ગુજરાત વરસાદ અપડેટ : ઉમરગામમાં 50 ઇંચ વરસાદથી જળબંબોળ, અમદાવાદ સહિત 12 જિલ્લામાં ઍલર્ટ અને ખેડામાં 4નાં મોત

બીબીસી ગુજરાતી ગુજરાત હવામાન વરસાદ વલસાડ નવસારી સુરત પૂરગ્રસ્ત બચાવકાર્ય

ઇમેજ સ્રોત, imd

ઇમેજ કૅપ્શન, શુક્રવારે સવારના છ વાગ્યા સુધી છેલ્લા ચોવીસ કલાકના ડેટા પ્રમાણે ખેડાના મહેમદાબાદ તાલુકામાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ પડ્યો છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદે ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં છે.

ગુજરાતમાં 27 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે.

ઍક્સપ્રેસ વે અને નૅશનલ હાઈવે સહિત મહત્ત્વના માર્ગો બંધ થઈ ગયા છે, રેલવે માર્ગ ખોરવાયો છે, વેપાર-ધંધાને નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં લોકોએ ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.

આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, નવસારી, વલસાડ, ભાવનગર, ખેડા, તાપી, ડાંગ, પંચમહાલ, બોટાદ સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં શાળા, કૉલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે.

શુક્રવારે સવારના છ વાગ્યા સુધી છેલ્લા ચોવીસ કલાકના ડેટા પ્રમાણે ખેડાના મહેમદાબાદ તાલુકામાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યાર પછી અમદાવાદના ધોળકામાં 18.62 ઇંચ, નવસારીના ચીખલીમાં 18 અને ખેરગામમાં 17 ઇંચ, વલસાડના ઉમરગામમાં 17 ઇંચ વરસાદ પડ્યો છે સુરતના ઉમરપાડામાં પણ ચોવીસ કલાકમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત માતરમાં 16 ઇંચ કરતા વધુ અને ખેડામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવી, વાંસદા, ડાંગના વઘઈ જેવા વિસ્તારોમાં પણ 13થી 14 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

બીબીસી ગુજરાતી ગુજરાત હવામાન વરસાદ વલસાડ નવસારી સુરત પૂરગ્રસ્ત બચાવકાર્ય

ઇમેજ સ્રોત, Rupesh Sonvane

ઇમેજ કૅપ્શન, સુરતમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

વલસાડમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નવસારી અને વલસાડમાં કુલ લગભગ 20 હજાર લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વલસાડમાં ભારે વરસાદના કારણે તમામ કારખાના અને ઔદ્યોગિક એકમોને બંધ રાખવા આદેશ અપાયો છે.

વરસાદના કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની શુક્રવારે લેવાનારી ખાતાકીય પરીક્ષા પણ રદ કરવામાં આવી છે.

ખેડામાં કાર તણાવાથી ચારનાં મોત

બીબીસી ગુજરાતી ગુજરાત હવામાન વરસાદ વલસાડ નવસારી સુરત પૂરગ્રસ્ત બચાવકાર્ય

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, માતર હાઈવે પર ગરનાળાના પાણીમાં કાર તણાઈ હતી.

ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે માતર નજીક એક અત્યંત માર્ગ અકસ્માત સર્જાયો છે.

બીબીસી સહયોગી નચિકેત મહેતાના અહેવાલ પ્રમાણે માતર હાઈવે પર આવેલા મોતીપુરા ગામ પાસે અમદાવાદના એક પરિવારની કાર અનિયંત્રિત થઈને ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ 6 લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે બે લોકોને બચાવી લેવાયા છે.

બીબીસી ગુજરાતી ગુજરાત હવામાન વરસાદ વલસાડ નવસારી સુરત પૂરગ્રસ્ત બચાવકાર્ય

ઇમેજ સ્રોત, Snehal Patel

ઇમેજ કૅપ્શન, નવસારીમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી કરતા એનડીઆરએફના જવાનો.

અહેવાલ પ્રમાણે ગરનાળા પર જોશથી પાણી વહેતું હતું જેના કારણે કાર તણાઈ હતી અને આ દુર્ઘટના બની હતી.

ખેડામાં ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાયાં છે. ગુરુવારે મહેમદાબાદમાં આઠ કલાકમાં 14 ઇંચ અને માતરમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો.

પાણીમાં અજગર તણાઈ આવ્યો

બીબીસી ગુજરાતી ગુજરાત હવામાન વરસાદ વલસાડ નવસારી સુરત પૂરગ્રસ્ત બચાવકાર્ય

ઇમેજ સ્રોત, APurva Parekh

ઇમેજ કૅપ્શન, વલસાડમાં પૂરના પાણીમાં અજગર તણાઈ આવ્યો હતો

નવસારી અને વલસાડમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પહેલેથી હાજર હતી અને હવે તેમાં મિલિટરીની ટીમો પણ સામેલ કરાઈ છે તેમ વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું.

નવસારીમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

વલસાડ જિલ્લામાં અંભેટી કોપરલી રોડ ખાતે ગુરુવારે એક લક્ઝરી બસ પાણીમાં ફસાતા પોલીસ દ્વારા ગ્રામજનોની મદદ લઈ તમામ મુસાફરોનું રૅસ્ક્યૂ કરી તેમને સલામત જગ્યાએ પહોચાડવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતી ગુજરાત હવામાન વરસાદ વલસાડ નવસારી સુરત પૂરગ્રસ્ત બચાવકાર્ય

ઇમેજ સ્રોત, APurva Parekh

ઇમેજ કૅપ્શન, વલસાડમાં બચાવ કામગીરી માટે હેલિકૉપ્ટરનો ઉપયોગ થયો છે.

વલસાડથી બીબીસી સહયોગી અપૂર્વ પારેખના અહેવાલ મુજબ વલસાડમાં ભારે વરસાદના કારણે બચવા માટે એક વીજળીના થાંભલા પર ચઢી ગયેલા યુવાનને બચાવવામાં આવ્યો છે.

લગભગ એક દિવસથી યુવાન થાંભલા પર ચઢીને કોઈ બચાવવા આવે તેની રાહ જોતો હતો જેને દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા સહીસલામત બચાવવામાં આવ્યો છે.

વલસાડના છીપવાડા વિસ્તારમાં વરસાદના પાણી સાથે એક અજગર પણ તણાઈ આવ્યો હતો.

તાપી નદી બંને કાંઠે વહેવા લાગી

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની સપાટી હાલમાં 314.71 ફૂટ પર પહોંચી છે.

હાલમાં 21204 ક્યુસેકની આવક છે જેની સામે 800 ક્યુસેક પાણીનો આઉટફ્લૉ છે. હાલમાં શહેરમાંથી પસાર થતી તાપી નદી બંને કાંઠે ધસમસતી વહી રહી છે. સુરત શહેરમાંથી પસાર થતી પાંચ ખાડીઓમાં પણ પાણી ધસમસી રહ્યાં છે. ગુરુવારે ખાડીઓ ઓવરફ્લૉ થવાના કારણે પાણી આસપાસની સોસાયટીમાં ઘૂસી ગયા હતા. આજે સવારથી સુરતમાં વરસાદ અટકી ગયો છે, જોકે આજે પણ ભારે વરસાદની આગાહીના કારણે લોકો ઍલર્ટ પર છે.

લેટેસ્ટ આંકડા પ્રમાણે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 1287 મીમી એટલે કે 50 ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનો રદ

બીબીસી ગુજરાતી ગુજરાત હવામાન વરસાદ વલસાડ નવસારી સુરત પૂરગ્રસ્ત બચાવકાર્ય

ઇમેજ સ્રોત, Snehal Patel

ઇમેજ કૅપ્શન, બીલીમોરા રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે.

નવસારીથી બીબીસી સહયોગી સ્નેહલ પટેલના અહેવાલ પ્રમાણે ગુરુવારે બીલીમોરા રેલવે ટ્રેક પર પાણી ભરાયાં હતાં જેના કારણે બીલીમોરાથી પસાર થતી ટ્રેનો રદ કરવામાં આવી છે.

ગુજરાત માહિતી ખાતાની પ્રેસ રિલિઝ પ્રમાણે 24 જુલાઈ, શુક્રવારે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી પાંચ મહત્ત્વની ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં ગુજરાત મેલ, કર્ણાવતી ઍક્સપ્રેસ, ડબલ ડેકર ઍક્સપ્રેસ, વંદે ભારત અને તેજસ ઍક્સપ્રેસ સામેલ છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી કુલ મળીને 30 ટ્રેનોને અસર થઈ છે જેના કારણે સુરત, અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાયા છે.

ડાંગમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સતત વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસતાં અનાજ અને ઘરવખરીને નુકસાન થયું છે.

સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ

બીબીસી ગુજરાતી ગુજરાત હવામાન વરસાદ વલસાડ નવસારી સુરત પૂરગ્રસ્ત બચાવકાર્ય

ઇમેજ સ્રોત, Nirav Kansara

ઇમેજ કૅપ્શન, તાપીની વાલ્મિકી નદીના ધસમસતાં પાણી

દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના બીજા ભાગોમાં પણ ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે. અમદાવાદ ગ્રામ્યમાં વરસાદના કારણે ગુરુવારે બાવળા-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા હતા. બીબીસી સહયોગી સચિન પીઠવાના અહેવાલ મુજબ સુરેન્દ્રનગરમાં ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લૉ થયો છે અને આસપાસનાં ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં દસાડાના નવરંગપુરા–ફુલકી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં લખતરમાં સૌથી વધુ 176 મીમી (સાત ઇંચ) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રામાં 85 મીમી, દસાડામાં 147 મીમી, વઢવાણમાં 96 અને મૂળીમાં 102 મીમી વરસાદ પડ્યો છે.

બીબીસી ગુજરાતી ગુજરાત હવામાન વરસાદ વલસાડ નવસારી સુરત પૂરગ્રસ્ત બચાવકાર્ય

ઇમેજ સ્રોત, Nirav Kansara

ઇમેજ કૅપ્શન, તાપીના વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મિકી નદીમાં ઘોડાપૂર આવવાથી આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

અરવલ્લીથી અંકિત ચૌહાણના અહેવાલ પ્રમાણે સાબરકાંઠાના હિંમતનગરમાં લાંબા વિરામ પછી વરસાદ પડી રહ્યો છે જેના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયાં છે. આ જિલ્લામાં હજુ ભારે વરસાદ પડવાની આગાહી છે.

રાજકોટથી બીબીસી સહયોગી બિપિન ટંકારિયાના અહેવાલ પ્રમાણે ગુરુવારે રાતથી અહીં વરસાદ શરૂ થયો હોવાથી ઘણા રોડ પર પાણી ભરાયાં છે.

વરસાદથી પાણીની આવક વધતાં જેતપુર તાલુકા પાસે આવેલો સુરવો ડૅમ 70 ટકા ભરાઈ ગયો છે. આથી ડૅમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડૅમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.

રાજકોટ તાલુકાના આજી-2 ડૅમમાં જળસપાટી જાળવી રાખવા માટે રાત્રે ડૅમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સાથે પડધરી તાલુકાનાં ગામો માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન