઊંઝાના લોકોએ બનાસકાંઠા તેમ જ અન્ય જિલ્લાના ખેડૂતોને જીરા અને વરિયાળીની ખેતી શીખવી. વળી, ઊંઝા એ.પી.એમ.સી. વર્ષોથી જીરા અને વરિયાળીનું એશિયાનું સૌથી મોટું જથ્થાબંધ બજાર રહ્યું છે. સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં અત્યારે વવાતા જીરાનાં મૂળ પણ ઊંઝામાં છે. તેથી, ગુજરાતના જીરા અને વરિયાળીના જીઆઇ ટૅગમાં ઊંઝાનું નામ જોડાય તે સ્વાભાવિક છે."
રાજસ્થાનના ખેડૂતો પણ માટી સંખ્યામાં તેમનું જીરુ અને વરિયાળી વેચવા ઉંઝા આવે છે. સત્તાવાર આંકડા અનુસાર ઊંઝા એ.પી.એમ.સી.માં 2025-26માં 86.48 લાખ મણ જીરું; 32.04 લાખ મણ વરિયાળી અને ઇસબગુલ અને અન્ય મસાલા પાકો, ધાન્ય પાકો અને તેલીબિયા પાકોનો વેપાર 5,830 કરોડ રૂપિયા નોંધાયો હતો.
ઊંઝાનું જીરું અને વરિયાળીની વિશેષતા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાન પણ જીરા અને વરિયાળીનું ઉત્પાદન કરતું મોટું રાજ્ય છે અને ત્યાંના આબુ રોડની વરિયાળીની ગુણવત્તા બહુ સારી હોવાનું કહેવાય છે. પરંતુ ઊંઝા એ.પી.એમ.સી.એ તેની અરજીમાં દાવો કર્યો કે ગુજરાતમાં વવાતું જીરું અને વરિયાળી તેની ખાસ લાક્ષણિકતાઓને કારણે અન્ય પ્રાંતોમાં થતા જીરા અને વરિયાળીથી અલગ તરી આવે છે.
વિવિધ લેબોરેટરીના રિપોર્ટ્સને ટાંકીને ઊંઝા એ.પી.એમ.સી.એ તેની અરજીમાં કહ્યું કે 'એસેન્શિયલ ઑઇલ' જેના કારણે જીરાના દાણામાંથી સુગંધ આવે છે તેની માત્રા ઊંઝાના જીરામાં દાણાના વજનના અઢી ટકાથી ચાર ટકા હોય છે, જ્યારે રાજસ્થાન કે અન્ય પ્રાંતોના જીરામાં તે ફક્ત 1.66 ટકાથી 1.98 ટકા જ હોય છે.
જીરાની સુગંધ અને ખાસ સ્વાદ તેના આ તેલને આભારી છે અને તે તેલમાં 'ક્યુમિનિક આલ્ડેહાઇડ' નામના તત્ત્વની માત્રા મહત્ત્વનો ભાગ ભજવે છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો કે ઊંઝાના જીરામાં ક્યુમિનિક આલ્ડેહાઇડની માત્રા 27 ટકા અને બીટા પિનિન રસાયણની માત્રા 10.22 ટકા છે, જે અન્ય પ્રાંતોના જીરા કરતાં વધારે છે. વળી, અરજીમાં દાવો કરવામાં આવ્યો કે ઊંઝાના જીરાના પ્રદેશની માટી રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી છે તથા પોટાશ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવાં મુખ્ય પોષક તત્ત્વો અને અન્ય સૂક્ષ્મ પોષક તત્ત્વોથી ભરપૂર છે. તેની સીધી અસર જીરાના દાણાના વિકાસ અને ગુણવત્તા પર થાય છે.
અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું કે આ પ્રાંતની વિશેષ આબોહવાને કારણે ઊંઝાના જીરામાં તીવ્ર સુવાસ અને સ્વાદ હોય છે, જે અન્ય પ્રાંતોના જીરામાં નથી હોતા.
વરિયાળીની અરજીમાં દાવો કરવામાં આવ્યો કે ઊંઝાની વરિયાળીમાં અન્ય પ્રાંતોની વરિયાળીની સરખામણીએ જેઠીમધ જેવી સુગંધ વધારે તીવ્ર હોય છે. તેના માટે અહીંની જમીન અને આબોહવા જવાબદાર છે. વળી, ઊંઝાની વરિયાળીના દાણા અન્ય પ્રાંતોની વરિયાળીના દાણાની સરખામણીએ સામાન્ય રીતે મોટા કદના, વધારે ભરાવદાર, એકસરખા આકારવાળા અને આછા લીલા રંગના હોય છે. આ ઉપરાંત, વરિયાળીના સ્વાદ અને ઔષધીય ગુણોને સીધી રીતે અસર કરતા 'એનેથોલ' સહિતનાં તત્ત્વો ધરાવતા એસેન્શિયલ ઑઇલની માત્રા પણ ઊંચી છે.
જીઆઇ ટૅગથી ખેડૂતો અને વેપારીઓને શું ફાયદો થશે?

ઇમેજ સ્રોત, OMAR TORRES / AFP via Getty Images
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જીરા અને વરિયાળીને જીઆઇ ટૅગ મળતાં આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ લેબલ ગુજરાતના જીરાની વૈશ્વિક ઓળખને વધારે મજબૂત કરશે.
પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું , "દુનિયામાં ઊંઝા ભારતના મસાલાના વેપારના કેન્દ્ર તરીકે જાણીતું છે. તેના જીરા અને વરિયાળીની ઉદાહરણરૂપ ગુણવત્તાને કારણે ઊંઝાએ પ્રતિષ્ઠા મેળવી છે. જીઆઇ ટૅગ આ સમૃદ્ધ વારસા અને વિશ્વસનીયતાને માન્યતા પ્રદાન કરે છે તથા તેની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવે છે. તેનાથી નિકાસની તકો વધશે, આપણી ખેતપેદાશોના મૂલ્યમાં વૃદ્ધિ થશે અને આપણા ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થશે."
એ.પી.એમ.સી.ના ચૅરમૅન દિનેશ પટેલે કહ્યું, "આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ ખેતપેદાશ કયા વિસ્તારમાં પકવવામાં આવી છે, તેના આધારે તેના બજારભાવ નક્કી થાય છે. જીઆઇ ટૅગ મળતાં હવે વેપારીઓ આપણા જીરાનું તે ટૅગ સાથે બ્રાન્ડિંગ કરી શકશે. તેના કારણે આપણા જીરું અને વરિયાળીને ખાસ કરીને યુરોપ ખંડના દેશોમાં નિકાસ કરવામાં ફાયદો થશે અને ખેડૂતોને વધારે સારા ભાવ મળશે."
નોંધનીય છે કે આ પહેલાં ગુજરાતની ગીરની કેસર કેરી, કચ્છી ખારેક, ભાલિયા ઘઉં તેમ જ અમલસાડી ચીકુને આવા જીઆઇ ટૅગ મળી ચૂક્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















