You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં અચાનક બદલાઈ વરસાદની પૅટર્ન, સતત અતિભારે વરસાદ પાછળ આ ત્રણ કારણ જવાબદાર?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું બરાબરનું જામ્યું છે. શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડ્યા બાદ રાજ્યના અન્ય ભાગોમાં વરસાદનું પ્રમાણ નહિવત્ રહ્યું હતું.
જોકે હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટાંછવાયાં સ્થળોએ અસાધારણ ભારે વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદનું જોર ચરમ પર પહોંચ્યું હતું. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ બાદ પરિસ્થિતિ વિકટ બની છે.
રાજ્યમાં સતત પડતાં વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે.
તો ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ વરસાદનું જોર રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ સામાન્ય તો, કેટલીક જગ્યાએથી ભારેથી અતિભારે વરસાદ પડે તેવું અનુમાન છે.
ગુજરાતમાં ચોમાસામાં વધતા વરસાદની પાછળ મુખ્ય કારણ વધતું તાપમાન અને દરિયામાં લો પ્રેશરને કારણે અને શિયર ઝોનનું સર્જન મુખ્ય કારણ હોવાનું હવામાનશાસ્ત્રીઓ માની રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વર્ષે પડેલા ભારે વરસાદના પાણીનો નિકાલ સમયસર થઈ જશે તો ખેતીને મોટું નુકસાન નહીં થાય, પરંતુ જો પાણી ભરાયેલાં રહેશે તો કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકનાં મૂળ સાડી જવાથી નુકસાન થવાની સંભાવના છે તેવું કૃષિ નિષ્ણાતો માની રહ્યા છે.
આ અહેવાલમાં જાણીએ કે ગુજરાતમાં આટલા સમયગાળામાં વરસાદની પૅટર્નમાં કેવા કેવા ફેરફાર આવ્યા છે.
ગુજરાતમાં વરસાદની પૅટર્ન બદલાઈ રહી છે?
ગુજરાતના હવામાન કેન્દ્ર વિભાગના વડા અશોકકુમાર દાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાતમાં આ વર્ષે આવેલા શિયર ઝોનના કારણે ભારે વરસાદ પડ્યો છે. છેલ્લાં દસ વર્ષમાં 2017, 2019, 2021, 2023, 2024 અને આ વર્ષે 2026માં શિયર ઝોનના કારણે વરસાદ વધુ પડી રહ્યો છે.
ભૂતકાળમાં તેની સૌથી વધુ અસર ગુજરાતના સૌરાષ્ટ્રમાં થઈ હતી.
તેઓ કહે છે, "તેની પાછળનું મુખ્ય કારણ વધતું તાપમાન છે અને દરિયામાં સર્જાતું લો પ્રેશર છે. અલબત્ત આ ફક્ત દસ વરસનો ટ્રેન્ડ છે. પણ વરસાદની બદલાતી પૅટર્ન પર હજુ વધુ અભ્યાસ કરીને મુખ્ય કારણો કહી શકાય."
તો ગુજરાત યુનિવર્સિટીના ઍન્વાયરમેન્ટલ સાયન્સ અને ક્લાઇમેટ ચેન્જ ઇમ્પેક્ટ વિભાગના ડીન ડૉ. હિતેશ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાતમાં વરસાદની પૅટર્ન બદલાવવાની શરૂઆત થવાનું કારણ વધતું તાપમાન અને ક્લાઇમેટ ચેન્જ છે.
"જેમ તાપમાન વધતાં પૃથ્વીનું તાપમાન પણ વધે છે એવી જ રીતે દરિયાનું તાપમાન પણ વધ્યું છે, જેના કારણે વરાળ વધુ બને છે અને ભેજનું પ્રમાણ વધે છે અને આમ વાદળ બંધાવવાની શરૂઆત થાય છે, ત્યાર બાદ આ ભારે વાદળો જ્યાં લો પ્રેશર હોય એ તરફ ગતિ કરે છે, જેના કારણે વધુ વરસાદ પડે છે."
ડૉ. હિતેશ સોલંકી કહે છે કે, છેલ્લાં 15 વર્ષમાં ગુજરાતમાં બદલાઈ રહેલી વરસાદની પૅટર્ન પાછળ ઘણાં પરિબળો કામ કરી રહ્યાં છે, વધતું તાપમાન અને પેસિફિક ડિકેડલ ઓસિનેશન પણ એક કારણ છે.
"કલાઇમેટ ચેન્જ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત પહેલાં એમ લાગતું હતું કે અલ-નીનોને કારણે વરસાદ ઓછો પડશે પણ અચાનક અરબી સમુદ્રમાં થયેલા ડિકેડલ ઓસિનેશન, હવાની દિશા બદલાતા અચાનક પલટો આવ્યો છે અને ભારે વરસાદ પડતો રહ્યો છે."
તેમના મતે, "ગુજરાતમાં સામાન્ય વરસાદ માટે ચોમાસામાં જૂનથી જુલાઈ દરમિયાન પાંચ વખત વાદળો બને છે પણ આ વખતે હજુ સુધી માત્ર બે વખત બન્યાં છે."
વરસાદની અનિયમિતતા કેમ વધી રહી છે?
ડૉ. હિતેશ સોલંકી અનુસાર, "હવાની દિશા પર લો પ્રેશર ઊભું થવાના કારણે જેટ વહીલ્સ સાથે મેચ ન થવું, આવાં કારણોને લીધે વરસાદ અનિયમિત બની રહ્યો છે. ઉપરાંત અલ-નીનોનું દક્ષિણમાં ઓસિલેશન પણ એક કારણ છે."
ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ સ્કૂલ ઑફ સાયન્સના પ્રોફેસર જેમ્સ એમઇએ ગુજરાતના 35 વર્ષના વરસાદની પૅટર્નનો અભ્યાસ કરી તૈયાર કરેલા અહેવાલમાં પણ કહ્યું છે કે 'સમયાંતરે ગુજરાતમાં સરેરાશ એક સેન્ટિગ્રેડ તાપમાન વધ્યું છે, જેના કારણે ગરમીથી વરાળ બનવાનું પ્રમાણ 7% જેટલું વધ્યું છે આ એક પરિબળ પણ વરસાદની અનિયમિતતા માટે જવાબદાર છે.'
તો 2021ના ભારે વરસાદ પછી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ દ્વારા અહીંના રિસર્ચ ઍસોસિયેટ અંકુર શ્રીવાસ્તવે ગુજરાત સરકારને આપેલા રિપોર્ટમાં કહ્યું છે કે 'ગુજરાતમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે વરસાદની પૅટર્ન બની છે.'
'જેમ કે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ હોય છે તો ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ હોય છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નૈઋત્ય ચોમાસાનો સમય ઓછો છે તો દક્ષિણ ગુજરાતમાં વધુ છે.'
'છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિત 19 જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં વરાળથી વાદળ બનાવની જે પૅટર્ન હતી એમાં અસંતુલન પણ જોવા મળ્યું છે, જે વરસાદની અનિયમિતતાનું કારણ ગણી શકાય.'
પાક અંગે કૃષિ નિષ્ણાતો શું માને છે?
ગુજરાતમાં હાલમાં પડેલા ભારે વરસાદ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયેલાં છે. ખેડૂતો પણ તેમના પાક અંગે ચિતિંત છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ડીન ડૉ. યોગેશ પવારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, આ વરસાદનું પાણી ખેતરમાં ભરાઈ ન રહે તો ખેતીને મોટું નુકસાન નહીં થાય, કારણ કે ખેડૂત આ સિઝનમાં કપાસ, મગફળી જેવા પાક મેં મહિનાના અંતમાં વાવતા હોય છે.
"આ સમયે એ છોડ તૈયાર થઈ ગયા હોય છે. એટલે આ ભારે વરસાદ ખેતીને મોટું નુકસાન નહીં કરે પણ જો ખેતરમાં પાણી ભરાઈ ગયાં તો પાકનાં મૂળમાં સડો થવાને કારણે પાક નિષ્ફળ જઈ શકે છે."
તેમના મતે, "જો પાક તાજો વાવેલો હોય એમને મોટું નુકસાન થશે."
નિવૃત્ત સંયુક્ત કૃષિ નિયામક એમ.બી. ધોરાજિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, જો ખેતરમાં પાણી ન ભરાય તો કપાસના પાકને મોટું નુકસાન નહીં થાય.
તેઓ એમ પણ કહે છે, "પણ જો કપાસનો છોડ નાનો હશે અથવા પાણી ભરાયેલાં રહેશે તો નુકસાન થશે. કઠોળના પાકને ફાયદો થશે પણ જ્યાં પાણીથી ખેતરમાં વરસાદમાં ધોવાણ થયું હશે ત્યાં નુકસાન થાય છે."
તેમના મતે, "દક્ષિણ ગુજરાતમાં ડાંગરના ધરુંનું ધોવાણ થયું હશે એમને નુકસાન થશે. શાકભાજીના પાકોને નુકસાન થશે, ખેતરમાં ભારે વરસાદ પછી બે દિવસમાં પાણી ન ઊતરે અને ભરાઈ રહે તો કૃષિના પાકને નુકસાન થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.