'જેન ઝીએ સરકાર માટેનો ડર ખતમ કરી નાખ્યો': વિદ્યાર્થી આંદોલનને નિષ્ણાતો કેવી રીતે જોઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
જો છેલ્લાં કેટલાંક વર્ષોમાં દક્ષિણ એશિયામાં કોઈ એક શબ્દ બહુ ગાજ્યો હોય, તો એ છેઃ જેન ઝી.
જેન ઝી એક એવી પેઢી છે, જેણે શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં સત્તા ઉથલાવી દીધી છે.
છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ભારતીય રાજકારણમાં પણ જેન ઝી ચર્ચાનો વિષય બની હતી. નીટ-યુજી પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયા બાદ ભારતમાં જેન ઝીએ એક આંદોલન છેડી દીધું હતું.
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની આગેવાની હેઠળ શરૂ થયેલા જેન ઝી આંદોલને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગ્યું હતું. આ આંદોલન સીજેપી ચલાવી રહી હોવાથી વિરોધ પક્ષોએ શરૂઆતમાં તેનાથી અંતર જાળવ્યું હતું.
પણ છેલ્લા એક અઠવાડિયામાં આ જેન ઝી આંદોલને એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે, વિવિધ વિરોધ પક્ષો પણ તેની સાથે જોડાયા. આ આંદોલને આંતરરાષ્ટ્રીય માધ્યમોનું પણ ધ્યાન ખેંચ્યું.
છેલ્લાં 12 વર્ષોથી મોદી સરકાર એક બાબતને પોતાની તાકાત તરીકે આગળ ધરતી આવી છેઃ તેના ઘણા મંત્રીઓ એવું કહેતા જોવા મળ્યા છેઃ "અમારી સરકારમાં કોઈ રાજીનામાં થતાં નથી."
પણ જેન ઝીએ મોદી સરકારનો આ યુએસપી ધરાશયી કરી નાખ્યો છે. મોદી સરકારે જેન ઝી આંદોલનની મુખ્ય માગણીઓ સ્વીકારી લીધી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું.
આ રાજીનામા સાથે કૉક્રોચ જનતા પાર્ટીએ તેનું આંદોલન સમાપ્ત કર્યું. પણ જે સફળતા સાથે જેન ઝીનું આંદોલન પૂરું થયું, તેનાથી એક સવાલ ઊભો થાય છેઃ ભારતીય રાજકારણ અહીંથી કઈ તરફની દિશા પકડશે અને તેમાં જેન ઝીની શું ભૂમિકા રહેશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આંદોલન પર નજર રાખી રહેલા અને તેનું કવરેજ કરી રહેલા નિષ્ણાતો તથા પત્રકારો થકી અમે એ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે કે, આ આંદોલને કેવી રીતે ભારતીય રાજકારણમાં એક નવી રેખા આંકી છે.
નિષ્ણાતોનું માનવું છે કે, આ જેન ઝી આંદોલનનો પ્રભાવ આવનારાં ઘણાં વર્ષો સુધી ભારતીય રાજકારણ પર જોવા મળશે.
'સુધારાત્મક પગલું' કેવી રીતે લેવાશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા થઈ રહી છે કે, જેન ઝીએ વિરોધ પ્રદર્શનની એક નવી પદ્ધતિનો પાયો નાખ્યો છે. 20મી જુલાઈથી જંતર મંતર પર જે કંઈ થયું, તે ભારતનાં અગાઉનાં વિરોધ પ્રદર્શનો કરતાં ઘણી બધી રીતે અલગ હતું.
જેન ઝી વિરોધ પ્રદર્શનો માત્ર આકરાં સૂત્રોચ્ચારો, પોસ્ટરો, ગીતો, નૃત્ય અને તડકો કે વરસાદ હોય તો પણ અડગ રહેવાની હિંમત પૂરતાં સીમિત નહોતાં. તેનાથી આગળ વધીને, લાંબા સમય સુધી ટકી રહેવા માટે મુશ્કેલ હોય, તેવી શૌચાલયો જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ ધરાવતી જગ્યાએ ડિલીવરી ઍપ્સના ઉપયોગે સંસાધનો કામે લગાડવાનો નવો માર્ગ પૂરો પાડ્યો.
પ્રથમ દિવસથી જ આ આંદોલનને નજીકથી જોનારાં સ્વતંત્ર પત્રકાર સ્મિતા શર્મા કહે છે, "આજે જે બન્યું, તે ભારતીય લોકશાહી માટે એક ઘણી મહત્ત્વની ક્ષણ છે, કારણ કે, અત્યંત આવશ્યક કોર્સ કરેક્શન (ભૂલોનો સુધારો) થયું છે. એક શાંતિપૂર્ણ આંદોલન થકી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવડાવવામાં આવ્યું છે."
"જે સરકાર એવી બડાશ હાંકતી હતી કે, અમારી સરકારમાં કોઈ રાજીનામાં થતાં નથી, તે પણ હવે સમજી ગઈ છે કે, નિયંત્રણ અને સંતુલન વગર લોકશાહી સંભવ નથી."
"મને લાગે છે કે, તે સમાન લોકશાહી આજે ફરી સ્થાપિત થઈ છે અને તેમાં લોકોનો વિશ્વાસ પણ પુનઃ સ્થાપિત થયો છે."
ભારતના સામાજિક માળખાથી અલગ, આ આંદોલને શિક્ષણના મુદ્દે જેન ઝીના યુવાનોને એક કર્યા. તેમાં સૌથી વધુ શાળા-કૉલેજનાં વિદ્યાર્થીઓ તથા વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી રહેલાં છોકરા-છોકરીઓ સામેલ હતાં.
વરિષ્ઠ પત્રકાર અને રાષ્ટ્રીય રાજકીય વિશ્લેષક વિજય ત્રિવેદી કહે છે, "આ ચળવળ આપણી રાજકીય સીમાઓ, જ્ઞાતિ અને ધર્મથી મુક્ત હતી અને તે કોઈ રાજકીય પક્ષના સમર્થન વિના સ્વયંસ્ફૂરિત રીતે શરૂ થઈ હતી. કોઈના પણ આહ્વાન વિના, તેઓ જાતે જ આવીને ઊભા રહ્યા."
"અને તેણે તમામ રાજકીય પક્ષોને જગાડીને તેમને દબાણ હેઠળ લાવી દીધા. શાસક પક્ષ ચોક્કસપણે દબાણમાં આવ્યો, જેના કારણે મંત્રીએ રાજીનામું આપવું પડ્યું અને વિપક્ષ પણ એટલો દબાણ હેઠળ આવ્યો કે લગભગ તમામ લોકો એક થઈને તેમની સાથે જોડાયા."
તેની સાથે જ, વરિષ્ઠ પત્રકાર આદેશ રાવલ કહે છે કે, "આપણે એમ ન કહેવું જોઈએ કે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, બલ્કે આપણે એમ કહેવું જોએ કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે."
વધુમાં તેમણે કહ્યું હતું, "જેન ઝી આંદોલન એક એવો મુદ્દો હતો, જે સરકાર માટે સિલેબસ (અભ્યાસક્રમ) બહારનો બની ગયો. તેને હળવાશથી લેવામાં આવ્યો હતો."
"પણ તે સરકારને જ ભારે પડ્યો. હું તેને એ રીતે જોઉં છું કે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું નથી. વિદ્યાર્થીઓએ તેમનું રાજીનામું લીધું છે."
રાજકીય પક્ષો માટે શું સંદેશ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્સ્ટાગ્રામ કદાચ જેન ઝી માટે સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ છે. આ આંદોલનેની સૌથી પ્રભાવક અસર પણ આ પ્લૅટફૉર્મ પર જ જોવા મળી છે.
છેલ્લા એક અઠવાડિયામાં ઇન્સ્ટાગ્રામમાં જંતર-મંતર પરની રીલ્સનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું.
ઇન્સ્ટાગ્રામના મોટાભાગના યુઝર્સે વિરોધ પ્રદર્શનને લગતી રીલ્સ પર જ ધ્યાન આપ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં ગુરુવારે અને પછી શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પોસ્ટ કરી હતી.
રાજકીય પક્ષો આ આંદોલન પરથી શું બોધપાઠ મેળવી શકે, તે વિશે વાત કરતાં સ્મિતા શર્મા કહે છે, "ભાજપ એક એવો પક્ષ રહ્યો છે, જે 2013થી, વડા પ્રધાન મોદી વડા પ્રધાન બન્યા, તેના પહેલાંથી જ તેના પ્રચારની રણનીતિ માટે સોશિયલ મીડિયાનો સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગ કરતો આવ્યો છે."
"પણ એક વાત પુરવાર થઈ ગઈ છે કે, જો તમે સોશિયલ મીડિયા પર આખો દિવસ એકતરફી વાતો જ કર્યા કરો, તો એક દિવસ એવો આવશે, જ્યારે પાણી માથા પરથી વહેવા માંડશે અને અહીં પણ આ જ થયું છે."
આ દરમિયાન, આદેશ રાવલ કહે છે, "આ આંદોલનમાં વિદ્યાર્થીઓએ ઇન્સ્ટાગ્રામ પર મોદી સરકારને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે."
"તેનો અર્થ એ કે, સરકાર વિદ્યાર્થીઓથી ડરી ગઈ હતી. તે સોશિયલ મીડિયા પર રોજેરોજ આવતી ફીડથી પણ ડરી ગઈ હતી. જેન ઝીએ સરકારને ઘૂંટણિયે પાડી દીધી."
સ્મિતા શર્માનું માનવું છે કે, વિપક્ષ માટે પણ એક સંદેશ છે કે, લડત સોશિયલ મીડિયા પર નહીં, બલ્કે માર્ગો પર ઊતરીને આપવાની હોય છે.
તેઓ કહે છે, "બીજું એ કે, મને લાગે છે કે, વિરોધ પક્ષો - કૉંગ્રેસ, એનએસયુઆઈ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો માટે રસ્તા પર જરૂર ઊતરતા હતા, પણ તેમાં સાતત્યનો અભાવ વર્તાતો હતો. યુવા પેઢીની કલ્પનાને આકર્ષવાનો અભાવ વર્તાતો હતો."
હવે આગળ શું?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, હવે સવાલ એ છે કે, ભારતના રાજકારણમાં જેન ઝી શું ભૂમિકા ભજવશે?
વિજય ત્રિવેદી કહે છે, "અત્યાર સુધી આપણે અગાઉની ચૂંટણીઓના રેકૉર્ડ પર નજર કરીએ, તો બે-ત્રણ પ્રકારની વોટ બૅન્ક રહી છે."
"એક વોટ બૅન્ક પછાત અને ગરીબ લોકોની હતી. રાજકીય પક્ષો તેમને ચીજવસ્તુઓ આપતા હતા, લેપટૉપ આપતા હતા."
"તે પછી બીજો તબક્કો આવ્યો, જેમાં રાજકીય પક્ષોએ મહિલાઓને તેમની વોટ બૅન્ક બનાવી. ભાજપ જેવા પક્ષો, અરવિંદ કેજરીવાલ અને અન્ય કેટલાક પક્ષોને પણ તેનાથી લાભ થયો."
"હવે આ આંદોલને એ નક્કી કરી દીધું છે કે, આગામી ચૂંટણીઓ માટેની વોટ બૅન્ક યુવાનો રહેશે."
"રાજકીય પક્ષોએ તેમના પર ધ્યાન આપવું પડશે. એ શક્ય છે કે, આવનારા દિવસોમાં રાજકીય પક્ષોની યોજનાઓ યુવાનોને કેન્દ્રમાં રાખીને ઘડવામાં આવે."
આદેશ રાવલ જેન ઝી આંદોલનને ભારતીય રાજકારણની નવી શરૂઆત તરીકે જુએ છે.
તેમણે કહ્યું હતું, "મોદી સરકારના યુગમાં જ્યાં આટલો બધો ભય વ્યાપેલો હતો, ત્યાં આ જેન ઝી યુવાનોએ છેલ્લા પાંચ દિવસમાં મોદી સરકારની વિશ્વસનીયતા ધૂળ ભેગી કરી દીધી છે."
"જે પ્રકારનાં સૂત્રોચ્ચારો અને મીમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો અને તે પણ પોલીસની સામે, તેના પરથી મને લાગે છે કે, આ એક નવી શરૂઆત છે."
આ આંદોલનનું કોઈ રાજકીય પરિણામ આવશે કે કેમ, તે સવાલનો જવાબ આપતાં સ્મિતા શર્મા કહે છે, "આ આંદોલનના ચૂંટણીલક્ષી પરિણામ વિશે ચોક્સપણે કંઈ કહી શકાય નહીં. પણ બસ એવી આશા રાખી શકાય કે, એટ લિસ્ટ જે યુવાનો રાજકીય રીતે જાગૃત જણાયા છે, તે આગળ જઈને એવું ન કહે કે, મને રાજકારણમાં રસ નથી. કારણ કે, જો નીતિઓ બદલવી હશે, તો રાજનીતિ પર નજર રાખવી પડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.






























