'વિદ્યાર્થીઓને પૅલેટ ગનથી મારવાનો આદેશ કોણે આપ્યો?', રાહુલ ગાંધીએ અમિત શાહને પૂછ્યું, પૅલેટ ગન શું છે, જેને લઈને ચાલી રહ્યો છે વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગને લઈને જવાબદારીની માગ કરી છે.
આ પત્રમાં તેમણે સવાલ ઉઠાવ્યો છે કે વિદ્યાર્થીઓને મારવાનો આદેશ કોણે આપ્યો હતો અને પેલેટ ગન ચલાવવાની મંજૂરી કેવી રીતે મળી હતી?
રાહુલ ગાંધીએ પૂછ્યું, "શું ગૃહમંત્રી તરીકે તમે વિદ્યાર્થીઓને પેલેટ ગનથી મારવાનો આદેશ આપ્યો હતો? જો તમે નહીં તો કોણે આદેશ આપ્યો? સાદા કપડાંમાં વિદ્યાર્થીઓને મારી રહેલા લોકો પોલીસના જવાનો હતા કે સ્વયંસેવકો? વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારની હું જવાબદારી માગું છું."
રાહુલ ગાંધીએ અમિત શાહને આજે પત્ર લખીને વિદ્યાર્થીઓ પર થયેલા 'અત્યાચારો' અંગે જવાબ માગ્યો છે.
તેમણે કહ્યું હતું કે, "શિક્ષણવ્યવસ્થાને જવાબદાર બનાવવા લડી રહેલા વિદ્યાર્થીઓ પર જીવલેણ હથિયારો, ટિયર ગૅસથી હુમલો કરવામાં આવ્યો. મહિલાઓ પર પોલીસ અધિકારીઓએ હુમલો કર્યો અને તેમના પ્રાઇવેટ પાર્ટ્સને પણ નિશાન બનાવવામાં આવ્યા."
ઉલ્લેખનીય છે કે, ગયા સોમવારે કૉક્રોચ જનતા પાર્ટીની 'સંસદ કૂચ' દરમિયાન જંતર-મંતર અને આસપાસનાં સ્થળો પર સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને કાર્યવાહીમાં ઘણા દેખાવકારો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં 21 વર્ષનાં એક વિદ્યાર્થિની હાલમાં દિલ્હીની આરએમએલ હૉસ્પિટલમાં દાખલ છે. તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં, પણ બે દિવસ પહેલાં વૅન્ટિલેટર હટાવી લેવાયું હતું. મેડિકલ બુલેટિન અનુસાર, તે વિદ્યાર્થીની ભાનમાં આવી ગયાં છે અને તેમની હાલત હવે સ્થિર છે, તેમ છતાંયે હજુ તેમને ક્રિટિકલ કૅરની જરૂર છે.
આ તમામ સમાચારો વચ્ચે કેટલાક દેખાવકારો પર પૅલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો લગાવાઈ રહ્યા છે. આ પૅલેટ ગન શું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીએ પૅલેટ ગનનો મુદ્દો અગાઉ પણ ઉઠાવ્યો હતો

ઇમેજ સ્રોત, PTI
શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સાહિલ નામના યુવાનને માધ્યમો સમક્ષ રજૂ કર્યા હતા.
તેમણે કહ્યું હતું, "20મી જુલાઈના રોજ 19 વર્ષના સાહિલ દિલ્હીમાં શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા હતા, ત્યારે દિલ્હી પોલીસ દ્વારા પૅલેટ ગનથી તેમના ચહેરા પર હુમલો કરવામાં આવ્યો હતો."
"સાહિલ દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી છે, પણ તેઓ પરિવારને ટેકો કરવા માટે પાર્ટ-ટાઇમ કાર પણ ચલાવે છે. તે પોતે પણ 2025માં એસએસસી દિલ્હીની કૉન્સ્ટેબલ ભરતી પરીક્ષાના પેપરલીકનો ભોગ બન્યા હતા."
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું, "અમે સાહિલની પડખે છીએ. અમે જવાબદારીની માગણી કરનારા દરેક વિદ્યાર્થીની પડખે ઊભા છીએ. મોદીજી, તમારા આ પાપ બદલ આ દેશનાં બાળકોની માફી માગો, જવાબદારો સામે કડક કાર્યવાહી કરો."
પૅલેટ ગન શું છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે 20મી જુલાઈની રાતે ઍક્સ પર એક ઈજાગ્રસ્ત વ્યક્તિનો વીડિયો પોસ્ટ કર્યો હતો.
તેમણે લખ્યું હતું, "દિલ્હી પોલીસની ગુંડાગર્દી! શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર પૅલેટ ગનનો ઉપયોગ થયો હતો."
સૌરવ દાસની આ પોસ્ટ પર જવાબ આપતાં ડીસીપી (નવી દિલ્હી)એ ઍક્સ પર લખ્યું હતું, 'શાંતિપૂર્ણ દેખાવકારો સામે પોલીસ દળો દ્વારા પૅલેટ ગન વાપરવામાં આવી હોવાના સમાચાર સદંતર ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.'
"જાહેર જનતાને સલાહ આપવામાં આવે છે કે, ખરાઈ ન થઈ હોય એવું કોઈપણ કન્ટેન્ટ શૅર કે સરક્યુલેટ ન કરવું. માહિતી પોસ્ટ કરતાં કે ફૉરવર્ડ કરતાં પહેલાં મહેરબાની કરીને સત્તાવાર સૂત્રો પાસેથી તથ્યોની ખરાઈ કરશો."
પણ હવે માધ્યમોમાં એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, સોમવારે જંતર-મંતર પર વિરોધપ્રદર્શન દરમિયાન પૅલેટ ગન્સનો ઉપયોગ થયો હતો. પૅલેટ ગનથી ઈજા થવાને લીધે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિઓ દિલ્હીની હૉસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
પણ આ પૅલેટ ગન શું છે અને તેને લઈને આટલો વિવાદ શા માટે ચગ્યો છે?
પૅલેટ ગન એ રોષે ભરાયેલાં ટોળાંને કાબૂમાં લેવા માટે વિશ્વભરની પોલીસ અને લશ્કર દ્વારા ઉપયોગમાં લેવાતી નૉન-લેથલ (બિન-ઘાતક) પદ્ધતિઓનો એક ભાગ છે. અન્ય ઉપાયોમાં ટિયર ગૅસ, વૉટર કૅનન્સ, મરચાંના સ્પ્રે અને ટેઝર ગનનો સમાવેશ થાય છે.
પૅલેટ ગન એ મુખ્યત્વે હવાથી ચાલતું શસ્ત્ર છે, જે ધાતુ કે પ્લાસ્ટિકના નાના-નાના છરા છોડે છે. સુરક્ષાકર્મીઓ કેટલીક વખત ટોળાંને કાબૂમાં લેવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત સામાન્યપણે રમત-ગમત અને જીવાતોના નિયંત્રણ માટે પણ તે વપરાય છે.
પૅલેટ ગન સામાન્ય રીતે ત્રણ પ્રકારની હોય છે.
પહેલી હોય છે ઍર પિસ્તોલ. તે હૅન્ડગન હોય છે, જે સ્પ્રિંગ, ગૅસ કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને મુખ્યત્વે નિશાનબાજીની પ્રૅક્ટિસ કરવા માટે તે વપરાય છે.
બીજી છે ઍર રાઇફલ. તે બહેતર ચોકસાઈ સાથેની લાંબી બેરલ ધરાવતી ગન હોય છે અને નાના શિકાર કે રમતો માટે તેનો ઉપયોગ થાય છે.
ત્રીજી છે ભીડને અંકુશમાં લેવા માટેની શૉટગન. તે સલામતી દળો દ્વારા ઉપયોગમાં લેવાતાં 12-ગેજ પમ્પ-ઍક્શન શસ્ત્રો છે. તે અસંખ્ય નાના પૅલેટ્સ (છરા) ભરેલા કારતૂસ છોડે છે.
તે સામાન્ય ફાયરઆર્મ્સ કરતાં એ રીતે જુદાં પડે છે કે, તે દારૂગોળાના વિસ્ફોટને બદલે કૉમ્પ્રેસ્ડ (સંકોચાયેલી) હવાનો ઉપયોગ કરે છે.
આ સુધારેલાં પમ્પ-ઍક્શન શસ્ત્રો સીસા, ધાતુ કે રબ્બરના નાના છરા (પૅલેટ્સ) ધરાવતા કારતૂસ છોડે છે, જે અથડાતાંવેંત તરત જ વિખરાઈ જાય છે અને ગંભીર ઈજા પહોંચાડી શકે છે. જો છરા વાગે, તો અંધાપો પણ આવી શકે છે.
500 યાર્ડ સુધીના ટૂંકા અંતર માટે તે અસરકારક છે, પણ જો ઘણી નજીકની રેન્જથી તે ફાયર કરવામાં આવે, તો જીવલેણ નીવડી શકે છે, ખાસ કરીને જો આંખ જેવા સંવેદનશીલ અંગ પર વાગે તો. પૅલેટ્સ શરીરના નરમ સ્નાયુઓમાં ઘૂસી શકે છે.
'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસે' અહેવાલ આપ્યો છે કે, સીઆરપીએફે 20મી જુલાઈના રોજ શું થયું હતું, તે જાણવા માટે તપાસનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત, એ તપાસ પણ કરવામાં આવી રહી છે કે, શું રેપિડ ઍક્શન ફોર્સ (આરએએફ)ના જવાનોએ પ્રદર્શનકારીઓ પર પૅલેટ ગનનો ઉપયોગ કર્યો હતો?
આરએએફ એ સીઆરપીએફનું સ્પેશ્યલાઇઝ્ડ યુનિટ છે, જેની રચના હુલ્લડોને પહોંચી વળવા માટે 1992માં કરવામાં આવી હતી.
પૅલેટ ગનથી ઈજાગ્રસ્ત થયેલા લોકો

20મી જુલાઈના રોજ થયેલા પ્રદર્શન અને સુરક્ષાકર્મીઓની કાર્યવાહી બાદ ત્રણ વ્યક્તિ પૅલેટ ગનથી ઘાયલ થઈ હોવાની માહિતી સામે આવી છે.
હૉસ્પિટલમાં દાખલ 25 વર્ષના ઇર્શાદ શેખ ગુરુગ્રામમાં કામ કરે છે. 19 વર્ષના સાહિલ લોચાબ દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી છે અને ત્રીજી વ્યક્તિ આઉટલૂક સામયિક માટે કામ કરતા 28 વર્ષના પત્રકાર છે.
દિલ્હી પોલીસે દેખાવકારો પર પૅલેટ ગનનો ઉપયોગ કર્યાનો ઇન્કાર કરી દીધો છે, પણ પૅલેટ ગન્સ અને શૉક બૅટન એ રેપિડ ઍક્શન ફોર્સનાં સાધનોનો હિસ્સો છે.
20મી જુલાઈએ પોલીસકર્મીઓની સાથે સીઆરપીએફ યુનિટના સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.
'ધ હિંદુ'ના એક અહેવાલ અનુસાર, ઇર્શાદ ઉપર સોમવારે પાલિકા બજાર પાસે આરએએફના એક અધિકારી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઇર્શાદના મિત્રએ જણાવ્યું હતું કે, ઇર્શાદના ચહેરા અને શરીર પર આશરે 30-40 ઈજાઓ થઈ હતી. તેમાંની ચાર ઈજાઓ (જેમાંની એક ગરદન પર થઈ હતી) એટલી ગંભીર હતી કે, તેમને સર્જરી કરાવવી પડી હતી.
'ધ હિંદુ'ના અન્ય એક અહેવાલ પ્રમાણે, પૅલેટ ગન્સનો ઉપયોગ છેલ્લે 2024માં પંજાબ-હરિયાણા બૉર્ડર પર ખનૌરી અને શંભુ બૉર્ડર પર ખેડૂતોનાં વિરોધપ્રદર્શનો દરમિયાન કરવામાં આવ્યો હતો.
તે સમયે પોલીસે પૅલેટ ગનનો ઉપયોગ કર્યાનો ઈનકાર કર્યો હોવા છતાં ખેડૂત આગેવાનોએ ઘણા લોકોને ઈજા પહોંચી હોવાનો આરોપ લગાવ્યો હતો.
2023માં વંશીય હુમલાનો ભોગ બનેલા મણિપુરમાં દેખાવકારો પર આ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના લીધે લોકોમાં મોટાપાયે રોષ ફેલાયો હતો.
અગાઉ, 2016માં જમ્મુ અને કાશ્મીરમાં પૅલેટ ગન્સ વપરાઈ હતી, જેના લીધે ઘણા લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
સાહિલ લોચાબની સ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીમાં પૅલેટ ગનથી ઈજા પામનારી બીજી વ્યક્તિ છે સાહિલ લોચાબ. 'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના એક અહેવાલ પ્રમાણે, એઇમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ સાહિલ લોચાબને કહેવામાં આવ્યું છે કે, તેમણે કદાચ તેમની જમણી આંખની દૃષ્ટિ ગુમાવવી પડી શકે છે. મંગળવારે તેમના પર સર્જરી થઈ હતી.
એઇમ્સના એક વરિષ્ઠ અધિકારીએ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને જણાવ્યું હતું કે, લોચાબના શરીરના જમણા ભાગ પર "છરા વાગવાથી ઈજાઓ" થઈ હતી. અધિકારીએ કહ્યું હતું, "દર્દીની તબિયત હાલ સ્થિર છે અને તેને પેઇનકિલર્સ અપાઈ રહી છે. દૃષ્ટિ ગુમાવવાની વાત છે, તો હજુ તેઓ સારવાર હેઠળ છે અને આ તબક્કે કશું પણ કહેવું વહેલું ગણાશે. તેમને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે."
દિલ્હી યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઓપન લર્નિંગના વિદ્યાર્થી લોચાબે જણાવ્યું હતું કે, તેઓ 20મી જુલાઈનાં વિરોધપ્રદર્શનોમાં એટલા માટે જોડાયા હતા, કારણ કે, 2024ની દિલ્હી પોલીસ ભરતીની પરીક્ષા પેપરલીક થવાને લીધે રદ થવાથી તેઓ "નિરાશ" થઈ ગયા હતા.
'ઇન્ડિયન ઍક્સપ્રેસ' અનુસાર, છરા (પૅલેટ્સ)થી ઈજાગ્રસ્ત થનારી ત્રીજી વ્યક્તિ આઉટલૂકના પત્રકાર છે. 22મી જુલાઈનો સફદરજંગ હૉસ્પિટલનો મેડિકલ રિપોર્ટ જણાવે છે કે, જંતર મંતર પર પૅલેટ હુમલો થવાને લીધે તેમને ઈજા પહોંચી હતી.
અહેવાલમાં તેમના જમણા હાથ, છાતી અને પીઠ પર નાના જખમો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ આ ઈજાઓને "છરા વાગવાથી થતી ઈજાઓ" જેવી ગણાવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.






























