You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધર્મેન્દ્ર પ્રધાનને આખરે રાજીનામું કેમ આપવું પડ્યું, તેની પાછળનાં પાંચ કારણો
- લેેખક, ઇશાદ્રિતા લહિરી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
નીટ પેપર લીક બાદ છેલ્લાં કેટલાંક અઠવાડિયાં સુધી ચાલેલા આંદોલન અને દેશભરમાં યુવાનોના વધતા જતા વિરોધ પ્રદર્શન પછી, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે બપોરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ પગલાંને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના પીછેહઠ તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે શરૂઆતમાં સરકારે આ વિરોધ પ્રદર્શનો પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો અને ચોતરફથી ઊઠેલી પ્રધાનના રાજીનામાની માંગનો સખત વિરોધ કર્યો હતો.
આવી ઘટનાઓ ખૂબ ઓછી જોવા મળી છે, કારણ કે મોદી સરકારનાં 12 વર્ષના શાસનમાં કોઈ પણ મંત્રીએ જનતાના દબાણ હેઠળ રાજીનામું આપ્યું નથી. આની સૌથી નજીકની ઘટના 2018માં બની હતી જ્યારે #MeTooના આક્ષેપો બાદ વિદેશ રાજ્ય મંત્રી એમ.જે. અકબરે રાજીનામું આપવું પડ્યું હતું.
પબ્લિક પ્રોટેસ્ટના જવાબમાં છેલ્લે પૉલિસીમાં વિષયક બાબતોમાં નિર્ણય પાછો ખેંચવાની ઘટના 2021માં ખેડૂત આંદોલન બાદ ત્રણ કૃષિ કાયદા રદ કરવામાં આવ્યા ત્યારે બની હતી.
2020માં નાગરિકતા (સુધારા) અધિનિયમ (સીએએ) સામે પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થયાં હતાં, પરંતુ તે સરકારને આવી કોઈ છૂટછાટ આપવા મજબૂર કરી શક્યા નહોતા.
તો પછી, આ વખતે આંદોલનકારીઓની માંગણી સ્વીકારવા સરકારને શેનાથી મજબૂર થવું પડ્યું? ધર્મેન્દ્ર પ્રધાનને આખરે શા માટે રાજીનામું આપવું પડ્યું તે સમજવા માટે બીબીસીએ કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી.
1. વિરોધ પ્રદર્શનનો વ્યાપ
અમે જે મોટાભાગના વિશ્લેષકો સાથે વાત કરી છે, તેમનું કહેવું છે કે આ પ્રોટેસ્ટનો મોટો સ્કેલ સરકાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો હશે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલું આ આંદોલન આખા દેશમાં ફેલાઈ ગયું હતું અને છેલ્લા કેટલાક દિવસોમાં ઘણાં શહેરોમાં મોટા દેખાવો જોવા મળ્યા હતા.
રાજકીય લેખક અદિતિ ફડણીસનું કહેવું છે કે મોદી સરકારે આ સ્થિતિને પોતાની રાજકીય નુકસાન થઈ રહ્યું હોય તે રીતે જોઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અદિતિ ફડણીસે બીબીસીને જણાવ્યું, "ગુસ્સાનું આ વિરોધ પ્રદર્શન સરકાર માટે ચિંતાજનક હતું, ખાસ કરીને 2024માં ઓછી બહુમતી સાથે વાપસી કર્યા પછી."
"તેમની પાસે આ પરિસ્થિતિને સંભાળવાની કોઈ વાસ્તવિક યોજના નહોતી. સોશિયલ મીડિયા વિરોધ દરમિયાન સંદેશાવ્યહવારનું મુખ્ય માધ્યમ હતું, કૉમેન્ટ્સ અને નેરેટિવ ખૂબ ઝડપથી ફેલાઈ રહી હતી."
"આમ ઘણી રીતે, સરકાર અણધારી અડફેટે આવી ગઈ હતી."
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર પૉલિટિકલ સ્ટડીઝમાં ભણાવતા પ્રોફેસર હરીશ વાનખેડે પણ કહે છે કે વિરોધ પ્રદર્શનના વ્યાપે સરકારને પોતાનું વલણ નરમ કરવા અને પ્રધાનને પદ છોડવાનું કહેવા માટે મજબૂર કરી હશે.
વાનખેડેએ કહ્યું, "આ આંદોલનનું રાષ્ટ્રીય સ્વરૂપ ચિંતાનો વિષય બની ગયું હોત, આ આંદોલન માત્ર દિલ્હી પૂરતું સીમિત આંદોલન નથી."
"સરકારે હંમેશાં યુવાનોને એક મહત્ત્વપૂર્ણ મતદારો તરીકે જોયા છે અને તેમને આશા નહોતી કે યુવાનો તેમની સામે આ રીતે પ્રતિક્રિયા આપશે."
"વડા પ્રધાનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પછી પણ લોકોની લાગણીઓને શાંત કરી શકાઈ નહોતી."
2. ચાલી રહેલું સંસદસત્ર
લેખક અને કૉલમનિસ્ટ નીરજા ચૌધરી કહે છે કે હાલમાં ચાલુ સંસદસત્ર એ બીજું કારણ છે જેના લીધે સરકાર અત્યારે આ પરિસ્થિતિને થાળે પાડવા માંગતી હતી.
નીરજા ચૌધરીએ બીબીસીને કહ્યું: "સંસદમાં, સરકાર ડિલિમિટેશન (સીમંકન) બિલ લાવવાની આશા રાખી રહી હતી, જે ખોરવાઈ ગયું."
"સીમંકન બિલ એક એવું પગલું છે જેના પર સરકાર લાંબા સમયથી વિચાર કરી રહી હતી અને આ સત્રમાં તેને પસાર કરાવવા માંગતી હતી."
પ્રોફેસર વાનખેડે કહે છે કે આ સત્રમાં રાજકીય માહોલ વિપક્ષની તરફેણમાં સરકી રહ્યો હતો, ખાસ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી રસ્તા પર ઊતરી આવ્યા હતા.
વાનખેડેએ કહ્યું, "ઘણી રીતે આ આંદોલને વિપક્ષને સક્રિય કરી દીધો છે. સંસદ ન ચાલવાની જવાબદારી આ વખતે વિપક્ષ પર નહીં, પણ સરકાર પર નાખવામાં આવી રહી હતી."
3. આગામી ચૂંટણીઓ પર સરકારની નજર
રાજ્ય વિધાનસભાની ચૂંટણી 2027માં ઉત્તર પ્રદેશમાં યોજાવાની છે અને સરકાર ઇચ્છશે કે વિપક્ષ જેને પોતાની જીત ગણાવશે તેમાંથી બહાર આવવા માટે તેને થોડો સમય મળે.
સિંહ કહે છે, "તેઓ એ વાત પર દાવ લગાવી રહ્યા છે કે વિપક્ષ જે આ સોશિયલ મીડિયા કે કહેવાતી જીતથી ઉત્સાહિત છે, તે ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પહેલાં પોતાનો વેગ ગુમાવી દેશે. 2029ની સામાન્ય ચૂંટણી હજુ દૂર છે અને વડા પ્રધાન પાસે ભલે તેમની છબીને થોડું નુકસાન પહોંચ્યું હોય, તેમની પાસે ચોક્કસ આનો સુધારો કરવાનો સમય હશે."
નીરજા ચૌધરી કહે છે કે વિજય (તમિલનાડુના નેતા) જેવા યુવા પેઢી (Gen Z) દ્વારા પ્રેરિત રાજકીય જીતનાં ઉદાહરણો ભાજપના મનમાં રમી રહ્યાં હશે અને પ્રથમ તથા બીજી વાર મતદાન કરનારા મતદારો મતાધિકાર ધરાવતા લોકોનો એક મહત્ત્વપૂર્ણ અને સંખ્યાત્મક રીતે મોટો હિસ્સો છે.
તેમણે કહ્યું, "સરકાર ઉત્તર પ્રદેશ જેવા રાજકીય રીતે મહત્ત્વના રાજ્યની ચૂંટણી પહેલાં તેમને નારાજ કરવા માંગતી નથી."
4. આરએસએસની ભૂમિકા પર પ્રશ્ન
પ્રોફેસર ચંદ્રચૂડ સિંહે કહ્યું કે, "ચૂંટણીની રાજનીતિથી આગળ, આરએસએસે હંમેશાં નવા કાડરની ભરતી માટે યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આરએસએસ અને ભાજપ જેટલા નિકટ છે, તેમને પણ પાર્ટી સામે યુવાનોનો ગુસ્સો નહીં ગમ્યો હોય."
તેમણે કહ્યું કે, "આરએસએસ પણ ઇચ્છશે કે જેન-ઝી તેમની સાથે જોડાય. આરએસએસ શિક્ષણના ક્ષેત્રમાં ઘણા સમયથી સક્રિય છે અને તેઓ પણ ભારતના શિક્ષણ સંસ્થાનો પર પકડ મજબૂત રાખવા માગતા હશે."
અદિતિ ફડણીસે કહ્યું કે, "વિદ્યાર્થીઓ આરએસએસની સંસ્થાઓનો મહત્ત્વનો ભાગ છે અને આટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓનો ગુસ્સો તેમને નુકસાન પહોંચાડી શકે છે."
તેમણે કહ્યું કે, "આરએસએસ અને તેની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓનાં આવાં વિરોધ પ્રદર્શનથી નુકસાન થઈ શકે છે. હવે દેશમાં થનાર સ્ટુડન્ટ ઇલેકશન પર રહેશે અને તેમાં એબીવીપી કેવું પ્રદર્શન કરે છે, તેના પર નજર રહેશે".
5. ભારતીય ઉપમહાદ્વીપમાં આંદોલનની અસર
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામાના પત્રમાં 'વિધ્વંસક તત્ત્વો'નો ઉલ્લેખ કરતા કહ્યું હતું આ તત્ત્વો પોતાનાં હિત સાધવા માટે પ્રદર્શનનો દુરુપયોગ કરી શકતા હતા.
નીરજા ચૌધરી અનુસાર કેન્દ્ર સરકારને આશંકા હોઈ શકે છે કે ભારતીય ઉપમહાદ્વીપ અને દક્ષિણ એશિયામાં આંદોલનને કારણે રજકીય વાતાવરણ ગરમ થઈ શકે.
તેઓ કહે છે કે, "વિદ્યાર્થીઓનાં આંદોલનોને કારણે બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકામાં સરકારો પડી ગઈ હતી. ભારત બહુ મોટો દેશ અને એક સ્થિર લોકશાહી છે, માટે અહીં આવું થવાની શક્યતા નથી દેખાતી. પરંતુ જરા પણ રિસ્ક કેમ લેવું જોઈએ?"
પ્રોફેસર ચંદ્રચૂડ સિંહ પણ આ વાત સાથ સહમત છે.
તેઓ કહે છે કે ભારતમાં બાંગ્લાદેશ અથવા નેપાળ જેવું કંઈ થાય તેની શક્યતા બહુ ઓછી છે, પરંતુ સરકારને એ વાતની ચિંતા જરૂર હશે કે આનાથી વડા પ્રધાન અને સરકારની દુનિયામાં પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે.
તેઓ કહે છે કે, "આનાથી રોકાણ અને અર્થતંત્ર પર ખરાબ અસર પડી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.