ગુજરાત : નર્મદા નદીમાં દૂધ વહાવવા અને સાડીઓનાં વિસર્જન પર એનજીટીએ શું કહ્યું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ધાર્મિક આસ્થા અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતા નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ જણાવ્યું છે કે મોટા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં દૂધ રેડવું જોઈએ નહીં.

17 જુલાઈ, 2026ના રોજના આદેશમાં એનજીટીએ મધ્ય પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એસપીપીસીબી)ને નિર્દેશ આપ્યો હતો કે નદીને બિનજરૂરી પ્રદૂષણથી બચાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને આવી ઘટનાઓ પર નજીકથી નજર રાખવામાં આવે.

નર્મદા નદીમાં મોટી માત્રામાં દૂધ વહાવવા પર એક અરજી કરાઈ હતી અને તેના અનુસંધાને કોર્ટે આ વાત કરી હતી.

અરજદારે એ તર્ક આપ્યો હતો કે આટલી મોટી માત્રામાં નદીમાં દૂધ વહેવડાવવાથી પાણીની ગુણવત્તાને અસર પહોંચી શકે છે.

વિવાદ કેમ શરૂ થયો?

હકીકતમાં નર્મદા નદીનો એક વીડિયો વાઇરલ થયા બાદ નર્મદા નદીના 'પાણીની ગુણવત્તા' મામલે વિવાદ શરૂ થયો હતો.

મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નર્મદા નદીમાં 11,000 લિટર દૂધ અને 210 સાડીઓનું વિસર્જન કરવામાં આવ્યું હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

બાદમાં થયેલા વિવાદ પછી તપાસ કરવામાં આવી હતી અને વૈજ્ઞાનિક તપાસમાં નદીના પાણીની ગુણવત્તા પર તાત્કાલિક કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નથી.

જોકે નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી કે દૂધ એક જૈવિક પદાર્થ છે અને તેની મોટી માત્રા કોઈ પણ જળસ્રોત માટે પર્યાવરણીય રીતે યોગ્ય નથી.

એનજીટીએ એ પણ સ્વીકાર્યું કે હાલમાં દૂધ ચઢાવવા પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો અમલમાં નથી, પરંતુ આવી પ્રથાઓ ટાળવી મહત્ત્વની છે, ખાસ કરીને નદીઓ, તળાવો અને ઓછા પાણીનાં પ્રવાહવાળાં તળાવોમાં.

મીડિયા અહેવાલો 18 મે, 2026માં નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) અને મધ્ય પ્રદેશ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ જારી કરી હતી અને પુછાયું હતું કે શું દૂધ જેવા પદાર્થોને નદીઓમાં રેડવા અંગેના કોઈ નિયમો કે માર્ગદર્શિકા છે? અને જો ન હોય તો શું તેના માટે નવા નિયમો ઘડવાની જરૂર છે?

પાણીની વૈજ્ઞાનિક તપાસમાં શું સામે આવ્યું?

આ મામલામાં મધ્ય પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સંયુક્ત સમિતિએ 16 જુલાઈ, 2026ના રોજના તેના અહેવાલમાં જણાવ્યું હતું કે 'વૈજ્ઞાનિક તપાસ અને વિશ્લેષણના આધારે આ ઘટનાને કારણે નર્મદા નદી જેવી સતત વહેતી નદીમાં પાણીની ગુણવત્તા પર સીધી પ્રતિકૂળ અસર થઈ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેનું કારણ આ નદીના ઉચ્ચ પ્રવાહ ક્ષમતા, જળનું વધુ પ્રમાણ અને કુદરતી સ્વ-શુદ્ધીકરણ ક્ષમતાને ગણાવાયું હતું.'

જોકે, સમિતિએ સ્પષ્ટતા કરી હતી કે 'દૂધ એક જૈવિક પદાર્થ છે, જેના કારણે પાણીમાં ઑક્સિજનની ખતપ વધે છે. આથી તેને કોઈ મોટા જળસ્રોતમાં છોડવું એ પર્યાવરણીય રીતે યોગ્ય ન ગણી શકાય.'

અહેવાલમાં એમ પણ કહેવાયું હતું કે આવી પ્રવૃત્તિઓ તળાવો, સરોવરો, જળાશયો અથવા ઓછા પ્રવાહવાળા જળસ્રોતોમાં વધુ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે ત્યાં પાણીની કુદરતી રીતે શુદ્ધીકરણ અને પદાર્થો ઓગળવાની ક્ષમતા સીમિત હોય છે.

એનજીટીએ શું કહ્યું?

એનજીટીએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે 'ધાર્મિક વિધિઓમાં દૂધ ચઢાવવા પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો હાલમાં નથી. જોકે, ટ્રિબ્યુનલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે નદીઓમાં હજારો લિટર દૂધ રેડવા જેવી પ્રથાઓથી બચવું જોઈએ, કારણ કે પાણી સ્થિર હોય અથવા તેનો પ્રવાહ ઓછો હોય તો તેનાથી જળ પ્રદૂષણનું જોખમ વધી શકે છે.'

જોકે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)નો આ આદેશ નર્મદા નદીમાં દૂધ રેડવાના એક કેસ પૂરતો સીમિત નથી, તે દેશભરમાં ધાર્મિક માન્યતા અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત વિશે પણ એક મહત્ત્વના સંદેશ પર ભાર મૂકે છે.

એનજીટીએ કહ્યું કે 'અમારું માનવું છે કે હાલમાં એવો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી જે ધાર્મિક વિધિઓ દરમિયાન દૂધ અર્પણ કરવા પર પ્રતિબંધ મૂકતો હોય. સાથે જોડવામાં આવેલી પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા માત્ર ધાર્મિક મેળાવડાઓ યોજવા માટે સત્તાધિકારીની મંજૂરીની જોગવાઈ કરે છે, પરંતુ અહીં પ્રશ્ન ધાર્મિક મેળાવડા માટે મંજૂરી મેળવવાનો નથી, બલકે ધાર્મિક વિધિ દરમિયાન દૂધ અર્પણ કરવાનો છે.'

એનજીટી અનુસાર, નર્મદા નદીના કિનારે યોજાતા તમામ ધાર્મિક મેળાવડામાં આયોજકોએ સ્થાનિક વહીવટીતંત્રના સંકલનમાં રહીને જરૂરી વધારાની વ્યવસ્થાઓ કરવી પડશે, જેમાં કચરાના નિકાલ, સ્વચ્છતા, ભીડ વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ માટેની પૂરતી સુવિધાઓનો સમાવેશ થાય છે, જેથી નદી પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે.

આવા ધાર્મિક મેળાવડાઓ દરમિયાન દેખરેખ રાખવી જોઈએ અને ભવિષ્યમાં આટલી મોટી માત્રામાં દૂધ અર્પણ ન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. મધ્ય પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ બાબતે સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને કામ કરવું જોઈએ.

ટ્રિબ્યુનલે મધ્ય પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્રને મોટા ધાર્મિક કાર્યક્રમોનું નિરીક્ષણ કરવા, પૂર્વ પરવાનગી, નિયુક્ત ઘાટનો ઉપયોગ અને અસરકારક કચરા વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો.

એનજીટીએ જણાવ્યું હતું કે 'આસ્થાનું સન્માન જરૂરી છે, પરંતુ એ પણ જરૂરી છે કે આપણી ધાર્મિક પરંપરા નદીઓની સ્વચ્છતા અને પર્યાવરણની કિંમત પર ન નિભાવવી જોઈએ.'

નર્મદા નદી અમરકંટકમાંથી નીકળે છે અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વહે છે. તે ભરૂચ નજીક અરબ સાગરમાં ખંભાતના અખાતમાં ભળી જાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન