વિન્સ્ટન ચર્ચિલનું 'લોખંડી પડદા'વાળું એ ભાષણ જેણે 80 વર્ષ પહેલાં શીતયુદ્ધનો પાયો નાખ્યો

વિન્સ્ટન ચર્ચિલ, બીબીસી ગુજરાતી, બ્રિટન, યુકે, શીતયુદ્ધ, અમેરિકા

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, ગ્રેગ મૅકકેવિટ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

1946માં, દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયાના એક વર્ષ કરતાંયે ઓછા સમયમાં બ્રિટનના યુદ્ધકાલીન નેતાએ પશ્ચિમના દેશોને સોવિયેત સંઘ તરફથી રહેલા જોખમ વિશે એક તાકીદની ચેતવણી આપી હતી.

"બાલ્ટિકના સ્ટેટિનથી લઈને એડ્રિયાટિકમાં ટ્રિએસ્ટે સુધી, સમગ્ર ખંડમાં એક લોખંડી પડદો આવી ગયો છે." એક જ વાક્યમાં વિન્સ્ટન ચર્ચિલે જીવન જીવવાના બે વિરોધી માર્ગો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી દીધીઃ એક તરફ મૂડીવાદી પશ્ચિમ અને બીજી તરફ સામ્યવાદી પૂર્વ.

પાંચમી માર્ચ, 1946ના રોજ ચર્ચિલે વક્તવ્ય આપ્યું હતું અને અમેરિકાને તેની સરહદોથી બહાર નીકળીને જોવાનો અને ફરીથી એકલતાવાદ તરફ પરત ન ફરવાનો અનુરોધ કર્યો હતો.

સાથે જ ચર્ચિલે યુરોપ વચ્ચે એક કાલ્પનિક વિભાજન રેખા દોરી હતી, જે જર્મનીની ઉત્તર પશ્ચિમી પોલૅન્ડ સાથેની સરહદથી લઈને યુગોસ્લાવિયા (હવે સ્લોવેનિયા)ના અમુક ભાગ સાથેની ઇટાલીની સરહદ તરફ હતી.

તેમના વક્તવ્યએ યુદ્ધ પછીના ઉત્સાહ અને ભવિષ્યમાં આવનારાં નવાં જોખમોની આશંકા વચ્ચે ઝોલાં ખાઈ રહેલી ક્ષણને બરાબર પારખી લીધી હતી.

તે સમયે કદાચ કોઈ આ વાત સમજ્યું નહોતું, પણ ચર્ચિલ પામી ગયા હતા કે, કેવી રીતે શીતયુદ્ધ માટેની પરિસ્થિતિ તૈયાર થઈ રહી છે.

શીતયુદ્ધ, અમેરિકા અને સોવિયેત સંઘ (યુએસએસઆર) - એ બે મહાસત્તાઓ વચ્ચેનો એવો સંઘર્ષ હતો, જે દાયકાઓ સુધી વિશ્વને વૈચારિક છાવણીમાં વિભાજિત કરી દેવાનો હતો.

ચર્ચિલ, વિન્સ્ટન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિન્સ્ટન ચર્ચિલ તેમના 80મા જન્મદિવસે

ચર્ચિલ તે સમયે બ્રિટનનાં મોટાભાગનાં યુદ્ધનાં વર્ષો દરમિયાન તેની આગેવાની લેનારા કોઈ વિશ્વ નેતા તરીકે નહીં, બલ્કે કેવળ એક સામાન્ય નાગરિક તરીકે બોલી રહ્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જે સમયે મોટી સત્તાઓ વિજય પછી વિશ્વયુદ્ધ બાદની દુનિયા કેવો આકાર લેશે, તેની યોજના ઘડી રહી હતી, તે સમયે બ્રિટનવાસીઓએ 1945 પછીની ચૂંટણીમાં ચર્ચિલને હોદ્દા પરથી હટાવી દીધા હતા.

71 વર્ષના ચર્ચિલ વિજય દિવસ (વિક્ટરી ઇન યૂરોપ ડે)ની ઊજવણી પછી બે મહિના કરતાંયે ઓછા ગાળામાં મળેલી આ હારથી નિરાશ અને સ્તબ્ધ થઈ ગયા હતા, તેઓ વિચારી રહ્યા હતા કે હવે આગળ શું કરવું. પણ તેમના મનમાં પહેલેથી જ કશુંક ચાલી રહ્યું હતું.

યુદ્ધનો અંત નજીક આવ્યો, ત્યારે ચર્ચિલે નોંધ્યું કે, સોવિયેત લશ્કર નાઝી જર્મનીને હરાવવા માટે પૂર્વીય યૂરોપ તરફ આગેકૂચ કરવા દરમિયાન કબ્જે કરેલા પ્રદેશોમાંથી પાછું નહોતું હટી રહ્યું.

આ નવા સ્વતંત્ર થયેલા દેશોમાં સોવિયેતનું પીઠબળ ધરાવતાં શાસનો ઊભરી રહ્યાં હતાં અને મૉસ્કો તેનો પ્રભાવ વિસ્તારવાની મહત્ત્વાકાંક્ષાના સંકેતો આપી રહ્યું હતું.

તેમ છતાં આટલા વિનાશક વૈશ્વિક સંઘર્ષ પછી કેટલાંક રાષ્ટ્રો, ખાસ કરીને અમેરિકા તેના ભૂતપૂર્વ યુદ્ધકાલીન મિત્ર દેશની સામે પડીને ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ વહોરી લેવા માગતું હતું.

ચર્ચિલ તેમાં સંમત નહોતા અને તેમણે યુએસએસઆર અથવા તો સોવિયેત સંઘ ઉપર હુમલો કરવાનું પણ વિચાર્યું હતું.

આ વિસ્ફોટક સિક્રેટ પ્લાનને "ઑપરેશન અનથિન્કેબલ" કોડનેમ આપવામાં આવ્યું હતું.

બ્રિટિશ લશ્કરી સલાહકારોને ટૂંક સમયમાં જ સમજાઈ ગયું કે, આ યોજના અવાસ્તવિક હતી - તેના કોડનેમ પરથી જ ચિત્ર સ્પષ્ટ થઈ જતું હતું - અને આખરે, આ વિચાર પડતો મૂકવામાં આવ્યો.

ચર્ચિલ હવે ભલે વડા પ્રધાન ન રહ્યા હોય, છતાંયે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના શબ્દોનું ઘણું વજન પડતું હતું.

અમેરિકન પ્રમુખ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન પ્રમુખ હૅરી ટ્રુમૅનની ઓવલ ઑફિસમાં તસવીર

ઑક્ટોબર, 1945માં એક અણધાર્યા સ્રોત તરફથી એક ઉત્સાહપ્રેરક તક આવી પડી.

તેમને મિસોરીના ફુલ્ટન નામના નાના શહેરમાં આવેલી તે સમયે સાવ અજાણી એવી સંસ્થા - વેસ્ટમિન્સ્ટર કૉલેજમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ મળ્યું. પત્રની નીચે રાષ્ટ્રપતિએ ભલામણ લખી હતીઃ "આ મારા ગૃહરાજ્યની અદ્ભુત સ્કૂલ છે."

"મને આશા છે કે, તમે આમંત્રણ સ્વીકારશો. હું તમારો પરિચય આપીશ. શુભેચ્છા સાથે, હૅરી ટ્રુમેન."

અમેરિકન પ્રમુખની ગણતરી એવી હતી કે, ચર્ચિલના વક્તવ્યથી તેમની સરકારને પણ અમુક ફાયદો થઈ શકશે.

અમેરિકા તેના શરૂઆતના સમયથી જ ઘરેલૂ પ્રાથમિકતાઓને વિદેશી મહત્ત્વાકાંક્ષાઓ સાથે કેવી રીતે સંતુલિત કરવી, તેની અસમંજસમાં હતું.

સૈનિકો ઘરે પરત ફરી રહ્યા હોવાથી ઘણા અમેરિકનો દેશના પુનઃનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા.

જોકે, કેટલાક લોકોને સોવિયેત સંઘના સંભવિત ખતરાની ચિંતા પણ સતાવી રહી હતી.

ટ્રુમેન અમેરિકન પ્રજાનો ઝુકાવ કઈ તરફ છે, તેનો ક્યાસ કાઢવા માટે ચર્ચિલના વક્તવ્યનો ઉપયોગ કરવા માગતા હતા.

'ખાસ સંબંધો'નું નિર્માણ

જોસેફ સ્ટાલિન, હૅરી ટ્રુમૅન અને વિન્સ્ટન ચર્ચિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જોસેફ સ્ટાલિન, હૅરી ટ્રુમૅન અને વિન્સ્ટન ચર્ચિલ

ચર્ચિલે આ તક ઝડપી લઈને સપ્તાહો સુધી વક્તવ્ય તૈયાર કર્યું, યુદ્ધે વેરેલા વિનાશમાંથી નવા વિશ્વ પરના તેમના વિચારોને સુસ્પષ્ટ કર્યા.

તેમણે પ્રમુખ ટ્રુમૅન સાથે વૉશિંગ્ટન ડીસીથી મિસોરી સુધીનો પ્રવાસ ખેડ્યો.

ટ્રુમૅન ટ્રેનમાં જ ચર્ચિલનું વક્તવ્ય વાંચી ગયા.

ચર્ચિલે વડા પ્રધાન તરીકેના તેમના અનુગામી ક્લેમેન્ટ ઍટલીને એક પત્રમાં લખ્યું હતું કે, કેવી રીતે ટ્રુમૅને વક્તવ્ય પર મંજૂરીની મ્હોર મારી હતીઃ "તેમણે મને કહ્યું હતું કે, તેમને તે ભાષણ પ્રશંસાપાત્ર લાગ્યું હતું અને ભાષણથી થોડો ઊહાપોહ જરૂર થશે, તેમ છતાં એકંદરે લાભ જ થશે. ભાષણ દરમિયાન અને તે પછી તેઓ એટલા જ ખુશ દેખાતા હતા."

ટ્રુમૅને ચર્ચિલનો પરિચય "મહાન વિશ્વ નાગરિક" તરીકે આપ્યો હતો; કૉલેજના જિમ્નેશિયમમાં એક મંચ ઊભો કરવામાં આવ્યો હતો. આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવા માટે કૅમ્પસમાં તે એકમાત્ર વિશાળ જગ્યા હતી. રોમન વક્તા સિસેરોના શબ્દ પ્રયોજન "સિનેવ્ઝ ઑફ વૉર" (યુદ્ધના બળ)માં ફેરફાર કરીને ભાષણનું શીર્ષક રાખવામાં આવ્યું હતું - "સિનેવ્ઝ ઑફ પીસ".

ભાષણમાં તેમણે અમેરિકાને અનુરોધ કર્યો હતો કે, જે રીતે તેણે યુદ્ધને આકાર આપ્યો હતો, તે રીતે હવે તે શાંતિને આકાર આપવામાં ભાગ ભજવે. "યુદ્ધ અને અત્યાચાર, આ બે મોટા લૂંટારા" સામે રક્ષણ મેળવવાની હાકલ કરતાં તેમણે કહ્યું કે, તાજેતરમાં જ સ્થપાયેલું યુનાઇટેડ નેશન્સ એકલું શાંતિ જાળવી શકશે નહીં. "યુદ્ધનું નિશ્ચિતપણે નિવારણ કે વૈશ્વિક સંગઠનનો સતત વિકાસ અંગ્રેજી બોલનારા લોકોના ભાઈચારા વિના સંભવ નથી. તેનો અર્થ એ કે, બ્રિટિશ કૉમનવેલ્થ અને સામ્રાજ્ય તથા અમેરિકા વચ્ચે એક વિશિષ્ટ સંબંધ રહેલો છે."

ચર્ચિલ સ્વયં અડધા અમેરિકન હતા અને તેઓ માનતા હતા કે, બ્રિટનની સુરક્ષા અને સમૃદ્ધિનો આધાર અમેરિકા સાથેનાં નિકટનાં જોડાણો પર નભે છે.

તેમણે પ્રયોજેલો શબ્દ "વિશિષ્ટ સંબંધ" આજે પણ બંને દેશોનાં સહિયારાં ઐતિહાસિક તથા સાંસ્કૃતિક જોડાણોને વર્ણવવા માટે વ્યાપકપણે વપરાય છે, પછી ભલે તેમની ભાગીદારી ઘણી વખત વિદેશી મામલાઓમાં ચઢાવ-ઉતારવાળી રહી હોય.

આ ભાષણનો સૌથી વધુ પ્રસિદ્ધ થયેલો શબ્દપ્રયોગ "લોખંડી પડદો (આયર્ન કર્ટેન)" રાજકીય શબ્દકોશમાં ત્યારે પ્રવેશ્યો, જ્યારે તેમણે ચેતવણી આપી કે, કેવી રીતે "મધ્ય તેમજ પૂર્વીય યુરોપની પ્રાચીન રાજધાનીઓ અને રાજ્યો" સોવિયેત સંઘના પ્રભાવને તાબે થઈ રહ્યાં હતાં.

આ સોવિયેત સૅટેલાઇટ રાજ્યો "પોલીસ ગવર્મેન્ટ" થઈ રહ્યાં છે અને સામ્યવાદી પક્ષો તેમના પર "સંપૂર્ણ સરમુખત્યારશાહી નિયંત્રણ" મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની તેમણે ચેતવણી ઉચ્ચારી હતી.

વિન્સ્ટન ચર્ચિલ, બીબીસી ગુજરાતી, યુકે, શીતયુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ચર્ચિલના ભાષણે મૂડીવાદી/સામ્યવાદી વિભાજનના આબેહૂબ વર્ણન તરીકે આ શબ્દપ્રયોગને લોકપ્રિય બનાવી દીધો, પણ આ શબ્દ પ્રયોગ તેમણે સ્વયં નહોતો પ્રયોજ્યો.

હકીકતમાં, તેઓ અગાઉ પણ ઘણી વખત તે વાપરી ચૂક્યા હતા.

ઇતિહાસકાર પ્રોફેસર ડૅવિડ રેનૉલ્ડ્ઝે બીબીસીના વિટનેસ હિસ્ટ્રીને જણાવ્યું હતું: "'લોખંડી પડદો (આયર્ન કર્ટેન)' શબ્દ બોલ્શેવિક ક્રાંતિના સમયથી પશ્ચિમ અને બોલ્શેવિઝમ વચ્ચેના સંબંધ માટે વપરાતો આવ્યો હતો અને ચર્ચિલે હાઉસ ઑફ કૉમન્સમાં તેનો ઉપયોગ કર્યો હતો, પણ ફુલ્ટન ખાતે પ્રથમ વખત તેમણે એવા સમયે આ શબ્દ પ્રગટ કર્યો, જ્યારે સમગ્ર વિશ્વ તેમને સાંભળી રહ્યું હતું."

વીઇ ડેના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ચર્ચિલે કહ્યું કે, મુશ્કેલીથી મળેલી શાંતિની સ્થિતિ નાજુક હતી.

તેમણે કહ્યું હતું કે, "આ ચોક્કસપણે એ મુક્ત યુરોપ નથી, જેના નિર્માણ માટે આપણે લડત આપી હતી કે ન તો તેમાં કાયમી શાંતિનાં આવશ્યક તત્ત્વો રહેલાં છે."

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વની સલામતી માટે "યુરોપમાં નવી એકતા સ્થાપવી આવશ્યક છે", જ્યારે પશ્ચિમી લોકશાહી દેશોએ સોવિયેત સામે અડીખમ ઊભા રહેવાની જરૂર છે. "યુદ્ધ દરમિયાન મેં આપણા રશિયન મિત્રો અને સાથીઓનું જે વલણ જોયું, તેના પરથી મને સમજાઈ ગયું છે કે, તેઓ તાકાત જેટલું સન્માન બીજી કોઈ બાબતને નથી આપતા અને નબળાઈ, ખાસ કરીને લશ્કરી નબળાઈ પ્રત્યે તેઓ બિલકુલ આદર નથી ધરાવતા. આથી જ, સત્તાના સંતુલનનો જૂનો સિદ્ધાંત હવે યથોચિત નથી."

ચર્ચિલે લોકોને એ યાદ દેવડાવ્યું હતું કે, કેવી રીતે તેમણે 1930ના દાયકામાં હિટલર અને નાઝી જર્મનીના તુષ્ટિકરણ સામે ચેતવણી આપી હતી, "પણ કોઈએ તેમની વાત કાને ધરી નહોતી અને આપણે સૌ તે ભયાનક વમળમાં તણાઈ ગયા હતા."

તેમણે ઉમેર્યું હતું કે, "આપણે તેવું ફરીથી ન થવા દેવું જોઈએ."

તેઓ નહોતા માનતા કે, સોવિયેત સંઘ વધુ એક સંઘર્ષ ઇચ્છે છે, પણ તેમણે કહ્યું હતું કે, તેઓ "યુદ્ધમાંથી ફાયદો અને તેમની સત્તા અને સિદ્ધાંતોનું અસીમ વિસ્તરણ ઇચ્છે છે."

તેમણે ચેતવણી આપી હતી કે, જો વિદેશી લોકશાહીઓ આંતરરાષ્ટ્રીય સંબંધોના મહત્ત્વના સિદ્ધાંતો પર ભાર મૂકતા સ્થાપના દસ્તાવેજ યુએન ચાર્ટરના રક્ષણમાં એકજૂટ નહીં થાય, તો આપણા સૌ ઉપર મોટી આફત આવી પડશે."

બીબીસીના અનુભવી બ્રૉડકાસ્ટર એલિસ્ટર કૂકે તેમના લાંબા સમયથી ચાલતા સાપ્તાહિક લેટર ફ્રૉમ અમેરિકામાં 50 વર્ષ પછી યાદ કર્યું હતું કે, કેવી રીતે ચર્ચિલની ચેતવણીને લઈને પશ્ચિમના લોકોનો પ્રતિભાવ ઠંડો રહ્યો હતો. "નાઝીઓની શરણાગતિના 10 જ મહિના પછી સોવિયેત સંઘને જોખમરૂપ ગણાવીને દરેક વ્યક્તિને તેનાથી ચેતતા રહેવાની તાકીદ કરવી એ નિઃશંકપણે ઉચિત સમય નહોતો," એમ તેમણે કહ્યું હતું.

"મને લાગે છે કે, મોટાભાગના મુક્ત દેશોના ઘણા-ખરા લોકો ચર્ચિલના શબ્દો સાંભળીને કાં તો નિસાસો નાખતા હતા અથવા તો રોષે ભરાતા હતા."

કૂકેએ કહ્યું હતું કે, ઘણા લોકો ચર્ચિલને "તેમના જૂના સ્વભાવ મુજબ ચીઢિયા, યુદ્ધ ભડકાવનારા ગણતા હતા", પણ "કમનસીબે આપણે ખોટા ઠર્યા અને તે ઘરડા નેતા ફરી એક વખત સાચા ઠર્યા."

નાટોની સ્થાપના

બિગ થ્રી તરીકે ઓળખાતા વિન્સ્ટન ચર્ચિલ, ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ અને જોસેફ સ્ટેલિન યાલ્ટા કૉન્ફરન્સમાં, ફેબ્રુઆરી 1945ની તસવીર

ઇમેજ સ્રોત, Hulton Archive/Getty Images

ઇમેજ કૅપ્શન, બિગ થ્રી તરીકે ઓળખાતા વિન્સ્ટન ચર્ચિલ, ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ અને જોસેફ સ્ટેલિન યાલ્ટા કૉન્ફરન્સમાં, ફેબ્રુઆરી 1945ની તસવીર

સોવિયેત સંઘના નેતા જોસેફ સ્ટાલિને તેમના ભૂતપૂર્વ સાથીના આ ભાષણ અંગે તીખી પ્રતિક્રિયા આપીને ચર્ચિલને નાઝીઓ સાથે સરખાવ્યા.

સત્તાવાર સામ્યવાદી અખબાર પ્રાવદામાં તેમણે લખ્યું હતું, "હિટલરે તેનો વંશીય સિદ્ધાંત જાહેર કરીને યુદ્ધ શરૂ કર્યું હતું, તેણે ઘોષણા કરી હતી કે, ફક્ત જર્મન ભાષા બોલનારા લોકો જ સંપૂર્ણ મૂલ્યવાન દેશનું પ્રતિનિધિત્વ કરે છે."

"મિસ્ટર ચર્ચિલ પણ વંશીય સિદ્ધાંત દ્વારા જ યુદ્ધ છેડી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે, ફક્ત અંગ્રેજી ભાષા બોલનારા લોકો જ સંપૂર્ણ મૂલ્યવાન રાષ્ટ્રો છે, જેમને સમગ્ર વિશ્વની નિયતીનો નિર્ણય કરવાનો અધિકાર છે."

સ્થિતિને શાંત કરવા માટે અમેરિકા અને બ્રિટન, બંને દેશોની સરકારોએ શરૂઆતમાં ચર્ચિલના ભાષણથી અંતર રાખ્યું.

પણ એક વર્ષ પછી પ્રમુખ ટ્રુમૅને વૈશ્વિક લોકશાહીના સંરક્ષક તરીકેની ભૂમિકા માટે અમેરિકાને કટિબદ્ધ કર્યું અને સોવિયેત સંઘના વિસ્તરણ અને સામ્યવાદના પ્રસારને અટકાવવાનો સંકલ્પ કર્યો.

પછીથી ટ્રુમૅન ડૉક્ટ્રીન તરીકે જાણીતા થયેલા આ સિદ્ધાંતને પગલે નાટોની સ્થાપના થઈ અને પછી કોરિયા અને વિયેટનામના સંઘર્ષોમાં અમેરિકા જોડાયું.

છેવટે, ચર્ચિલે વર્ણવવામાં આવેલો લોખંડી પડદો એક ભૌતિક અને લાક્ષણિક અવરોધ બની ગયો, જ્યારે 1961માં બર્લિનની દીવાલ ઊભી કરવામાં આવી.

28 વર્ષો સુધી તેણે કેવળ પરિવારો અને મિત્રોને જ નહીં, બલ્કે સમગ્ર દેશને વિખૂટો પાડી દીધો.

આખરે 1989માં જ્યારે દીવાલ ધ્વસ્ત કરી દેવામાં આવી, તે પછી બે મહાસત્તાઓના નેતાઓ દ્વારા વેસ્ટમિન્સ્ટર કૉલેજની જુદા-જુદા સમયે મુલાકાત લેવામાં આવીઃ શીતયુદ્ધ સમાપ્ત થઈ ગયું હોવાનું દર્શાવતા એક પ્રતીકાત્મક સ્થળ તરીકે તેની પસંદગી કરવામાં આવી હતી.

1990માં અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રિગને દીવાલ તોડી પડાયાની પ્રથમ વર્ષગાંઠ પર ચર્ચિલનાં પૌત્રી એડવિના સેન્ડિસ દ્વારા બનાવવામાં આવેલી એક શિલ્પકૃતિનું અનાવરણ કર્યું હતું.

બે વર્ષ પછી જ્યારે સોવિયેત સંઘના ભૂતપૂર્વ નેતા મિખાઇલ ગોર્બાચેવે આ સ્થળની મુલાકાત લીધી, ત્યારે ચર્ચિલની માફક તેઓ પણ સત્તા પરથી દૂર કરી દેવાયેલા સામાન્ય નાગરિક હતા.

ગોર્બાચેવે સ્વીકાર્યું હતું કે, ચર્ચિલના ભાષણનું સોવિયેત સંઘમાં "શીતયુદ્ધની સત્તાવાર ઘોષણા" તરીકે અર્થઘટન કરવામાં આવ્યું હતું.

તેમણે નોંધ્યું હતું કે, તે પછી દુનિયા કેટલી બદલાઈ ગઈ હતી.

તેમણે કહ્યું હતું કે, "વૈશ્વિક રાજકારણનાં મહત્ત્વનાં કેન્દ્રોમાં આજે શાંતિ, સહકાર, સહયોગ તથા સહિયારી સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે."

ચર્ચિલના દૂરદર્શી ભાષણથી અલગ, ગોર્બાચેવના શબ્દો વર્ષો વીતવા સાથે એટલા પ્રભાવિત ન રહ્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.