You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : પૂરની શક્યતા કે પૂર આવ્યું હોય તો શું કરવું અને શું ન કરવું?
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
એટલું જ નહીં, પણ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની ચેતવણી પણ અપાઈ છે. તેમજ સરકારે લોકોને અપીલ કરી છે કે તેમણે બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
લોકો પાણી ફસાઈ ગયા હોય કે વાહનો તણાઈ ગયાં હોય એવા વીડિયો પણ જોવા મળી રહ્યા છે. આથી રાજ્ય સરકાર તરફથી લોકો એવી પણ અપીલ કરાઈ છે કે નદી, નાળાં કે કોઝવે પર પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે તેને ઓળંગવાનું જોખમ ન લેવું જોઈએ.
લોકોને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તથા એએમસીની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં પડેલા ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાહત-બચાવની કામગીરી પણ ચાલી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 6,000થી વધુ નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કરાયું છે, જ્યારે 40,500 લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
તેમજ હજુ પણ ચેતવણીવાળા વિસ્તારોમાં કોઈ પણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તહેનાત કરાઈ છે.
ગુજરાત હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે કે લોકોએ હવામાન પર નજર રાખવી જોઈએ. ઘરની અંદર રહેવું જોઈએ. બારી અને દરવાજા બંધ રાખવા અને શક્ય હોય તો મુસાફરી ટાળવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અહેવાલમાં જાણીએ કે પૂરની શક્યતા હોય કે પૂરની પરિસ્થિતિ હોય એવા સમયે લોકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
પૂર પહેલાંની પરિસ્થિતિમાં શું કરવું?
નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ વરસાદ, પૂર વગેરેની આફત સમયે શું કાળજી રાખવી જોઈએ તે માટે કેટલાંક સલાહ-સૂચન કર્યાં છે. એ મુજબ જોઈએ તો...
- જો ભરતી અને ભારે વરસાદ એકસાથે આવે તો ઘરે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.
- ખુલ્લી ગટરોમાં કચરો, પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બૉટલો ફેંકવી ન જોઈએ.
- આગાહી માટે ઑલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન પર હવામાનના સમાચાર સાંભળો, ઉપરાંત સમયાંતરે મ્યુનિસિપલ સંસ્થાઓના નિર્દેશ અનુસાર કાર્ય કરો.
- નીચાણવાળા વિસ્તારો ખાલી કરો અને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરો.
- સ્થળાંતર કરતી વખતે ખાતરી કરો કે દરેક વ્યક્તિ પાસે ફાનસ, મશાલ, કેટલીક ખાદ્ય વસ્તુઓ, પીવાનું પાણી, સૂકાં કપડાં અને જરૂરી દસ્તાવેજો હોય.
- એ પણ ખાતરી કરો કે પરિવારના દરેક સભ્ય પાસે પોતાનું ઓળખ કાર્ડ હોય.
- બધી કિંમતી વસ્તુઓ ઘરમાં ઊંચી જગ્યાએ મૂકો રાખો.
પૂરની પરિસ્થિતિમાં શું કરવું?
- વીજળી અને ગૅસનાં ઉપકરણો બંધ રાખવા જોઈએ.
- તમારી પાસે ઇમરજન્સી કીટ સાથે રાખો અને તમારા મિત્રો અને પરિવારને જણાવો કે તમે ક્યાં જઈ રહ્યા છો.
- પૂરના પાણીના સંપર્કમાં આવવાનું ટાળો, કેમ કે પાણી ગટર, ઑઇલ, રસાયણો અથવા અન્ય પદાર્થોથી દૂષિત હોઈ શકે છે.
- જો તમારે પાણી ચાલવું પડે તેમ હોય તો થાંભલા પાસે કે લાકડીના સહારે ચાલો, જેથી ખુલ્લી ગટરો કે ઊંડા પાણીથી બચી શકાય.
- વીજળીની થાંભલાથી દૂર રહો.
- જો છત ભીની હોય તો વીજળી બંધ રાખો.
- બકેટ, સ્વચ્છ ટુવાલ અને મોપ્સનો ઉપયોગ કરીને ઓરડામાં ભરાયેલા પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરો.
આટલું ન કરો
- વહેતાં પાણીમાં ચાલશો નહીં, તેનો પ્રવાહ ભ્રામક હોઈ શકે છે અને તેમાં તણાઈ જવાનો ભય રહેલો હોય છે.
- પૂરવાળા વિસ્તારમાં વાહન ન ચલાવો, પાણીના પ્રવાહનો તમને કોઈ અંદાજ નહીં આવે, પાણી મોટાં વાહનોને પણ તાણી લઈ જઈ શકે છે.
- પૂરના પાણીમાં વાહન ચલાવવાથી તેમાં નુકસાન પણ થઈ શકે છે.
- પૂરવાળા પાણીના સંપર્કમાં આવેલો કોઈ પણ ખોરાક ખાશો નહીં.
- જ્યાં સુધી કોઈ લાયક ઇજનેર તપાસ ન કરે ત્યાં સુધી તમારા વીજ પુરવઠાને ફરીથી ચાલુ ન કરો.
- ગૅસ લીકેજ ન થાય એ માટે સાવધ રહો, ધૂમ્રપાન ન કરો, મીણબત્તીઓ, ફાનસનો ઉપયોગ કરશો નહીં.
- ભીના ફ્લોર પર ઊભા રહીને ટીવી, VCRS, CRT ટર્મિનલ અથવા અન્ય વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ ક્યારેય ન કરો.
- તમારા વૅક્યુમ ક્લિનરનો ઉપયોગ કરીને ભરાયેલા પાણીને બહાર કાઢવા માટે ન કરો.
- ભોંયરામાં ભરાયેલાં પાણીને ખૂબ ઝડપથી બહાર કાઢવાનો પ્રયાસ ન કરો.
- પૂરગ્રસ્ત વિસ્તારોમાં વાહન ચલાવશો નહીં. જો તમારી કારની આસપાસ પૂરનું પાણી વધે, તો કાર છોડી દો અને જો તમે સુરક્ષિત રીતે ઊંચી જમીન પર જાઓ. તમે અને વાહન ઝડપથી તણાઈ શકો છો.
પૂર પછી શું કરવું જોઈએ?
- ક્લોરિનયુક્ત અથવા ઉકાળેલું પાણી પીવું જોઈએ.
- સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો જોઈએ.
- પાણીનાં તળાવો/બંધિયાર પાણીમાં જંતુનાશકો છાંટવા જોઈએ.
- પૂર પછી જમીન પર પગ મૂકતાં પહેલાં ખાસ કાળજી રાખો, કેમ કે જમીન અને ફ્લોર કાટમાળથી ઢંકાયેલાં હોય છે અને તેમાં તૂટેલી બૉટલો, તીક્ષ્ણ વસ્તુઓ, ખીલા વગેરે હોઈ શકે છે. કાદવ અને કાટમાળ હોવાથી ફ્લોર અને સીડી લપસણાં હોઈ શકે છે.
નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ એવી પણ સલાહ આપી છે કે જો તમારા વિસ્તારમાં પૂર આવવાની શક્યતા હોય ઊંચી જમીન પર જાઓ, સ્થળાંતરની સૂચના માટેની રાહ ન જુઓ.
તેમજ જ્યાં પૂર આવવાની શક્યતા હોય એવાં નાળા, ડ્રેનેજ ચૅનલો, કોતરો અને અન્ય વિસ્તારોથી સાવચેત રહો.
જો તમારે સ્થળાંતર કરવાની તૈયારી કરવી જ પડે, તો તમારે તમારા ઘરને સુરક્ષિત રાખો, જરૂરી ચીજવસ્તુઓ ઉપરના માળે ખસેડી લો.
જો સૂચના આપવામાં આવે તો મુખ્ય સ્વીચો અથવા વાલ્વ બંધ કરી દો, વિદ્યુત ઉપકરણોને ડિસ્કનેક્ટ કરો.
જો તમે ભીના હોવ અથવા પાણીમાં ઊભા હોવ તો વિદ્યુત ઉપકરણોને સ્પર્શ ન કરો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન