Weather Update: ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું સક્રીય, ક્યાં ભારે વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, MID
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું સક્રિય રહ્યું હતું. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ 30 સેમી સુધીનો અસાધારણ ભારે વરસાદ નોંધાયો હતો.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં 21 સેમી સુધીનો અત્યંત ભારે વરસાદ નોઁધાયો હતો.
જ્યારે ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં પણ ભારે વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ 12 સેમી સુધીનો ખૂબ ભારે વરસાદ પડ્યો હતો. ઉપરાંત વલસાડ, મહીસાગર, નવસારી, સુરત, વાવ-થરાદ, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, અને કચ્છ જિલ્લા તથા દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં અમુક સ્થળોએ 11 સેમી સુધીનો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ?

ઇમેજ સ્રોત, Sachin Pithva
છેલ્લા 24 કલાકમાં કુલ 32 જિલ્લામાં 204 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ 140 મીમી વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો હતો.
કચ્છમાં અત્યાર સુધી સરેરાશ 94.40 મીમી વરસાદ નોંધાયો છે. જે સિઝનની સરેરાશ 18.89 ટકાની ઘટ બતાવે છે. ઉત્તર ગુજરાતમાં કુલ 288.72 મીમી વરસાદ પડ્યો છે જે 39.53 ટકાની ઘટ બતાવે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં સરેરાશ 370.31 મીમી વરસાદ પડ્યો છે જે 45.22 ટકા વરસાદની ઘટ બતાવે છે. સૌરાષ્ટ્રમાં કુલ 331.56 મીમી સરેરાશ વરસાદ છે અને અહીં 43.50 ટકાની ઘટ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં કુલ 1193 મીમી સરેરાશ વરસાદ પડ્યો છે અને તે સિઝનમાં પડતા સરેરાશ વરસાદ કરતાં 77.42 ટકા વધુ છે.
આજે પણ વરસાદનું પ્રમાણ ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતના તમામ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદની શક્યતા છે.
તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ઘણાં સ્થળોએ અને કચ્છમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગ અનુસાર, એ પછી આગામી બે-ત્રણ દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદનું જોર યથાવત્ રહેશે.
રાજ્યના કયા જિલ્લામાં રેડ ઍલર્ટ?

ઇમેજ સ્રોત, Gujarat Information department
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે કહ્યું છે કે બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર તથા સૌરાષ્ટ્રના ભાવનગરમાં થોડાં સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે.
ઉપરાંત પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી અને બોટાદમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ઉપરાંત મહેસાણા, અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલી સંઘપ્રદેશો અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવ સંઘપ્રદેશમાં છૂટાંછવાયાં સ્થળોએ વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ઝડપી પવન સાથે હળવી મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદની પણ પ્રબળ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
26 જુલાઈએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, મહેસાણા અને તેની આસપાસના વિસ્તારોમાં ક્યાંક ભારેથી અતિભારે, તો કેટલીક જગ્યાએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
એ જ રીતે 27 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે અને ક્યાંક ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
ગુજરાતના કયા જિલ્લામાં હજુ વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, Gujarat Information department
હવામાન વિભાગના તાજેતરના બુલેટિન પર નજર કરવામાં આવે તો રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદની શક્યતા છે. અને આવનારા દિવસોમાં પણ વરસાદનું યથાવત્ રહેશે તેવું જણાઈ આવે છે.
બીજી તરફ ગુજરાત સરકારની આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં જે ભયંકર વરસાદ પડ્યો હતો તે દરમિયાન કુલ 42,158 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામા આવ્યું હતુ. ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની વિવિધ ટીમોએ કુલ 6 હજારથી વધુ લોકોનું રૅસ્ક્યૂ કર્યું હતું.
ગુજરાત સરકારની યાદી જણાવે છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં ત્યાં રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે અને પીડિતોને રોકડ સહાયની રકમ આપવાની શરૂઆત ટૂંક સમયમાં થશે. સરકારે તે માટે 40 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
સરકારી યાદી પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદને કારણે 308 પશુઓનાં મૃત્યુ થયાં છે.
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતમાં હાલ ભારે વરસાદને કારણે કુલ 45 લોકોએ જીવ ગુમાવ્યા છે. જે પૈકી 29 લોકોનાં મોત માત્ર વલસાડ અને નવસારી જિલ્લામાં થયાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























