You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

પેપર લીક મામલે નડ્ડાએ વિપક્ષ પર પ્રહાર કર્યા, રાહુલ ગાંધીના ઇરાદા પર ઉઠાવ્યા સવાલ

કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે દિલ્હીમાં વિરોધપ્રદર્શન ચાલે છે. આ અંગે એક વકીલે દાખલ કરેલી અરજી પર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, "તમારો સમય ન બગાડો અને અમારો સમય પણ બરબાદ ન કરો."

લાઇવ કવરેજ

બીબીસી ગુજરાતી

  1. પેપર લીક મામલે નડ્ડાએ વિપક્ષ પર પ્રહાર કર્યા, રાહુલ ગાંધીના ઇરાદા પર ઉઠાવ્યા સવાલ

    ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ બુધવારે સાંજે એક પ્રેસ કૉન્ફરન્સમાં કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર આકરા પ્રહારો કર્યા.

    તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ ઘણાં રાજ્યોમાં ઘણી વખત પેપર લીક ​​થયાં છે.

    તેમણે કહ્યું, "જો હું જમ્મુ અને કાશ્મીરમાં સર્વિસ સિલેક્શન બોર્ડ પરીક્ષાના પેપર લીક વિશે વાત કરું, જ્યાં કૉંગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સ સત્તામાં છે, તો તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં, હિમાચલ પ્રદેશ સ્કૂલ પરીક્ષા બોર્ડ પરીક્ષાનું પેપર લીક થયું હતું, જ્યાં કૉંગ્રેસ પણ સત્તામાં છે. ઝારખંડમાં, જેએસી હિન્દી અને વિજ્ઞાન પરીક્ષાના પેપર લીક થયાં હતાં, જ્યાં કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા સત્તામાં છે."

    તેમણે વધુમાં કહ્યું, "તેલંગાણામાં ઇન્ટરમીડિયેટ ભાષા પરીક્ષાનું પેપર લીક થયું હતું અને ત્યાંની સરકારને કૉંગ્રેસ અને સીપીઆઈનું પણ સમર્થન છે. તેલંગાણામાં પણ એસએસસી ભાષા પરીક્ષાનું પેપર લીક થયું હતું અને ત્યાંની સરકારને કૉંગ્રેસ અને સીપીઆઈનું પણ સમર્થન છે."

    નડ્ડાએ કહ્યું, "તમે રાજકીય લાભ મેળવવા માંગો છો, જે દુર્ભાગ્યપૂર્ણ છે. આ એક ગંભીર મુદ્દો છે. એવી ઘણી લાંબી યાદી છે જ્યાં યુપીએ સરકાર સત્તામાં હતી અને પેપર લીક થયાં હતાં."

    તેમણે કહ્યું, "અમે ચર્ચા માટે તૈયાર છીએ. ઊંડાણપૂર્વક ચર્ચા થવી જોઈએ. સંસદ એકમાત્ર યોગ્ય સ્થળ છે જ્યાં ઊંડાણપૂર્વક ચર્ચા થઈ શકે છે. આપણે એક નક્કર નીતિ સાથે આવવું જોઈએ કારણ કે બાળકો દેશનું ભવિષ્ય છે. આ સરકારની સાથે સાથે વિપક્ષની પણ જવાબદારી છે."

    જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે તેઓ પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરવા તૈયાર છે, અને સરકાર જ્યારે પણ કહેશે ત્યારે વાટાઘાટો કરશે. જોકે, આજે કોઈ ચર્ચા થઈ નથી.

  2. સોનમ વાંગચુકે વીડિયોમાં કહ્યું - વિદ્યાર્થીઓ પર હુમલાના કારણે ચાલુ છે ઉપવાસ

    સોનમ વાંગચુકે બુધવારે ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલથી એક વીડિયો સંદેેશ પોસ્ટ કર્યો.

    આ સંદેશમાં તેમણે શાંતિપૂર્ણ પ્રદર્શન માટે વિદ્યાર્થીઓનાં વખાણ કર્યાં.

    વાંગચુકે સરકારને વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની એફઆઈઆર ન નોંધવાની માગ કરી.

    સોનમ વાંગચુકે કહ્યું કે, "હું હજી પણ જીવિત જ છું. આજે મારા ઉપવાસનો 25મો દિવસ છે. અત્યાર સુધી મારું વજન લગભગ 11 કિલોગ્રામ જેટલું ઊતર્યું છે. સાથે માંસપેશી પણ ઘટવા લાગી છે, પણ હું બરાબર છું. મંગળવારની રાત્રે હું સફદરજંગથી ગુરુગ્રામની એક પ્રાઇવટ હૉસ્પિટલમાં શિફ્ટ થયો."

    "હું એ બધા વિદ્યાર્થીઓનાં વખાણ કરું છું જેમણે આટલી શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું, પોતે લાઠીઓ ખાધી પણ કોઈ વળતો હુમલો ન કર્યો. ખૂબ ઉશ્કેરણી છતાં પોતાનું ધૈર્ય ન ગુમાવ્યું. આનાથી મારું હૃદય પીગળી ગયું છે."

    તેમણે કહ્યું કે, "વિદ્યાર્થીઓ પર બર્બરતાથી હુમલા થઈ રહ્યા હતા, એટલે મેં ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. હજી પણ ઉપવાસ તોડવાની અપીલ કરતાં અનેક નેતાઓ આવ્યા."

    "સત્તાધારી દળના નેતા પણ આવ્યા અને 55 સાંસદોના હસ્તાક્ષરવાળા પત્ર લઈને વિપક્ષના સાંસદ પણ આવ્યા, જે અપીલ કરી રહ્યા છે કે હું ઉપવાસ તોડું અને પાછો દેશ સેવામાં લાગી જાઉં."

    "હું જાતે પણ આવું જ ઇચ્છું છું. મારા માટે મારું કામ બહુ જ જરૂરી છે."

    "પણ સરકારને વિનંતી કરું છું કે તેઓ બાળકો પર વધુ બળ પ્રયોગ ન કરે. બીજી વાત, સરકાર મને આશ્વાસન આપે કે પ્રદર્શનકારીઓ પર એફઆઈઆર નહીં નોંધવામાં આવે."

  3. સીજેપી પ્રદર્શન : દિલ્હી હાઇકોર્ટનો નિર્દેશ, પોલીસ સીસીટીવી ફૂટેજને સુરક્ષિત રાખે

    20 જુલાઈના જંતરમંતર પર પ્રદર્શન કરી રહેલા લોકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી મામલે દાખલ કરાયેલી બે અરજીઓ પર દિલ્હી હાઇકોર્ટે બુધવારના કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે.

    બાર ઍન્ડ બૅન્ચ અનુસાર, ચીફ જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કરિયાની બૅન્ચે કહ્યું કે અરજીકર્તાઓ તરફથી ઉઠવવામાં આવેલા મામલા એવા નથી કે જેમને માત્ર પ્રભાવિત લોકો પાસે અંગત ફરિયાદ નોંધાવવા મોકલી શકાય.

    અદાલતે કહ્યું કે, "જો આ કોઈ અલગ ઘટના હોત તો સ્થિતિ અલગ હોત. પોલીસ જો તેમને અંગત ફરિયાદ નોંધાવવા કહેત તો બની શકે તે સાચી હોત પણ આ એવો મામલો નથી."

    ત્યાર બાદ અદાલતે પોલીસને પોતાનો જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.

    અદાલતે પોલીસને સીસીટીવી ફૂટેજ અને અન્ય વીડિયો સાક્ષ્યોને સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલાની આગલી સુનાવણી 11 સપ્ટેમ્બરના થશે.

  4. સોનમ વાંગચુકે અનશન તોડવા મામલે સરકારને પત્ર લખીને એક અપીલ કરી છે.

    તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, "એક વખત સરકાર પાસેથી આશ્વાસન મળી ગયા બાદ, હું શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ અપીલ કરીશ કે તેઓ હાલ આંદોલન રોકી દે અને સરકાર સાથે વાતચીત શરૂ કરે."

    તેમણે જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહને પત્ર લખીને કહ્યું કે, "કાલ રાત્રે હૉસ્પિટલમાં મને મળવા અને અનશન ખતમ કરવાની અપીલ કરવા માટે આભાર. અમારી વાતચીત દરમિયાન તમે મને ભોરોસ આપ્યો કે સરકાર નીચે ઉલ્લેખ કરેલા મુદ્દા પર હકારાત્મક રીતે વિચાર કરશે."

    "જેમ કે- પરીક્ષા પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને પર્યાપ્ત વળતર આપવામાં આવશે. અને જવાબદારી નક્કી કરવા માટે સંસદમા ંસાર્થક ચર્ચા થશે, જેમાં માનનીય શિક્ષણ મંત્રીના રાજીનામા પર ચર્ચા સામેલ હશે."

    તેમણે પત્રમાં આગળ લખ્યું કે, "જો સરકાર આવું આશ્વાસન આપે તો હું એ વિશ્વાસ સાથે પોતાનું અનશન સમાપ્ત કરીશ કે સરકારે માત્ર મારી અપીલ સાંભળી જ નથી પરંતુ લાખો યુવાનોની આકાંક્ષાઓને પણ સમજી છે. પરંતુ આ આશ્વાસન ન મળવા પર મારે પોતાનું અનશન અનિશ્ચિતકાળ સુધી ચાલુ રાખવા માટે મજબૂર થવું પડશે."

    તેમણે આગળ કહ્યું કે, "મને આશા છે કે આંદોલનને દબાવવા માટે પોલીસ દળનો જરૂર કરતા વધારે ઉપયોગ ફરીથી ન કરવામાં આવે."

    નીટ પેપર લીક પછી કૉક્રોચ જનતા પાર્ટી જંતર-મંતર પર પ્રદર્શન કરી રહી છે. પ્રદર્શન કારી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. આ માગને લઈને સોનમ વાંગચુક પણ 28 જૂનથી અનશન કરી રહ્યા છે.

  5. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ આતંકવાદી નથી'

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને વિદ્યાર્થીઓની ત્રણ માગને મૂકી હતી.

    રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન પાસે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે પોલીસ તેમને ત્યાંથી બળજબરીથી ઉઠાવીને લઈ ગઈ હતી.

    રાહુલ ગાંધીએ આ પોલીસ કાર્યવાહી વિશે કહ્યું, 'તમારે મારી સાથે જે કરવું હોય તે કરો. પાંચથી દસ ગણુ જે ખરાબ કરવું હોય તો કરો. મને આ ગમે છે કારણ કે તેમાંથી હું શીખું છું. સરકારના આરોપોની હું ચિંતા નથી કરતો.'

    દિલ્હી ખાતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ક્હ્યું છે કે, "વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ આતંકવાદી નથી, તેઓ આપણું ભવિષ્ય છે, જે આના માટે જવાબદાર છે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ."

    તેમણે કહ્યું કે, "વિદ્યાર્થીઓ જે અનુભવી રહ્યા છે અને દરેક વિદ્યાર્થી જે કરી રહ્યા છે તેમની સાથે અમે 100 ટકા સહમત છીએ. થોડા દિવસ પહેલાં જે થયું તેની સામે કંઈક પરિણામ હોવાં જોઈએ."

    "તેના માટે વિદ્યાર્થીઓ જવાબદાર નથી. તેમની માગો શું છે? ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણમંત્રી તરીકે નિષ્ફળ રહ્યા છે અને ભ્રષ્ટાચાર માટે જાણીતા છે, તેમને ફરજમુક્ત કરવામાં આવે, આ પહેલી માગ પૂર્ણ રીતે વાજબી છે. આ સો ટકા યોગ્ય માગ છે."

    તેમણે કહ્યું કે, "આમાં કંઈ ખોટું નથી. તેમણે ભારત અને દુનિયાને બતાવ્યું કે તેઓ સિસ્ટમને ચલાવવામાં પૂર્ણ રીતે અયોગ્ય છે."

    "બીજી માગ કે જેમણે વિદ્યાર્થીઓ પર આંગળી ઊંચી કરી છે, ભલે પછી તે કોઈ પણ હોય, જે લોકોએ તેનો નિર્દેશ આપ્યો છે અને જેમણે આ કાર્યવાહી કરી, તેમની જવાબદારી નક્કી થવી જોઈએ."

    "ત્રીજી માગ છે કે જે વ્યક્તિ સમગ્ર સિસ્ટમને ચલાવી રહી છે, આખરે આ બધું જે થયું તેના માટે જવાબદાર છે, તેમણે વિદ્યાર્થીઓ સાથે જે કર્યું, વડા પ્રધાન મોદીએ તેના માટે માફી માગવી જોઈએ."

    રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, "પોલીસે મારી સાથે કેવું વર્તન કર્યું તે મુદ્દો જ નથી. તેનાથી પાંચ ગણી ખરાબ રીતે મારી સાથે વર્તશે તો મને કોઈ ચિંતા નથી. ધ્યાન ત્યાં હોવું જોઈએ કે વિદ્યાર્થીઓ સાથે શું થયું, આપણી શિક્ષણપદ્ધતિ, પેપરલીક અને બાળકોને જે કિંમત ચૂકવવા મજબૂર કરવામાં આવી રહ્યાં છે તેના પર ધ્યાન હોવું જોઈએ."

  6. 'વિદ્યાર્થીઓ અને યુવાનોને રાજનીતિક હથિયાર બનાવવાનો પ્રયાસ ચાલે છે'- રાજનાથ સિંહ

    દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે મીડિયા સાથે વાત કરતા દિલ્હીમાં ચાલતા વિરોધ પ્રદર્શનને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો.

    તેમણે કહ્યું કે, "બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે કેટલાક લોકો અમારા દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોનો પોતાના રાજનીતિક સ્વાર્થ માટે, એક રાજનીતિક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે."

    "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકાર યુવાનોની આકાંક્ષાઓને પૂરી કરવા અને તેમના કલ્યાણ પ્રત્યે પૂર્ણ રીતે કટિબદ્ધ છે, વિદ્યાર્થીઓની દરેક ચિંતાને સાંભળવા અને તેનું સમાધાન કરવું એ અમારી સૌની જવાબદારી છે."

    રાજનાથ સિંહે કહ્યું કે ભારતના જાગરૂક યુવાનો આવા ભ્રામક પ્રયાસોને સારી રીતે સમજે છે.

    તેમણે કહ્યું કે, "મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતના જાગરૂક, પરિપક્વ અને વિવેકશીલ યુવાનો આવા ભ્રામક પ્રયાસોને સારી રીતે સમજે છે અને તેઓ પ્રગતિ, વિકાસ અને રાષ્ટ્રનિર્માણના રસ્તા પસંદ કરશે."

    "અમે એ વાત માટે પણ પૂર્ણ રીતે કટિબદ્ધ છીએ કે અમારા વિદ્યાર્થીઓને યુવાનો સાથે કોઈ પ્રકારનો અન્યાય ન થાય."

    નીટ પેપર લીક પછી કૉક્રોચ જનતા પાર્ટી જંતર-મંતર પર પ્રદર્શન કરી રહી છે.

    પ્રદર્શનકારીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગી રહી છે. આ માગને લઈને સોનમ વાંગચુક પણ 28 જૂથી અનશન પર છે.

    20 જુલાઈના પ્રદર્શનકારીઓએ સંસદ માર્ચનું આયોજન કર્યું હતુ ંજ્યાર બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વિપક્ષ પોલીસની આ કાર્યવાહીની ટીકા કરી રહ્યું છે.

  7. 'તમારું જીવન કિંમતી છે...': સોનમ વાંગચુકને ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરી, સીજેપીએ પત્રમાં શું કહ્યું?

    કૉક્રોચ જનતા પાર્ટી (CJP)એ બુધવારે સોનમ વાંગચુકને પત્ર લખીને તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી છે.

    CJPએ પોતાના પત્રમાં લખ્યું છે, 'પૂરા માન-સન્માન અને હૃદયપૂર્વકના આભાર સાથે અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તમારા ઉપવાસ સમાપ્ત કરી દો. તમારા ત્યાગે દેશભરના હજારો વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. 20 જુલાઈએ વિવિધ રાજ્યોમાંથી યુવાનો માત્ર તમારા અને આ આંદોલનના સમર્થનમાં પહોંચ્યા છે.'

    'તમે દર્શાવ્યું છે કે આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી પરંતુ એ દરેક વિદ્યાર્થીની છે જે પરીક્ષા વ્યવસ્થામાં ન્યાય ઇચ્છે છે. પરંતુ આ સમયે સૌથી મહત્ત્વનું એ છે કે તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.'

    સીજેપીએ સોનમ વાંગચુકને વચન આપ્યું છે કે તેમના ઉપવાસ સમાપ્ત કરવાથી આ આંદોલન પૂરું નહીં થાય.

    સીજેપીએ લખ્યું, 'અમે આ લડાઈને પૂરી તાકાતથી આગળ ધપાવીશું અને પરીક્ષામાં ન્યાયની અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખીશું. આ આંદોલનને આગળ લઈ જવા માટે અમે તમામ શક્ય પ્રયાસો કરીશું.'

    સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ પણ ઍક્સ પર એક વીડિયો જાહેર કરીને સોનમ વાંગચુકને ઉપવાસ સમાપ્ત કરવાની વિનંતી કરી છે.

    દીપકેએ ઍક્સ પર લખ્યું, 'દેશને સોનમ વાંગચુકની જરૂર છે અને તેમનું જીવન એટલું કિંમતી છે કે તેને વધુ જોખમમાં મૂકી શકાય નહીં. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી જંતર-મંતર પર અમારું શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ રહેશે.'

  8. દિલ્હી જંતર-મંતર : વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવા મામલે ઝડપી સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

    દિલ્હી પોલીસે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શનકારીઓ પર કરેલા લાઠીચાર્જ મામલે એક અરજી દાખલ થઈ છે, જેના પર વહેલી સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે.

    કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે દિલ્હીમાં વિરોધપ્રદર્શન ચાલે છે.

    આ અંગે એક વકીલે દાખલ કરેલી અરજી પર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, "તમારો સમય ન બગાડો અને અમારો સમય પણ બરબાદ ન કરો."

    બાર ઍન્ડ બેન્ચ મુજબ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જૉયમલ્લા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ ઉપસ્થિત વકીલે આગલા દિવસે સુનાવણી માટે લિસ્ટિંગની માંગણી કરી હતી.

    વકીલે કહ્યું કે પોલીસની કઠોરતાના વીડિયો હાજર છે. જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલે છે. પોલીસ બહુ સખતાઈ દેખાડી રહી છે.

    જોકે, ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, "મહેરબાની કરીને તમારો સમય બરબાદ ન કરો અને પોતાનો સમય પણ બરબાદ ન કરો. તમારો સમય અમારા સમય કરતાં વધુ કિંમતી છે."

    ત્યાર પછી વકીલે કહ્યું કે કેટલીક મહત્ત્વની માંગણી ઉઠાવાઈ છે. તેમાં નીટને નિષ્પક્ષ રીતે કરવાની તથા વારંવાર પેપર લીક થવાના કારણે નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને ખતમ કરવાની માંગણી સામેલ છે.

  9. સરકારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે શું તે ખરેખર અમારી સાથે વાતચીત કરવા માગે છે કે નહીં - સીજેપી

    જંતર મંતર જ્યાં સીજેપી પ્રદર્શન કરી રહી છે, ત્યાંથી તેના પ્રવક્તા સૌરવ દાસે માહિતી આપી હતી કે પોલીસે તેમનો ફરીથી સંપર્ક કર્યો છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, 'આજે સવારે, પોલીસે ફરીથી અમારો સંપર્ક કર્યો અને માહિતી આપી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમારી સાથે વાત કરવા માગે છે. તેમણે અમને તેમના નિવાસસ્થાને આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ અમે સ્પષ્ટપણે તેનો ઇન્કાર કરી દીધો. અમે કોઈના ઘરે કે ઑફિસે જવાના નથી.' આ ઉપરાંત તેમણે કહ્યું, 'અહીં 'જનતા દરબાર' યોજાઈ રહ્યો છે, અને જો મંત્રીઓ વાત કરવા માગતા હોય, તો તેમણે જનતા વચ્ચે આવવું જોઈએ. આ ચર્ચા જંતર મંતર પર જ થવી જોઈએ. આ સાથે જ, અમે સમજદાર લોકો છીએ. જો સરકારને પ્રદર્શસ્થળ પર સુરક્ષાની ચિંતા હોય, તો અમે જંતર મંતર નજીક કોઈ તટસ્થ સ્થળે મળવા માટે પણ તૈયાર છીએ. અમે હજુ પણ તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.' તેમણે વધુમાં ઉમેર્યું, 'સરકારની અમારી માંગણીઓ સ્વીકારવાની દાનત હોવી જોઈએ. નિરર્થક ચર્ચાઓ માટે અમને બોલાવવાનો કોઈ અર્થ નથી. અમારો સમય કિંમતી છે. હજારો લોકો હજુ પણ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે અને અમારે તે પણ સંભાળવાનું છે. સરકારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે શું તે ખરેખર અમારી સાથે વાતચીત કરવા માગે છે કે નહીં.

  10. દિલ્હી જંતર-મંતર: CJPના પ્રદર્શનને જોતાં 16 મેટ્રો સ્ટેશન બંધ, સુરતમાં વિરોધ કરી રહેલા કૉંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ

    દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (ડીએમઆરસી)એ બુધવારે બપોરે 11-27 વાગ્યે 16 મેટ્રો સ્ટેશન બંધ કરવાની જાણકારી આપી છે.

    આ એ સ્ટેશનો છે જે પ્રદર્શનના સ્થળ જંતર-મંતરની આસપાસ આવેલાં છે.

    ડીએમઆરસીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ 16 મેટ્રો સ્ટેશનોનાં નામ જાહેર કર્યાં હતાં.

    જેમાં- લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારાખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટેરિએટ, આઈટીઓ, દિલ્હી ગેટ, ઇન્દ્રસ્પસ્થ, ખાન માર્કેટ, જોર બાગ અને શિવાજી સ્ટેડિયમ.

    બીજી તરફ મંગળવારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ સાંસદોએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગને લઈને વડા પ્રધાન નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ બહાર ધરણાં અને પ્રદર્શન કર્યાં હતાં.

    ત્યાર બાદ તેમની અટકાયત કરવામાં આવી, જોકે કેટલાક કલાકો બાદ અટકાયતમાં લેવાયેલા તમામ નેતાઓને છોડી મૂક્વામાં આવ્યા હતા. જેના વિરોધમાં દેશભરમાં કૉંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. સુરતમાં પણ કૉંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો યોજ્યા હતા પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી.

  11. જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પ્રીતિ ઝિન્ટાએ શું કહ્યું?

    જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓનાં પ્રદર્શનોને લઈને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સવાલ પૂછ્યો છે કે ક્યાંક દેશની અંદર અને બહારના કેટલાક અયોગ્ય લોકો વિદ્યાર્થીઓનાં ગુસ્સા અને પરેશાનીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યા ને?

    પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ શૅર કરતા કહ્યું કે વિદ્યાર્થીઓનાં શાંતિપૂર્ણ પ્રદર્શનોનો દેશવિરોધી તત્ત્વો દ્વારા હંગામો ફેલાવવા અથવા તેની દિશા બદલવા માટે ઉપયોગ ન થવો જોઈએ.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "જ્યાં એ જરૂરી છે કે આપણે આપણા વિદ્યાર્થીઓનું સમર્થન કરીએ અને એવા શિક્ષણ સુધારાઓની માંગ કરીએ, જે આપણા યુવાનોના ભવિષ્યને વધુ સારું બનાવે, ત્યાં એ પણ જરૂરી છે કે વિદ્યાર્થીઓનાં શાંતિપૂર્ણ પ્રદર્શનોનો ઍન્ટી-નૅશનલ ઍલિમેન્ટ્સ દ્વારા હંગામો ફેલાવવા અને પ્રદર્શનની દિશા બદલવા માટે ઉપયોગ ન કરવામાં આવે."

    અભિનેત્રીએ આગળ કહ્યું, "ઑનલાઇન વધતી નફરત અને વિભાજનકારી વાતાવરણને જોઈને મને ચિંતા થાય છે કે ક્યાંક દેશની અંદર અને બહારના કેટલાક અયોગ્ય લોકો વિદ્યાર્થીઓનાં ગુસ્સા અને પરેશાનીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યા ને?"

    પ્રીતિ ઝિન્ટાએ પોતાની પોસ્ટમાં લખ્યું, "મેં હંમેશાં મહેનત, સમાનતા અને શ્રેષ્ઠ કાર્યમાં વિશ્વાસ રાખ્યો છે અને આ બાબતો સાથે ક્યારેય સમાધાન થવું જોઈએ નહીં. હું આપણાં લોકતંત્ર, કાયદો અને વ્યવસ્થા તથા અમારી સરકારમાં પણ વિશ્વાસ રાખું છું."

    તેમણે લખ્યું, "હું દિલથી આશા રાખું છું કે બંને પક્ષો સાર્થક અને સકારાત્મક સંવાદની શરૂઆત કરે અને આ પ્રદર્શન તથા ચર્ચામાંથી તમામ ખોટા ઇરાદાવાળા લોકો અને મુદ્દાઓને દૂર કરે, જેથી આપણા યુવાનો અને આપણા લોકતંત્રનું ભવિષ્ય ઉજ્જવળ બને."

    આ પહેલાં પ્રીતિ ઝિન્ટાએ વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. તેમણે પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરતા કહ્યું કે તેમની તબિયત પણ આ લડાઈ જેટલી જ મહત્ત્વપૂર્ણ છે.

    ઉલ્લેખનીય છે છે કે સોમવારે થયેલા વિરોધ માર્ચ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગૅસના ગોળા છોડ્યા હતા. ત્યારબાદ ઘણા ફિલ્મના કલાકારોએ વિદ્યાર્થીઓનાં પ્રદર્શનોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

  12. વરસતા વરસાદ વચ્ચે જંતર-મંતર પર કેવો છે વિરોધપ્રદર્શનનો માહોલ, જુઓ તસવીરોમાં, દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) તથા વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે.

    દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) તથા વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે.

    બુધવારે સવારે વરસાદ થયો છતાં પ્રદર્શનકારીઓ ત્યાં અડગ છે અને તેઓ તાડપત્રીનો ઉપયોગ કરી રહ્યા છે.

    આ પહેલાં મંગળવારે મોડી સાંજે શિવસેના (યુટીબી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને ટીએમસી નેતા મહુઆ મોઇત્રા સહિત અનેક નેતાઓ પ્રદર્શનના સ્થળે પહોંચ્યાં હતાં.

    બુધવાર સવારની જંતર-મંતરની તસવીરો

  13. પત્રકારો પર પ્રદર્શનકારોના કથિત હુમલા વિશે કૉક્રોચ જનતા પાર્ટીએ શું કહ્યું?

    દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓ પર આરોપ છે કે તેમણે 'ટાઇમ્સ નાઉ'ના પત્રકાર દેવ કોટક સાથે મારપીટ કરી હતી. ત્યાર પછી સીજેપીએ આ હુમલાની ટીકા કરી છે.

    સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરભ દાસે કહ્યું કે, "પોલીસ ગમે તેટલી ઉશ્કેરે તો પણ કોઈ પ્રકારની હિંસા કરવી ન જોઈએ."

    સૌરભ દાસે ઍક્સ પોસ્ટ પર લખ્યું કે, "અમે દેવ (રિપોર્ટર) પર થયેલા હુમલાની આકરી ટીકા કરીએ છીએ. તેઓ એક શાનદાર રિપોર્ટર છે. પોલીસ ગમે તેટલી ઉશ્કેરે, કોઈએ કોઈ પ્રકારની હિંસા કરવી ન જોઈએ. માફ કરજો ભાઈ દેવ. અમે બધાને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરીએ છીએ."

    પત્રકાર દેવ કોટકે આરોપ લગાવ્યો છે કે સીજેપીના પ્રદર્શનકારીઓએ તેમની સાથે મારપીટ કરી અને તેમનાં મોબાઇલ તથા ઘડિયાળ છીનવી લીધાં.

    અહીં ધ્યાન આપવું જરૂરી છે કે સીજેપીના પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી વાર મેઇનસ્ટ્રીમ મીડિયા સામે નારાબાજી કરી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ આવ્યા છે.

  14. નસીરુદ્દીન શાહે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ કહ્યું, “ગુસ્સાથી ઊકળી ઉઠ્યો છું”

    કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થકો અને પ્રદર્શકારો પર સોમવારે સંસદ માર્ચ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી બાદ સિમેમા જગત સાથે જોડાયેલા ઘણા લોકોએ તેની નિંદા કરી છે. હવે દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં નિવેદન આપ્યું છે.

    નસીરુદ્દીન શાહે કહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ હિંમત નહીં હારે, ઘણા લોકોની હમદર્દી તેમની સાથે છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્ટાગ્રામ પર એક વીડિયો જારી કરીને કહ્યું, “ઍક્ટિંગના બે કોર્સ પૂર્ણ કર્યા બાદ પણ મેં અભિયન કરવાનું વિદ્યાર્થીઓ પાસેથી શીખ્યું છે. જેને શીખવવાની કોશિશ મેં કરી છે. મારી પૂર્ણ હમદર્દી તેમની સાથે છે. હું તેમના તમામ શ્વાસની સાથે દુઆ આપું છું અને દરેક ટીચર્સ ડે પર તેમને સલામ કરું છું.”

    તેમણે કહ્યું, “મારું દિલ ભરાઈ આવ્યું છે. આ જોઈને હું ગુસ્સાથી ઊકળી ઉઠ્યો છું. આપણાં બાળકો સાથે આ પ્રકારનો જુલમથી ભરેલું વર્તન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સાથેનો આ વ્યવહાર એ ગુંડાઓ મારફતે થઈ રહ્યો છે. જે મને અમેરિકામાં આઇસ એજન્ટની યાદ અપાવે છે. જેમના હાથમાં દંડા અને મોઢા પર નકાબ હતો. ક્યારેક પોતાનાં બાળકો માટે પણ વિચારો અને એ પણ વિચારો કે તમારું કરેલું તમને પરત મળશે.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં સોનાક્ષી સિન્હા, પ્રીતિ ઝિન્ટા, સોનુ સુદ, દિલજીત દોસાંજ, રિતેશ દેશમુખ, ભૂમિ પેડનેકર અને જેનેલિયા સહિત ઘણાં અભિનેતા-અભિનેત્રીઓએ વિદ્યાર્થીઓના સમર્થનમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

  15. ધર્મેન્દ્ર પ્રધાન બોલ્યા, ‘રાહુલ ગાંધી વિદ્યાર્થીઓનો રાજકારણ માટે ઉપયોગ કરી રહ્યા છે’

    કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓનો રાજકારણમાં ઉપયોગ કરીને સંસદના ચોમાસાના સત્રમાં અવરોધ ઊભો કરવા માગે છે.

    ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ સતત વિદ્યાર્થીઓનો રાજનીતિ માટે ઉપયોગ કરે છે. જેથી સંસદના ચોમાસું સત્ર દરમિયાન અવરોધ પેદા કરી શકે. રાહુલ ગાંધી અને કૉંગ્રેસે વડા પ્રધાનના ઘરની બહાર ઘરણાંનો નિર્ણય લીધો. જેથી સામાન્ય લોકોને પરેશાની થઈ અને સુરક્ષાના નિયમોને અવગણવામાં આવ્યા.”

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ સાંસદોએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગને લઈને વડા પ્રધાન નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ બહાર ધરણાં અને પ્રદર્શન કર્યાં હતાં.

    ત્યાર બાદ તેમની અટકાયત કરવામાં આવી, જોકે કેટલાક કલાકો બાદ અટકાયતમાં લેવાયેલા તમામ નેતાઓને છોડી મૂક્વામાં આવ્યા હતા.

    નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર તમારું સ્વાગત છે

    આ પેજ પર તમને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનની મહત્ત્વની અપડેટ્સ મળતી રહેશે.

    દિલ્હીના જંતરમતર પર કૉક્રોચ જનતા પાર્ટીનું વિરોધપ્રદર્શન છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે. ગઈકાલે તેમણે સંસદ તરફ કૂચ કરવાની કોશિશ કરી હતી. આજે પણ તેઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

    તમામ મહત્ત્વના સમાચારો મેળવવા બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.

    બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન