સ્ટેન્ટ મૂક્યા પછી પણ હાર્ટ ઍટેક આવી શકે? ઍન્જિયોપ્લાસ્ટી પછી સેક્સ, વ્યાયામ, ચેક-અપ વિશે ડૉક્ટરો શું કહે છે?

    • લેેખક, ઓમકાર કરંબેળકર
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

હૃદય સંબંધી ગમે તે સમસ્યા હોય, પણ તેના વિશે આપણી પાસે જેટલી વધુ માહિતી હોય તેના કરતાં વધુ ગેરસમજ હોય છે.

ઍન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ બેસાડ્યા પછી આપણને ઘણીવાર એવું લાગે છે કે આપણો હૃદય રોગ મટી ગયો છે.

સ્ટેન્ટ હૃદય રોગનું કારણ બનતી મૂળ પ્રક્રિયાને રોકતા નથી, પણ તે રક્તવાહિનીમાં સર્જાયેલા અવરોધોને દૂર કરે છે.

તેથી દર્દીઓ અને સર્વસામાન્ય લોકોએ કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે.

મેદ એટલે કે ચરબી, કૉલેસ્ટ્રોલ અને ઈતર પદાર્થોના સંચયની પ્રક્રિયા શરીરની અન્ય રક્તવાહિનીઓમાં ચાલુ રહી શકે છે.

દર્દીએ ઍન્જીયોપ્લાસ્ટી પછી પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે છે. સ્ટેન્ટ પ્લેસમેન્ટનો અર્થ એ નથી કે બધી સમસ્યાઓનો અંત આવી ગયો છે, હવે ગમે તેમ કરીશું તો ચાલશે.

સ્ટેન્ટ મૂકાવ્યા હોય તેવા દર્દીઓએ ભવિષ્યમાં હૃદય રોગનું જોખમ ઘટાડવા માટે વધુ સતર્ક રહેવું જરૂરી છે.

હાર્ટ ઍટેક આવ્યો હોય અથવા સ્ટેન્ટ મૂકાવ્યા હોય તેવા દર્દીઓને ફરીથી હાર્ટ ઍટેકની, સ્ટ્રોકની અથવા હૃદયની અન્ય સમસ્યા સર્જાવાની શક્યતા સામાન્ય લોકો કરતાં વધારે હોય છે.

આવું જોખમ ઘટાડવા માટે એલડીએલ કૉલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર, વજન અને કિડનીની કામગીરીનું નિયમિત રીતે પરીક્ષણ કરાવવું જરૂરી છે.

તેની સાથે દવાઓ નિયમિત રીતે લેવી જોઈએ. દારૂ તથા તમાકુથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ.

એ ઉપરાંત નિયમિત રીતે કસરત કરવી, સંતુલિત આહાર લેવો અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું એ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે.

ઍન્જીયોપ્લાસ્ટી પછી દર્દીઓએ ખરેખર શું કરવું જોઈએ, કયાં પરીક્ષણો નિયમિત રીતે કરાવવા જોઈએ અને કયાં લક્ષણો જોખમી ચેતવણી આપતા હોય છે, એ વિશેની માહિતી આપણે આ લેખમાં મેળવીશું.

સ્ટેન્ટ એટલે શું?

ઍન્જીયોપ્લાસ્ટી દરમિયાન સ્થાપિત કરવામાં આવતું સ્ટેન્ટ એક અત્યંત પાતળી, જાળી જેવી ધાતુની નળી (mesh tube) હોય છે.

કોરોનરી રક્તવાહિનીમાં સર્જાયેલા બ્લૉકેજને કારણે સાંકડી થઈ ગયેલી જગ્યાને ફૂગ્ગા (balloon)ની મદદથી પહોળી કર્યા પછી તે જગ્યાએ સ્ટેન્ટ બેસાડવામાં આવે છે.

સ્ટેન્ટનું કામ રક્તવાહિની ફરીથી સાંકડી ન થાય અને હૃદયમાં રક્ત પ્રવાહ સુગમતાથી વહેતો રહે તેમાં મદદ કરવાનું છે.

આજકાલ મોટાભાગનાં સ્થળોએ ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટ (Drug-Eluting Stent - DES)નો ઉપયોગ કરવામાં આવે છે.

આ પ્રકારના સ્ટેન્ટ પર ચોક્કસ દવાઓનું આવરણ (કોટિંગ) હોય છે. આ કોટિંગ રક્ત વાહિનીના આંતરિક સ્તરમાં વધારાની વૃદ્ધિને ઘટાડવામાં મદદ કરે છે અને તે ફરીથી સાંકડી થવાનું જોખમ ઘટાડે છે.

જોકે, સ્ટેન્ટ હૃદય રોગનો કાયમી ઇલાજ નથી. તે, બ્લૉકેજ હોય એ વિસ્તારનો જ ઉપચાર કરે છે. તેથી સ્ટેન્ટ પ્લેસમેન્ટ પછી પણ કૉલેસ્ટ્રોલ નિયંત્રણ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વ્યાયામ, આહાર અને દવાઓ પર ધ્યાન આપવું જરૂરી છે.

નિષ્ણાતોના મતાનુસાર, સ્ટેન્ટની સફળતાનો આધાર તેના પ્લેસમેન્ટ પર જ નહીં, પરંતુ લાંબા ગાળાના ફૉલો-અપ અને જીવનશૈલીમાં ફેરફાર પર પણ હોય છે.

સ્ટેન્ટ બેસાડી લઈએ એટલે હૃદય રોગ મટી જાય?

ઍન્જિયોપ્લાસ્ટી વિશેની સૌથી મોટી ગેરસમજ એ છે કે સ્ટેન્ટ પ્લેસમેન્ટ પછી હૃદય રોગ સંપૂર્ણપણે મટી જાય છે. વાસ્તવમાં સ્ટેન્ટ રક્ત વાહિનીના ચોક્કસ વિસ્તારમાં સર્જાયેલા બ્લૉકેજને દૂર કરે છે. રક્તવાહિનીમાં ચરબીના સંચયની પ્રક્રિયા બંધ થતી નથી.

તેથી સ્ટેન્ટ પ્લેસમેન્ટ પછી પણ ભવિષ્યમાં નવા બ્લૉકેજ સર્જાઈ શકે છે અથવા અન્ય રક્તવાહિનીઓમાં સમસ્યા સર્જાઈ શકે છે.

કાર્ડિયોલૉજિસ્ટ્સ આ જ કારણસર 'સેકન્ડરી પ્રિવેન્શન' પર ભાર મૂકે છે.

સેકન્ડરી પ્રિવેન્શન એટલે વધુ હાર્ટ ઍટેક આવતા રોકવા અથવા અન્ય ગંભીર સમસ્યાઓ સર્જાતી અટકાવવા માટે જોખમી પરિબળોને નિયંત્રિત કરવાં.

તેમાં એલડીએલ કૉલેસ્ટ્રોલને નિશ્ચિત પ્રમાણ સુધી લાવવાનો, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનો, દર્દીને ડાયાબિટીસ હોય તો તેની યોગ્ય સારવારનો અને ડૉક્ટરના સૂચવ્યા અનુસાર બ્લડ થિનર્સ તથા કૉલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓ લેવાનો સમાવેશ થાય છે.

ઍન્જિયોગ્રાફી, ઍન્જિયોપ્લાસ્ટી, ઍન્જાયના અને ઓપન હાર્ટ સર્જરી શું છે?

હૃદય રોગ વિશેની વાતચીતમાં ઍન્જિયોગ્રાફી, ઍન્જિયોપ્લાસ્ટી, ઍન્જાયના અને ઓપન હાર્ટ સર્જરી જેવા શબ્દો વારંવાર સાંભળવા મળે છે.

દર્દીઓ અને તેમના પરિવારજનો આ શબ્દોનો અર્થ બાબતે ગૂંચવાડામાં હોય છે. આ ચારેય બાબત અલગ-અલગ છે અને તેનો હેતુ પણ અલગ-અલગ છે. આ ચારેય વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે.

ઍન્જાયના

હૃદયના સ્નાયુઓને અપૂરતા પ્રમાણમાં મળતા લોહીના પુરવઠાને કારણે છાતીમાં ભારેપણું, પીડા અથવા અસ્વસ્થતા અનુભવાય તેને ઍન્જાયના કહે છે. એ કોઈ સ્વતંત્ર રોગ નથી, પરંતુ હૃદયને રક્ત પહોંચાડતી કોરોનરી રક્તવાહિની સાંકડી થવા અથવા તેમાં અવરોધ સર્જાયાનો સંકેત હોઈ શકે છે. ચાલતી વખતે, સીડી ચડતી વખતે અથવા કસરત કરતી વખતે તેના પ્રમાણમાં વધારો થઈ શકે છે.

કોરોનરી ઍન્જિયોગ્રાફી

આ એક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ (નિદાન પરીક્ષણ) છે. હાથ અથવા જાંઘ પાસેની નસ દ્વારા રક્તવાહિનીમાં એક પાતળી નળી (catheter) નાખીને કોરોનરી ધમનીમાં કોન્ટ્રાસ્ટ ડાઈ (contrast dye) ઇન્જેક્ટ કરવામાં આવે છે અને રક્તવાહિનીઓમાં કોઈ અવરોધ છે કે નહીં તે ઍક્સ-રે મારફત જોવામાં આવે છે. ઍન્જિયોગ્રાફીથી બ્લૉકેજનું સ્થાન અને તીવ્રતા સમજી શકાય છે.

ઍન્જિયોપ્લાસ્ટી

ઍન્જિયોગ્રાફીમાં બ્લૉકેજ દેખાય તો કેટલાક દર્દીઓમાં ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. તેમાં રક્તવાહિનીને પહોળી કરવા માટે બ્લૉકેજના સ્થળે એક નાનું બલૂન ફૂલાવવામાં આવે છે અને તેને મોકલી રાખવા માટે મોટાભાગના કિસ્સાઓમાં સ્ટેન્ટ બેસાડવામાં આવે છે. આ સારવારનો ઉપયોગ રક્ત પ્રવાહને સુધારવા માટે કરવામાં આવે છે.

ઓપન હાર્ટ સર્જરી અથવા બાયપાસ સર્જરી (CABG)

અનેક ઠેકાણે બ્લૉકેજ હોય, ખૂબ ગંભીર હોય અથવા ઍન્જિયોપ્લાસ્ટીનો વિકલ્પ યોગ્ય ન હોય ત્યારે બાયપાસ સર્જરીનો વિચાર કરવામાં આવે છે. આ સર્જરીમાં રક્ત પ્રવાહનો એક નવો માર્ગ બનાવવામાં આવે છે, જેમાં શરીરની અન્ય રક્તવાહિનીઓનો ઉપયોગ કરીને બ્લૉકેજને બાયપાસ કરવામાં આવે છે. બાયપાસ સર્જરી એ ઓપન હાર્ટ સર્જરીનો એક પ્રકાર હોવાથી તેને સામાન્ય રીતે 'ઓપન હાર્ટ સર્જરી' કહેવામાં આવે છે.

ટૂંકમાં સમજીએ તો ઍન્જાયના એ લક્ષણ છે. ઍન્જિયોગ્રાફી એ નિદાન માટેનું પરીક્ષણ છે.

ઍન્જિયોપ્લાસ્ટી એ સારવાર છે અને બાયપાસ સર્જરી વધુ જટિલ બ્લૉકેજ માટેનો એક સર્જિકલ વિકલ્પ છે.

ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હોય તેવા દર્દીઓએ જીવનમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને દર્દી તથા તેના પરિવારજનોની કઈ-કઈ શંકાનું નિવારણ થવું જોઈએ એ વિશે અમે ડૉ. પરીન સંગોઈ સાથે વાત કરી હતી.

ડૉ. સંગોઈ મુંબઈ સેન્ટ્રલ સ્થિત વોકાર્ડ હૉસ્પિટલ્સમાં કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ તરીકે કાર્યરત છે.

ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હોય તેવા દર્દીઓએ કયાં પરીક્ષણો કરાવવા જોઈએ અને પોતાના આરોગ્ય પ્રત્યે કેવી કાળજી રાખવી જોઈએ, એવા સવાલના જવાબમાં ડૉ. સંગોઈએ કહ્યું હતું કે, "પરીક્ષણનું સમયપત્રક દર્દીના સ્વાસ્થ્યની સ્થિતિ અને તેના પરના જોખમ અનુસાર બદલાતું હોય છે. જોકે, કેટલીક બાબતો પર નિયમિત રીતે ધ્યાન આપવું જરૂરી હોય છે."

"બ્લડ પ્રેશર નિયમિત રીતે તપાસવું જોઈએ. કૉલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓ લેવાનું શરૂ કર્યા પછી અથવા બદલ્યાના થોડા મહિનાઓ લિપિડ પ્રોફાઇલ નિયમિત રીતે તપાસવી જોઈએ."

"ડાયાબિટીસના દર્દીઓએ તેમના ડૉક્ટરની સલાહ મુજબ તેમના બ્લડ શુગર અને HbA1c ટેસ્ટ નિયમિત રીતે કરાવવી જોઈએ."

"ખાસ કરીને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા પહેલેથી જ કિડનીનો રોગ હોય તેવા દર્દીઓ માટે કિડની ફંક્શન ટેસ્ટ મહત્ત્વપૂર્ણ છે."

"એ ઉપરાંત દરેક ફૉલો-અપ વખતે વજન, કમરનો ઘેરાવો અને જીવનશૈલીની આદતોનું મૂલ્યાંકન પણ કરવું જરૂરી છે."

"આ બાબતોનો લેબોરેટરી ટેસ્ટ્સ જેટલા જ લાંબા સમય પરિણામ પર પ્રભાવ પડતો હોય છે."

જે દર્દીઓને પહેલાં જ હાર્ટ ઍટેક આવી ચૂક્યો છે અથવા જેમણે ઍન્જિયોપ્લાસ્ટી કરાવી છે તેમના માટે એલડીએલ કૉલેસ્ટ્રોલનું સ્તર કેટલું હોવું જોઈએ, એવો સવાલ નિયમિત રીતે કરવામાં આવે છે.

ડૉ. સંગોઈએ કહ્યું હતું કે, "જે દર્દીઓને હાર્ટ ઍટેક આવી ચૂક્યો હોય અથવા જેમણે ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હોય તેમને હૃદય રોગનું જોખમ ખૂબ જ વધારે હોય છે."

"આવા દર્દીઓ માટે એલડીએલ કૉલેસ્ટ્રોલનું લક્ષ્ય 55 mg/Dlથી ઓછું રાખવાનું હોવું જોઈએ. એ ઉપરાંત દર્દીએ શરૂઆતના સ્તરથી ઓછામાં ઓછો 50 ટકા ઘટાડો કરવાના પ્રયાસ કરવા જોઈએ."

"આ ઉદ્દેશની પ્રાપ્તિ માટે હૃદય હિતકારી આહાર, નિયમિત વ્યાયામ અને કૉલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓનું સંયોજન જરૂરી છે."

"એલડીએલ કૉલેસ્ટ્રોલ જેટલું ઓછું હશે એટલી ઓછી ભવિષ્યમાં હાર્ટ ઍટેક આવવાનું અથવા હૃદય સંબંધી અન્ય તકલીફોનું જોખમ હશે."

બધા દર્દીઓએ ઍન્જિયોપ્લાસ્ટી પછી ECG, 2D ઇકો, TMT, CT ઍન્જિયોગ્રાફી અથવા રી-ઍન્જિયોગ્રાફી કરાવવી જરૂરી હોય છે કે કેમ? કયાં પરીક્ષણો જરૂરી છે, એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

આ સવાલના જવાબમાં ડૉ. સંગોઈએ કહ્યું હતું કે "ફૉલો-અપ દરમિયાન કરવામાં આવતી ટેસ્ટ્સ દર્દીનાં લક્ષણો, તબીબી તપાસ અને એકંદર જોખમને આધારે કરવામાં આવે છે. તે નિયમિત રીતે કરવી જરરી નથી."

"દર્દીની હાલત અનુસાર ECG અને 2D ઇકોકાર્ડિયોગ્રાફીની સલાહ આપી શકાય છે. હૃદયમાં રક્ત પ્રવાહ ઘટવાના સંકેત મળે તો સ્ટ્રેસ ટેસ્ટ (TMT) વિશે વિચારવામાં આવે છે."

'રૂટિન' શરૂ કરવાની સલાહ ક્યારે આપવામાં આવે છે?

સફળ ઍન્જિયોપ્લાસ્ટી પછી CT ઍન્જિયોગ્રાફી અથવા રી-કોરોનરી ઍન્જિયોગ્રાફીની ભલામણ કરવામાં આવતી નથી. છાતીમાં દુખાવો થાય, લક્ષણો વકરે અથવા તો પરીક્ષણ દરમિયાન કશું શંકાસ્પદ દેખાય તો જ આ તપાસનો વિચાર કરવામાં આવે છે.

ઍન્જિયોપ્લાસ્ટી પછી પણ દર્દીએ કોઈ અસામાન્ય લક્ષણો સંદર્ભે પોતાની જાત પર નજર રાખવાની જરૂર હોય છે કે કેમ?

મુંબઈની પી. ડી. હિન્દુજા અને એમઆરસી હૉસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ – ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ તરીકે કાર્યરત ડૉ. આનંદ રાવે આ સવાલના જવાબમાં જણાવ્યું હતું કે છાતીમાં દુખાવો થતો હોય તો આ બાબતો પર વધારે ધ્યાન આપવું જરૂરી છે.

તેમના કહેવા મુજબ, કોઈ દર્દીને ઍન્જિયોપ્લાસ્ટી પહેલાં જેવો જ દુખાવો છાતીમાં થતો હોય તો તેને ગંભીર બાબત ગણવો જોઈએ. આ લક્ષણ આંતરિક સમસ્યાનો સંકેત હોઈ શકે છે અને તેની તત્કાળ તબીબી તપાસ જરૂરી હોઈ શકે છે.

ડૉ. આનંદ રાવે બીબીસી સાથે વિગતવાર ચર્ચા કરી હતી અને ઍન્જિયોપ્લાસ્ટી પછીની બાબતો વિશેના સવાલોના જવાબ આપ્યા હતા.

સવાલઃ ઍન્જિયોપ્લાસ્ટી પછી દર્દીએ 'રૂટિન' ક્યારથી શરૂ કરવું જોઈએ?

ડૉ. રાવઃ ઍન્જિયોપ્લાસ્ટી પછી દર્દી ફરીથી કામ, પ્રવાસ, વ્યાયામ અને અન્ય દૈનિક પ્રવૃત્તિઓ ક્યારથી શરૂ કરી શકે તેનો આધાર મુખ્યત્વે તેના હૃદયની પમ્પિંગ ક્ષમતા પર, ખાસ કરીને તેના Left Ventricularની કાર્યક્ષમતા પર હોય છે.

હૃદયનું કામકાજ નૉર્મલ હોય તો મોટાભાગના દર્દીઓ સાતથી દસ દિવસમાં કામ પર પાછા ફરી શકે છે. આવા દર્દીઓને નિયમિત રીતે ચાલવાનું શરૂ કરવાની અને નિયમિત વ્યાયામમાં ધીમે ધીમે આગળ વધવાની સલાહ આપવામાં આવે છે.

આ સમયગાળા દરમિયાન પ્રવાસને સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે. જોકે, દર્દીના હૃદયની પમ્પિંગ ક્ષમતા નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ હોય અથવા Left Ventricular Ejection Fraction ઓછું હોય તો તેના માટે વધુ તબીબી દેખરેખ જરૂરી હોય છે.

આવા દર્દીઓએ સ્ટ્રક્ચર્ડ કાર્ડિયાક રિહેબિલિટેશન પ્રોગ્રામમાં સહભાગી થવું જોઈએ અને વ્યાયામ, પ્રવાસ અથવા અન્ય દૈનિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરતા પહેલાં તેમના કાર્ડિયોલૉજિસ્ટની સલાહ લેવી જોઈએ.

સવાલઃ ઍન્જિયોપ્લાસ્ટી પછી સેક્સનું શું, એવો સવાલ દર્દીને થતો હોય છે. એ વિશે આપ શું કહેશો?

ડૉ. રાવઃ ઍન્જિયોપ્લાસ્ટી પછી લૈંગિક સંબંધ ફરી શરૂ કરવાના સમયનો આધાર મુખ્યત્વે હૃદયની પમ્પિંગ ક્ષમતા પર હોય છે.

હૃદય નૉર્મલ રીતે કાર્યરત હોય તો મોટાભાગના દર્દીઓ તબીબી પ્રક્રિયાના લગભગ 10-15 દિવસ પછી સુરક્ષિત રીતે સેક્સ માણવાનું ફરી શરૂ કરી શકે છે. જોકે, હૃદયની પમ્પિંગ ક્ષમતા ઓછી હોય તો દર્દીએ સૌપ્રથમ કાર્ડિયાક રિહેબિલિટેશન અથવા દેખરેખ હેઠળ ફિઝિયોથેરાપી કરાવીને તેમની કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસમાં સુધારો કરવો જોઈએ. સેક્સ માણવાનું ફરી શરૂ કરતા પહેલાં તેમણે તેમના કાર્ડિયોલૉજિસ્ટની સલાહ લેવી જોઈએ.

હૃદયની પમ્પિંગ ક્ષમતા નોંધપાત્ર રીતે ઓછી હોય તો સ્થિતિ વધુ સારી રીતે નિયંત્રણમાં આવે ત્યાં સુધી વધારે શ્રમયુક્ત સેક્સ માણવાનું ટાળવું જોઈએ.

સવાલઃ તણાવ, ચિંતા, ડિપ્રેશન અને બીજો હાર્ટ ઍટેક આવવાના ડરની રિહેબિલિટેશન પર કેવી અસર થાય છે અને દર્દીએ કોની મદદ લેવી જોઈએ?

ડૉ. રાવઃ હાર્ટ ઍટેક પછી અને રિહેબિલિટેશન દરમિયાન તણાવ, ચિંતા અને ડિપ્રેશનનો અનુભવ થવો સામાન્ય છે.

મનોચિકિત્સકો, કાર્ડિયાક ફિઝિયોથેરાપિસ્ટ અને રિહેબિલિટેશન નિષ્ણાતોના માર્ગદર્શન સમાહિત સ્ટ્રક્ચર્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામથી દર્દીઓને શારીરિક તેમજ માનસિક એમ બન્ને રીતે સ્વસ્થ થવામાં ઘણી મદદ મળી શકે છે.

સવાલઃ ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હોય તેવા તમામ દર્દીઓએ આજીવન યાદ રાખવી જોઈએ એવી એક સલાહ શું હોઈ શકે?

ડૉ. રાવઃ હૃદયના દીર્ઘકાલીન સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ રહેવું તે ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હોય તેવા દરેક દર્દી માટે સૌથી મહત્ત્વની સલાહ છે. તેમાં સૂચિત દવાઓ નિયમિત લેવાનો, નિયમિત વ્યાયામ કરવા , કૉલેસ્ટ્રોલ લેવલ ચકાસવાનો, હૃદયને હિતકારક આહાર લેવાનો, ધૂમ્રપાન તથા વધુ પડતા આલ્કોહોલ જેવી હાનિકારક કૂટેવોને ટાળવાનો અને ફૉલો-અપ માટે કાર્ડિયોલૉજિસ્ટને નિયમિત રીતે મળવાનો સમાવેશ થાય છે.

નિયમિત રક્ત પરીક્ષણ અને સમયાંતરે આરોગ્ય મૂલ્યાંકન પણ જરૂરી છે. તેને આજીવન આદત તરીકે અપનાવવાથી ભવિષ્યમાં હૃદય રોગનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે અને હૃદયનું એકંદર સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળી શકે છે.

ઍન્જિયોપ્લાસ્ટી પછીના રિહેબિલિટેશનમાં વ્યાયામ અતિ મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. અલબત, વ્યાયામ ધીમે ધીમે શરૂ કરવો જોઈએ અને દર્દીના હૃદયની કાર્યક્ષમતા, લક્ષણ તથા અન્ય રોગોને ધ્યાનમાં રાખીને વ્યાયામનું આયોજન થવું જોઈએ.

આવો વ્યાયામ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ કરવાની સલાહ નવી મુંબઈની ફૉર્ટિસ હિરાનંદાની હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રશાંત પવારે આપી હતી.

તેમણે કહ્યું હતું કે "ડૉક્ટર પરવાનગી આપે એ પછી સામાન્ય રીતે સપ્તાહમાં પાંચ દિવસ રોજ લગભગ 30 મિનિટ ઝડપથી ચાલવાની અથવા મધ્યમ તીવ્રતાનો એરોબિક વ્યાયામ કરવાની સલાહ આપવામાં આવે છે. એ રીતે સપ્તાહમાં કુલ 150 મિનિટ વ્યાયામ થાય છે."

"એ ઉપરાંત સપ્તાહમાં બે વખત, હળવા સ્નાયુઓને મજબૂત બનાવતો વ્યાયામ પણ કરી શકાય. તમને કસરત દરમિયાન છાતીમાં દુખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય."

"ચક્કર આવે અથવા હૃદયના ધબકારી અનિયમિત હોવાનો અનુભવ થાય તો તમારે કસરત તત્કાળ બંધ કરવી જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ."

ઍન્જિયોપ્લાસ્ટી પછી કેટલાક લોકો અનેક વર્ષો સુધી નિરોગી કેવી રીતે રહે છે અને કેટલાકને ફરીથી બ્લૉકેજ શા માટે સર્જાય છે, આ એક મહત્ત્વપર્ણ મુદ્દો છે.

ડૉ. પ્રશાંત પવારે કહ્યું હતું કે, "સ્ટેન્ટ પ્લેસમેન્ટ પછી વર્ષો સુધી સ્વસ્થ રહેતા લોકો અને ફરીથી બ્લૉકેજ સર્જાતા હોય તેવા લોકો વચ્ચેનો સૌથી મોટો ફરક સાતત્ય હોય છે."

"જે દર્દીઓ વર્ષો સુધી સ્વસ્થ રહે છે તેઓ સમજી ગયા હોય છે કે ઍન્જિયોપ્લાસ્ટી બ્લૉકેજને તત્કાળ દૂર કરે છે, પરંતુ કોરોનરી આર્ટરી ડિસીઝનું વ્યવસ્થાપન આજીવન કરવું જરૂરી છે."

"આવા દર્દીઓ તેમની દવાઓ નિયમિત રીતે લે છે. તમાકુથી દૂર રહે છે. તેમની જીવનશૈલી સક્રિય હોય છે. તેઓ સંતુલિત આહાર લે છે."

"તેમના બ્લડ પ્રેશર, કૉલેસ્ટ્રોલ તથા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે અને કોઈ લક્ષણો ન હોય તો પણ નિયમિત રીતે ફૉલો-અપ માટે ડૉક્ટર પાસે જાય છે."

"બીજી તરફ, નિયત સમય પહેલાં દવાઓ લેવાનું બંધ કરી દેવાથી, જોખમી પરિબળોની અવગણનાથી, વજન વધવા દેવાથી અથવા લક્ષણોની અવગણના કરવાથી ફરી બ્લૉકેજનું જોખમ વધે છે."

"રોજિંદા જીવનમાં શિસ્તબદ્ધ અને સાતત્યસભર ટેવો અપનાવવી એ લાંબા ગાળાની સફળતાની ચાવી છે."

તમારી જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા ઇચ્છતા હો, તમારા આહારમાં ફેરફાર કરવા ઇચ્છતા હોત, દવા લેવા ઇચ્છતા હો કે પછી શારીરિક વ્યાયામ શરૂ કરવા ઇચ્છતા હો તો તમારે ડૉક્ટર અને લાયક ટ્રેનરની મદદ લેવી જરૂરી છે.

ડૉક્ટર પાસે તમારા શરીર તથા લક્ષણોની યોગ્ય તપાસ કરાવી અને તેમની સલાહ અનુસાર જ જીવનશૈલીમાં ફેરફાર કરવો ઉત્તમ છે. ડૉક્ટરની સલાહ વિના જાતે ઉપચાર કરવો ખતરનાક સાબિત થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન