અમદાવાદમાં Gen Zએ પ્રદર્શનોમાં પોલીસને કેવી રીતે હંફાવી, MJ લાઇબ્રેરી પાસે થયેલું વિરોધપ્રદર્શન કેમ 'ખાસ' હતું?

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

દિલ્હીમાં કૉક્રોચ જનતા પાર્ટીના આંદોલનની સમાનાંતરે હવે દેશભરમાં અનેક રાજ્યોમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.

અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટાં શહેરો સિવાય પણ અનેક જગ્યાએ ગુજરાતમાં વિરોધપ્રદર્શનો થયાં છે.

પરંતુ અમદાવાદમાં 20મી જુલાઈએ એમજે લાઇબ્રેરી પાસે થયેલા વિરોધપ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

એ પહેલાં ઘણી જગ્યાએ ગુજરાતમાં લોકોએ વિરોધપ્રદર્શનો કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી અને થોડી જ વારમાં પોલીસ પ્રદર્શનકારીઓની અટકાયત કરી લેતી હતી.

એમજે લાઇબ્રેરી પાસે થયેલું વિરોધપ્રદર્શન પોલીસે મંજૂરી ન આપેલી હોવા છતાં અંદાજે ત્રણેક કલાક સુધી ચાલતું રહ્યું હતું. આ વિરોધપ્રદર્શનની ખાસ વાત શું હતી?

'પોલીસે મંજૂરી નહોતી આપી'

20મી તારીખે સાંજે અમદાવાદની એમજે લાઇબ્રેરી પાસે વિરોધપ્રદર્શન થવાનું છે તેનાં પૉસ્ટર્સ તો સોશિયલ મીડિયામાં જોવા મળ્યાં હતાં.

પરંતુ એ જ દિવસે સવારે લૉ ગાર્ડન પાસે પ્રદર્શન કરવા ગયેલા લોકોની અટકાયત કરી લેવાઈ હતી. આથી, આ પ્રદર્શન પણ સફળ નહીં થઈ શકે એવું મનાઈ રહ્યું હતું.

પરંતુ એવું ન બન્યું.

સામાજિક કાર્યકર્તા સ્વાતિ ગોસ્વામી આ વિરોધપ્રદર્શનના અનેક આયોજકો પૈકી એક હતાં.

તેઓ જણાવે છે કે, "અમે અમદાવાદ પોલીસ પાસેથી મંજૂરી લેવાની કોશિશ કરી હતી, પરંતુ તેમણે ટ્રાફિક ડિસ્ટર્બ થાય એવું કારણ આપીને મંજૂરી આપી નહોતી."

સ્વાતિ જણાવે છે કે, "એમજે લાઇબ્રેરી પહેલાં લૉ ગાર્ડન પાસે પણ વિરોધપ્રદર્શનની લોકોએ કોશિશ કરી હતી પરંતુ પોલીસે તરત જ તેમની અટકાયત કરી લીધી હતી. આથી, અમે થોડું અલગ રીતે આ વિરોધપ્રદર્શનનું પ્લાનિંગ કર્યું હતું."

બીબીસીના અમદાવાદ ખાતેના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા વર્ષોથી ગુજરાતમાં આંદોલનો અને વિરોધપ્રદર્શનોને કવર કરતા રહ્યા છે.

એમજે લાઇબ્રેરી પાસે જે વિરોધપ્રદર્શન થયું તેનું પણ તેમણે કવરેજ કર્યું હતું.

તેઓ કહે છે, "આ વિરોધપ્રદર્શનમાં યુવતીઓનું પ્રમાણ સૌથી વધારે હતું. વર્ષોથી ગુજરાતમાં ધરણાપ્રદર્શનોમાં અમે આટલી નાની ઉંમરનાં યુવક-યુવતીઓને જોયાં નથી. તેમને જોઈને એવું લાગી રહ્યું હતું કે આ સિસ્ટમથી ત્રસ્ત લોકો છે જેને કોઈની બીક નથી."

"ગુજરાત કૉલેજ પાસે તો આખી રેલી યુવતીઓની નીકળી હતી. અમદાવાદમાં આ રીતે વિરોધપ્રદર્શન થાય એ જરા નવાઈ પમાડનારું હતું."

"એક પછી એક સમૂહમાં લોકો આવ્યા અને..."

રૉક્સી ગાગડેકર છારા જણાવે છે કે, "20 તારીખે સવારે જે પ્રદર્શનો થયાં તેમાં લોકોની તરત અટકાયત કરી લેવાઈ હતી. આથી, એમજે લાઇબ્રેરી પાસેનું વિરોધપ્રદર્શન સ્માર્ટલી આયોજિત કરવામાં આવ્યું હતું. તેમાં આવનારા લોકોને અલગ-અલગ સ્થળોએ એકઠા થવાનું કહેવાયું હતું."

તેઓ કહે છે, "પહેલું ગ્રૂપ જ્યારે વિરોધપ્રદર્શન કરવા આવ્યું અને પોલીસે તેમની અટકાયત કરવાની શરૂ કરી ત્યાં બીજી દિશામાંથી થોડે દૂર બીજું ગ્રૂપ આવ્યું. તેમની અટકાયત થઈ તો ત્રીજું ગ્રૂપ આવ્યું. ક્યાંક વિરોધપ્રદર્શન કરનારા લોકો રસ્તાની એક બાજુ પહેલાં રાહદારીની જેમ જોવા ઊભા રહ્યા હતા અને પછી પોલીસ ગઈ એ પછી તેમણે વિરોધ શરૂ કર્યો હતો. આ રીતે વિરોધપ્રદર્શન લાંબું ચાલ્યું અને પોલીસથી પણ એ તત્કાળ કાબૂમાં આવી શક્યું નહોતું. સામાન્ય રીતે પોલીસ 10-15 મિનિટમાં લોકોની અટકાયત કરી લેતી હોય છે, પરંતુ આ વિરોધપ્રદર્શન અઢી-ત્રણ કલાક ચાલ્યું હતું."

અન્ય એક પ્રદર્શનકારી લવ સિંહાનું પણ કહેવું છે કે, "એક વાર લોકોને લઈ ગયાં તો બીજા લોકો આવ્યાં અને લોકો આવતા જ રહ્યા. છ વાગ્યે વિરોધ ચાલુ થયો એ રાત્રે સાડા આઠ, નવ વાગ્યા સુધી ચાલ્યો. એવું લાગે છે કે લોકોમાં ડર ઓછો થઈ ગયો છે."

પ્રદર્શનોમાં Gen Z ની ભાગીદારી

સ્વાતિ ગોસ્વામીએ આ પહેલાં પણ ઘણાં વિરોધપ્રદર્શનમાં ભાગ લીધો છે.

અંગત અનુભવને આધારે સ્વાતિ જણાવે છે કે, "એમજે લાઇબ્રેરી પાસે થયેલા વિરોધપ્રદર્શનની ખાસ વાત એ હતી કે તેમાં સૌથી વધુ સંખ્યા Gen Zની હતી. મોટા ભાગના લોકો પહેલી વાર વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા આવ્યા હતા. અલગ અલગ સમૂહોમાં જોઈએ તો કુલ હજારેક લોકો એકઠા થઈ ગયા હતા. જે પોલીસના અંદાજથી કદાચ બહાર હતું."

તેઓ જણાવે છે કે, "બીજા દિવસે એલડી ઍન્જિનિયરિંગ કૉલેજ અને ગુજરાત યુનિવર્સિટી પાસે થયેલા વિરોધપ્રદર્શનમાં નાકાબંધી અને પોલીસની તૈયારી વધુ જોવા મળી હતી. તેમ છતાં વિરોધપ્રદર્શન થયું હતું."

અમદાવાદમાં એમજે લાઇબ્રેરી અને ગુજરાત યુનિવર્સિટી પાસે એમ બંને જગ્યાએ થયેલાં વિરોધપ્રદર્શનમાં આદિત્ય રાવલે ભાગ લીધો હતો. તેઓ વિદ્યાર્થી છે.

આદિત્યનું કહેવું છે કે સખત ભાજપની મજબૂત પકડ ધરાવતા રાજ્યમાં આ રીતે વિરોધપ્રદર્શન થતું જોવું એ તેમના માટે થોડું આશ્ચર્ય પમાડનારું હતું.

તેઓ કહે છે કે, "સામેલ થયેલા લોકોમાં Gen Z અને યુવાવર્ગ મોટા પ્રમાણમાં હતો. પરંતુ મોટી ઉંમરનાં મહિલાઓ, વડીલોથી લઈને તમામ વયજૂથના લોકો સામેલ થયાં હતાં."

આદિત્ય જણાવે છે કે, "અત્યાર સુધી ગુજરાતમાં થતાં વિરોધપ્રદર્શનોમાં લોકો ડિવાઇડેડ જણાતા હતા, પરંતુ આમાં સૌ એક લાગ્યાં. કેટલાક ભાજપ સમર્થકો પણ જોડાયા હતા અને તેઓ કહેતા હતા કે તેઓ આ મુદ્દાને લઈને અમારી સાથે છે."

યુવાનોનો અલગ પ્રકારનો સ્પિરિટ

આદિત્યનું કહેવું છે કે, "આ વિરોધપ્રદર્શનની સૌથી ખાસ વાત એ હતી કે તેમાં એક પ્રકારનો Gen Z સ્પિરિટ જોવા મળ્યો હતો. મોટા ભાગના લોકો પહેલી વાર વિરોધપ્રદર્શન કરી રહેલા હોવા છતાં પણ તેમનામાં એ વલણ સ્પષ્ટ હતું કે પોલીસ ડિટેઇન કરી લે તો કરી લે, આપણે જોઈ લઈશું. જે થશે એ જોયું જશે."

"પોલીસસ્ટેશનમાં લઈ જવાયા તો ત્યાં અંદર લોકોએ નારેબાજી કરી અને ગીતો ગાયાં. વેજલપુરના પોલીસસ્ટેશનની બહાર ગાંધીજીનો ફોટો લઈને ઊભા રહી ગયાં, પોલીસને ફૂલ આપ્યાં."

જોકે, તેમનું કહેવું છે કે અમદાવાદ પોલીસે પણ ઘણો સહયોગ આપ્યો અને એવી કોઈ બળજબરી કરી નથી.

આદિત્ય કહે છે કે, "એક વાત સ્પષ્ટપણે દેખાતી હતી કે નીટનો મુદ્દો હતો, પરંતુ દિલ્હીમાં થયેલા લાઠીચાર્જને કારણે પણ લોકો આવ્યા હતા. નવી પેઢીમાં ડર દેખાતો નથી. એવું લાગે છે કે અમારાથી અમારાં માતાપિતા પણ પ્રોત્સાહિત થયાં છે."

લવ સિંહાનું કહેવું છે કે, "આ પ્રદર્શનમાં નવી પેઢીની ક્રિએટીવિટી દેખાઈ હતી. નારેબાજીથી લઈને પોસ્ટર્સ સુધી બધે એ દેખાતું હતું."

લોકોમાં રહેલો ડર તૂટ્યો?

સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરી રહેલાં પ્રેરણાએ ગુજરાતમાં આ પહેલાં પણ ઘણાં વિરોધપ્રદર્શનોમાં ભાગ લીધો છે.

તેમણે ગુજરાતમાં મણિપુર માટે, પૅલેસ્ટાઇન માટે નીકળેલી માર્ચમાં પણ ભાગ લીધેલો છે.

તેઓ કહે છે કે, "અમદાવાદમાં થયેલા આ વિરોધપ્રદર્શનોમાં એ વાત જોવા મળી કે શિક્ષણના મુદ્દે સૌ એક થયાં છે. જાતિ, ધર્મ અને વર્ગના ભેદ આમાં દેખાયા નહોતા."

પ્રેરણા કહે છે કે, "મારી સાથે વિરોધપ્રદર્શનમાં 16 વર્ષના ત્રણ લોકો હતા. બાળકો પણ જોડાઈ રહ્યાં છે. તેમને તેમના ભવિષ્યની ચિંતા છે. તેઓ જવાબદારીની માગ કરી રહ્યાં છે. આટલી નાની ઉંમરમાં આ લોકો આ રીતે વિચારે છે અને વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા આવે છે અને એ પણ ગુજરાતમાં, એ બહુ મોટી વાત કહેવાય."

તેઓ કહે છે, "સીએએ-એનઆરસીના આંદોલનો વખતે લોકોમાં યુએપીએનો ડર હતો. અત્યારે ડર ઓછો દેખાઈ રહ્યો છે. અનેક પોલીસ અધિકારીઓ કે બીજા અધિકારીઓનાં સંતાનો પણ આમાં સામેલ થઈ રહ્યાં છે. આથી, પણ ડર ઓછો છે."

ઍડ્વોકેટ અમ્મર મંસૂરી પણ અમદાવાદમાં થયેલા વિરોધપ્રદર્શનોમાં સામેલ થયા હતા.

તેમનું કહેવું છે કે તેમના 29 વર્ષના જીવનમાં તેમણે અમદાવાદમાં આવો વિરોધ, ખાસ કરીને શિક્ષણના મુદ્દે પહેલી વાર જોયો છે.

તેઓ કહે છે કે, "આ વિરોધપ્રદર્શનમાં Gen Z અને યુવાનો મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે. બધી જ ઉંમરના લોકો પણ જોડાઈ રહ્યા છે. ગુજરાતમાં વિરોધ કરવાની મંજૂરી પોલીસ આપતી નથી. જો એક વાર મંજૂરી મળે તો અહીં પણ લાખો લોકો એકઠા થઈ શકે છે."

જોકે, તેમનું કહેવું છે કે ગુજરાત પોલીસ એ દિલ્હી પોલીસ કરતાં થોડી સારી સાબિત થઈ છે અને તેમણે આ વિરોધપ્રદર્શનોમાં કૂણું વલણ દાખવ્યું હતું.

બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનું કહેવું છે કે એમજે લાઇબ્રેરી પાસે થયેલા આ વિરોધપ્રદર્શનને લીધે જ લોકોને હિંમત મળી અને તેની અસર બીજે દિવસે યુનિવર્સિટી પાસે થયેલા વિરોધપ્રદર્શનમાં જોવા મળી, જ્યાં પણ લોકો વધુ સંખ્યામાં આવ્યા હતા.

અહીં ગુજરાતી થિયેટર અને સિનેમા અભિનેત્રી જિજ્ઞા વ્યાસની પણ પોલીસે અટકાયત કરી હતી, જેનો વીડિયો દેશભરમાં વાઇરલ થયો છે.

ગુજરાત યુનિવર્સિટી અને એલડી ઍન્જિનિયરિંગ કૉલેજ પાસે થયેલા વિરોધમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

જોકે, અહીં એ નોંધવું રહ્યું કે પોલીસે વિવિધ કારણોસર કોઈ વિરોધપ્રદર્શનની મંજૂરી આપી નહોતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન