You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનમ વાંગચુક અને કૉક્રોચ જનતા પાર્ટી વચ્ચે અંતર આવ્યું છે? નડ્ડાના હાથે ઉપવાસ તોડવા પર ઊઠી રહ્યા છે સવાલ
- લેેખક, બીબીસી હિંદી
- પદ, નવી દિલ્હીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
ગત 18મી જુલાઈના રોજ જ્યારે સોનમ વાંગચુકને દિલ્હી પોલીસ દ્વારા જંતર મંતરથી બળજબરીપૂર્વક ઉઠાવીને સફદરજંગ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યારે તેમનાં પત્ની ગીતાંજલિ આંગમોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
ગીતાંજલિએ જણાવ્યું હતું કે, તેમની (ગીતાંજલિની) સંમતિ વિના સોનમને મોં વાટે કે નસ દ્વારા કશું પણ આપવું જોઈએ નહીં.
પણ એક દિવસ ગીતાંજલિ એવું કહેવા લાગ્યાં કે, જો નેતાઓ તેમને મળે અને સંસદમાં શિક્ષણ સુધારાનો મુદ્દો ઉઠાવે, તો સોનમ વાંગચુક પારણાં કરી લેશે. ગીતાંજલિએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટેની તેમની માગણીનો પણ પુનરોચ્ચાર કર્યો નહોતો.
આખરે, ગુરુવારે મધરાતે સોનમ વાંગચુકે તેમના ઉપવાસ તોડ્યા અને સરકારના બે મંત્રીઓ દ્વારા તેમને પારણા કરાવવામાં આવ્યા હતા, જ્યારે આ તરફ, પોલીસ ઉપર દેખાવકારો સામે પૅલેટ ગનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
વરિષ્ઠ પત્રકાર ઉર્મિલેશે ઍક્સ પર બે ફોટા પોસ્ટ કર્યા હતા. એક તસવીરમાં જેપી નડ્ડા સોનમ વાંગચુકને પારણા કરાવતા જોઈ શકાય છે અને બીજી તસવીરમાં અભિનેત્રી શબાના આઝમી તથા આરજેડીના સાંસદ મનોજ ઝા જંતર મંતર ખાતે એક યુવાન દેખાવકારને પારણા કરાવતા દેખાય છે.
ઉર્મિલેશે આ તસવીરની કૅપ્શનમાં લખ્યું છે - ઘણી વખત તસવીરો પોતે જ ઘણું બધું કહી જતી હોય છે અને પોતાનાં રહસ્યો છતાં કરી દેતી હોય છે!
સમાચાર આપતી અને વિશ્લેષણ કરતી વેબસાઇટ "ધ વાયર"ના સ્થાપક એમકે વેણુએ ઍક્સ પર લખ્યું હતું, "આના પરથી કોઈ સારો સંદેશો નથી જઈ રહ્યો. સોનમ વાંગચુક તેમના ઉપવાસ તોડવા માટે કોઈ નિષ્પક્ષ વ્યક્તિને બોલાવી શક્યા હોત કે પછી સીજેપીના પ્રતિનિધિના હાથે પારણા કરી શક્યા હોત."
જાણીતા ગીતકાર સ્વાનંદ કિરકિરેએ ઍક્સ પર લખ્યું હતું, "એનએસએ લાગુ કરવામાં આવ્યો, પછી હટાવી દેવાયો, પછી તેને બેસાડ્યો એ પછી તેને ઊભો રાખવામાં આવ્યો અને પછી તેને પાણી પીવડાવ્યું. એટ લિસ્ટ આ કામ તો બાળકોની વચ્ચે જઈને થઈ જ શક્યું હોત."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકો સોનમ વાંગચુક અને સીજેપીની વિચારધારા વચ્ચે વધી રહેલા મતભેદો તરફ પણ ધ્યાન દોરી રહ્યા છે.
એમકે વેણુએ લખ્યું હતું, "વાંગચુકનાં પત્ની ગીતાંજલિએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર દેખાવો કરવાને બદલે જંતર મંતર પર બેસવું જોઈતું હતું. આ રસપ્રદ બાબત છે, કારણ કે, સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે રાહુલ ગાંધીના ધરણાને આવકારતાં કહ્યું હતું કે , જો તેઓ સીજેપીની માગણીઓનું સમર્થન કરતા હોય, તો પછી વિરોધ પ્રદર્શનનું દરેક પ્લૅટફૉર્મ - જંતર મંતર ખાતે કે અન્યત્ર - સમાન રીતે સ્વીકાર્ય છે."
બંનેની વિચારધારામાં વધી રહેલા મતભેદો
એમકે વેણુ લખે છે, "સીજેપીએ આ મુદ્દા પર સોનમ વાંગચુક કરતાં અલગ વલણ અપનાવ્યું છે. ભાજપના મંત્રીઓ સાથેની તેમની ચર્ચા દરમિયાન, વાંગચુકે જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો મુદ્દા પર સંસદ ગૃહમાં ચર્ચા થઈ શકે છે."
"જ્યારે બીજી તરફ સીજેપીએ પહેલાં ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને તે પછી જ પ્રક્રિયા આગળ વધવી જોઈએ, એવો આગ્રહ રાખ્યો છે."
રાહુલ ગાંધીના ધરણા અંગે ગીતાંજલિએ ઇન્ડિયા ટુડે શોમાં રાજદીપ સરદેસાઈને કહ્યું હતું, "સૌકોઈ જાણે છે કે, વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં ગંભીરતાનો અભાવ હતો."
"તેના બદલે જો આ વિરોધ પ્રદર્શન જંતર મંતર પર આવીને હાથ મીલાવીને કરવામાં આવ્યું હોત, તો તે વધુ ગંભીરતાપૂર્વકનું રહ્યું હોત. આમ, હવે પ્રજાને મૂર્ખ બનાવી શકાય નહીં. આ જાગૃત ભારત છે."
જંતર મંતર છોડ્યા પછી સોનમ વાંગચુકે હૉસ્પિટલમાં સરકારી પ્રતિનિધિઓને મળવાનું ચાલુ રાખ્યું હતું, પણ સીજેપીના પ્રતિનિધિઓ સાથેની તેમની મુલાકાતનો એક પણ ફોટો સામે આવ્યો નથી.
સીજેપીના સ્થાપક અભિજિત દીપકે ભૂખ હડતાળને સમાપ્ત કરવાની અપીલ કરી રહ્યા હતા, પણ વાંગચુક જેપી નડ્ડાના હસ્તે ભૂખ હડતાળ સમાપ્ત કરશે, તે વિશે સીજેપીને જાણકારી હતી કે નહીં, તે વિશે સંગઠને હજી સુધી ફોડ પાડ્યો નથી.
આ અઠવાડિયે સોમવારે, સીજેપીના પ્રવક્તાઓ સૌરવ દાસ તથા આશુતોષ રાંકા કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાને મળ્યા હતા.
બંને પ્રવક્તાઓ નડ્ડાને મળવા માટે તેમની ઑફિસ પર ગયા હતા. પણ આ વખતે સીજેપીએ એવી શરત મૂકી હતી કે, તેઓ વાટાઘાટ માટે મંત્રીની ઑફિસ કે નિવાસસ્થાને નહીં, બલ્કે કોઈ તટસ્થ સ્થળ પર મળશે.
અહીં પણ સોનમ વાંગચુક અને સીજેપી વચ્ચેની વિચારધારામાં રહેલો તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે.
સોનમ વાંગચુક ભાજપના એક મંત્રીના હાથે પોતાનો ઉપવાસ તોડી રહ્યા છે, જ્યારે સીજેપી મંત્રણા માટે મંત્રીની ઓફિસ કે નિવાસસ્થાનની મુલાકાત લેવાનું ટાળી રહ્યું છે.
ઘણાં આંદોલનના સક્રિય સહભાગી અને રાજકીય વિશ્લેષક એવા યોગેન્દ્ર યાદવે સોનમ વાંગચુકના ઉપવાસ તોડવાના નિર્ણયને આવકાર્યો છે, પણ સાથે જ કેટલાક તીક્ષ્ણ સવાલો પણ કર્યા છે.
યોગેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરતાં કહ્યું હતું, "જે આશ્વાસનોના આધાર પર સોનમ વાંગચુકે તેમના ઉપવાસ તોડ્યા, તેમાં ફક્ત એટલું જ જણાવવામાં આવ્યું છે કે, શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં. શાંતિપૂર્ણ દેખાવકારો સામે કોઈ કેસ ન થવો જોઈએ."
"તો શું હવે સરકાર એ નક્કી કરશે કે, કયા દેખાવકારો શાંતિપૂર્ણ હતા અને કયા દેખાવકારો નહોતા? જે 11 એફઆઇઆર દાખલ થઈ ચૂકી છે, તેનું હવે શું થશે?"
"આથી, સીજેપીના એ તમામ યુવાન નેતાઓને સલામ છે, જેમણે એ સ્પષ્ટ કરી દીધું છે કે, ઉપવાસનો અર્થ એ નથી કે આંદોલન પણ પૂરું થઈ ગયું છે. આ આંદોલન ચાલુ જ રહેશે."
સોનમ વાંગચુકની રાજનીતિ શું છે?
2023ના એક ફોટામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સોનમ વાંગચુક અને તેમનાં પત્ની ગીતાંજલિ આંગમો સાથે જોઈ શકાય છે. આ ફોટાની હવે નવા રાજકીય સંદર્ભમાં ચર્ચા થઈ રહી છે.
માર્ચ, 2023ની તે પોસ્ટમાં ધર્મેન્દ્ર પ્રધાને વાંગચુક દંપતીના વિચારો તથા શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટેની તેમની કટિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
ગયા ગુરુવારે પરીક્ષામાં ગેરરીતિને લઈને સોનમ વાંગચુકની અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ તેના 26મા દિવસમાં પ્રવેશી હતી, ત્યારે ધર્મેન્દ્ર પ્રધાનની તે ભૂતકાળની પોસ્ટ ફરી વખત સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માંડી હતી.
તે સમયે, સોનમ વાંગચુકે પણ તેટલી જ ઉષ્માપૂર્ણ રીતે પ્રતિભાવ આપતાં નવતર વિચારો સ્વીકારવા બદલ ધર્મેન્દ્ર પ્રધાનનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું હતું કે, આ મુલાકાત પછી તેઓ ક્ષેત્રીય સ્તર પર નવી શિક્ષણ નીતિ (નવી શિક્ષણ નીતિ પોલિસી - એનઈપી)નો અમલ કરવા માટે "વધુ કટિબદ્ધ" થયા છે. જોકે, તે સમયે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સામે સવાલો ઊઠી રહ્યા હતા.
કોઈ વ્યક્તિ સોનમ વાંગચુક જેવી કેવી રીતે બની શકે? સોનમ વાંગચુક સરકારને પ્રશ્નો પૂછે છે, પણ શું તેઓ જવાબ ન મળે, ત્યાં સુધી લડે છે?
"એક ઍન્જિનિયર તરીકે, તેમણે સરકારી શાળા પ્રણાલીમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો હતો," એમ "ગાંધીઃ ધ ઍન્ડ ઑફ નૉન-વાયોલેન્સ"ના લેખક તેમજ રાજકીય વિશ્લેષક માનસ ભટ્ટાચાર્જીએ 17મી જુલાઈના રોજ ફ્રન્ટલાઇન સામયિકમાં લખ્યું હતું.
"તેઓ ન તો રાજ્ય વિરોધી બળવાખોર છે કે ન તો તેઓ સરકાર વિરોધી વ્યક્તિ છે. તેમણે લોકોને ઉપદેશ આપવા માટે જાહેર જીવનમાં પ્રવેશ નહોતો કર્યો. તેઓ કોઈ વિચારધારાનાં બૅનર સાથે નથી આવ્યા."
"તેઓ એક સક્રિય નાગરિકની કટિબદ્ધતા તથા દૃષ્ટિ સાથે કામ કરવા માટે આવ્યા છે."
માનસ ફિરાક ભટ્ટાચારજીએ આગળ લખ્યું છે, "સરકારો સોનમ વાંગચુકની માફક નથી વિચારતી, કારણ કે, તેમની રાજનીતિ વર્તમાનની સેવા કરવા પર કેન્દ્રિત છે."
"તેમના માટે ભવિષ્ય એટલું મહત્ત્વપૂર્ણ નથી, જેટલું એક સમયે જવાહરલાલ નહેરુ માટે હતું, જેમણે ભારતના ભવિષ્યની ચિંતામાં અહમદનગરની જેલમાં અગણિત રાતો ઉજાગરા કરીને અને ઘણાં પાનાં લખીને પસાર કરી હતી."
"પણ જે સરકાર ભવિષ્યને ગંભીરતાથી નથી લેતી, તે ભવિષ્યનો વિચાર કરનારા લોકોથી ડરતી હોય છે."
"આ બાબત જ સોનમ વાંગચુકને રાજકીય બનાવે છે. વાંગચુકની પર્યાવરણીય પ્રતિબદ્ધતાઓને લઈને રાજ્યને સતાવી રહેલો ડર હકીકતમાં માનવ જીવન તથા પર્યાવરણ સામેના અપરાધો માટે જવાબદાર લોકોને રક્ષણ પૂરું પાડે છે."
લદ્દાખના કાર્યકર્તા શ્રુંગ ગેફેલે ઍક્સ પર લખ્યું હતું, "જો સોનમ વાંગચુકના જીવન પરથી ફિલ્મ બનાવવામાં આવે, તો તેમનું પાત્ર કોણ ભજવશે?"
"એક સમયે દેશભક્ત તરીકે બિરદાવવામાં આવેલા અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવનારા એક માણસ ઉપર પછીથી "દેશદ્રોહી", "ચીનના એજન્ટ", તથા "પાકિસ્તાનના એજન્ટ" હોવાનો આરોપ લગાવવામાં આવે, તેની વાર્તા."
"તેમણે નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (એનએસએ)નો સામનો કર્યો હતો, છ મહિનાનો જેલવાસ ભોગવ્યો હતો અને હવે ભારતના વડા પ્રધાન તે વ્યક્તિના આરોગ્ય વિશે જાહેરમાં ચિંતા પ્રગટ કરી રહ્યા છે."
"આ સાચે જ એક અદ્ભુત વાર્તા છે. તેના પરથી એક ભવ્ય ફિલ્મ બની શકે."
રાજકીય વિશ્લેષક સબા નકવીએ એક્સ પર લખ્યું હતું, "સોનમ વાંગચુકે ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં પ્રતીકાત્મક રીતે પોતાના ઉપવાસ તોડ્યા, તેનાથી કેટલાક સવાલો ઉદ્ભવે છે.
""આ આંદોલન પ્રજાની ભાવના અને રોષનું પ્રતિનિધિત્વ કરે છે, જે પરંપરાગત અને ઔપચારિક વાટાઘાટો કરતાં ઘણું આગળ નીકળી ગયું છે.
""સરકારે વાંગચુકને મળવાથી આગળ કોઈ નક્કર છૂટછાટો આપી નથી અને પોલીસે પૅલેટ ગન્સના ઉપયોગ સહિત આકરું વલણ અપનાવ્યું હોવાના આરોપોને જોતાં આ સ્થિતિ ઘણા લોકો માટે માન્યામાં ન આવે, એવી હોઈ શકે છે.
તેમણે ચોક્કસ જ તેમના ઉપવાસ તોડવા જોઈતા હતા, પણ કદાચ જો અભિજિત દીપકે (જેમણે આ આંદોલનની શરૂઆત કરી) ત્યાં હાજર હોત અને તેમણે સોનમ વાંગચુકને પ્રથમ કોળિયો ખવડાવ્યો હોત, તો જુદો સંદેશો ગયો હોત.
કૉક્રોચ આંદોલન કઈ દિશા તરફ આગળ વધશે?
આ આંદોલનની સરખામણી ભૂતકાળનાં ઘણાં આંદોલનો સાથે થઈ રહી છે. કૉક્રોચ આંદોલનની તુલના 1974-75ના જેપી આંદોલન અને 2011-13ના ભ્રષ્ટાચાર-વિરોધી આંદોલન, બંને સાથે થઈ રહી છે. આ બંને મહત્ત્વનાં જન આંદોલનો હતાં.
રાજકીય વિજ્ઞાની સુભાષ પલશીકરે લખ્યું છે, "કૉક્રોચ આંદોલન ઉપર જણાવેલાં બંને આંદોલનો કરતાં ઘણું વધારે અસંગઠિત સ્વરૂપનું છે, જે તેની શક્તિ મોટાભાગે સ્વયંસ્ફૂરિત લોક વલણો અને લાંબા સમયથી દબાઈ રહેલા અસંતોષમાંથી મેળવે છે."
"આ આંદોલનની પહોંચ હજી સુધી દેશવ્યાપી સ્તરે વિસ્તરી નથી, જોકે, તેના પડઘા હવે દિલ્હીથી આગળ પણ સંભળાઈ રહ્યા છે."
"જેપી આંદોલનમાં બંધારણીય બળો અને બંધારણને નબળું પાડવા માગતાં બળો ધીમે-ધીમે એકજૂટ થઈને આગળ આવતાં જોવા મળ્યાં હતાં."
"તે રૂઢિચુસ્ત અને જમણેરી બળોનું તેમજ પ્રગતિશીલ અને ડાબેરી ઝોક ધરાવતાં જૂથોનું સંયોજન હતું."
"2011નું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન વિવાદાસ્પદ આગેવાની સાથે શરૂ થયું હતું. જેપી આંદોલનની માફક જ, તે પણ પરસ્પર વિરોધી વિચારધારાઓ ધરાવતાં બળોને સાથે લાવ્યું, પણ આખરે તે એવી શક્તિઓના પ્રભાવ હેઠળ આવી ગયું, જેમનો આશય બંધારણીય લોકશાહીને કમજોર કરવાનો હતો."
પલશીકર લખે છે, "પરિણામસ્વરૂપે, જેપી આંદોલને સરકારને મ્હાત જરૂર આપી, પણ તે તેના પછી ખાસ કશું પરિણામ આપી શક્યું નહીં."
"તેને બદલે, તેણે બંધારણ વિરોધી બળો માટે સત્તા મેળવવાનો માર્ગ મોકળો કર્યો."
"તેનાથી ઊલટું, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન રાજકીય દૃષ્ટિએ ઘણું વધારે અસરકારક પુરવાર થયું, કારણ કે, તેણે શાસનના પરિવર્તન માટેનો માર્ગ મોકળો કર્યો."
"હવે સવાલ એ છે કે, કૉક્રોચ આંદોલન કઈ દિશા તરફ આગળ વધશે? શક્ય છે કે, તે ક્યાંય ન પહોંચે."
"તે બસ લોકોના આક્રોશને બહાર નીકળવાનો મોકો પૂરો પાડશે અને સમય વીતવા સાથે તેની ઊર્જા ઓછી થઈ જશે."
"કિસાન આંદોલનની માફક તે થોડી સફળતા મેળવી શકે છે, પણ ધીમે-ધીમે તેની ગતિ ઓછી થઈ શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન