'પગે ફોલ્લા, આંખમાં પાણી અને ખરતા વાળ', ઊંટો હવે રણમાં જીવ બચાવવા કેમ મજબૂર થઈ ગયા?

    • લેેખક, નવીનસિંહ ખડકા
    • પદ, પર્યાવરણ સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ઊંટને આપણે રણના જહાજ તરીકે ઓળખીએ છીએ, પરંતુ આફ્રિકામાં હવે તાપમાન એટલું વધી ગયું છે કે ઊંટ માટે પણ ગરમી સહન કરવી મુશ્કેલ બની ગઈ છે.

ઉત્તર-પૂર્વ ઇથિયોપિયાનો અફાર પ્રાંત એ પૃથ્વી પરનો સૌથી ગરમ અને સૌથી સૂકો વિસ્તાર ગણાય છે, જ્યાં વિચરતા લોકોના સમૂહ ઊંટ પર મીઠું લાદીને રણ પસાર કરતા હોય છે.

અફારના સેમેરા ખાતે ઊંટનું ધણ ધરાવતા અલી ઉમરે બીબીસીને જણાવ્યું કે, "હું જોઉં છું કે મારાં ઊંટોને અત્યંત ગરમીમાં ખૂબ તકલીફ પડે છે."

40 વર્ષના અલી ઉમર પાસે લગભગ 500 ઊંટ છે. તેઓ કહે છે કે, "ઊંટના પગ પર ફોલ્લા થઈ જાય છે, આંખમાંથી પાણી વહે છે અને ગરમ રેતી તેમની ચામડીને દઝાડે છે. તેઓ બેઠા હોય ત્યારે તેમના વાળ ખરી પડે છે."

"છેલ્લા એક મહિનામાં મેં સખત ગરમીના કારણે ઊંટનાં આઠ નાનાં બચ્ચાં ગુમાવ્યાં છે. હવે ગરમી બહુ તીવ્ર અને મુશ્કેલ બનતી જાય છે."

તેઓ ઉમેરે છે કે, "અગાઉ પવન ફૂંકાતો ત્યારે ઠંડક મળતી હતી, પરંતુ હવે તે પણ ગરમી આપે છે."

તેમના કહેવા પ્રમાણે, તાપમાનમાં આ મોટો ફેરફાર તાજેતરનાં વર્ષોમાં જોવા મળ્યો છે.

ગરમીના કારણે ઊંટોના પ્રજનનને અસર

આફ્રિકામાં ઊંટ ખનિજસભર સરોવરોમાંથી કાપવામાં આવેલા મીઠાના ચોસલાંનું વહન કરે છે. અહીં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી પણ વધી શકે છે.

આવું નિરીક્ષણ કરનારા તેઓ એકલા નથી. વૈજ્ઞાનિકો, પશુકલ્યાણ માટે કામ કરનારા લોકો અને અન્ય અભ્યાસો પણ કહે છે કે અત્યંત ગરમીની સીધી અસર તરીકે ઊંટમાં સ્ટ્રેસ, થાક, ડિહાઇડ્રેશન અને બીમારીઓનું પ્રમાણ વધ્યું છે.

રણમાં તાપમાન વધવાના કારણે ઊંટ ઝડપથી પાણી ગુમાવે છે, વનસ્પતિ ઘટે છે અને છાંયડાવાળી જગ્યાઓ પણ ઓછી થતી જાય છે.

ઉત્તર આફ્રિકા અને 'હૉર્ન ઑફ આફ્રિકા'માં એક ખૂંધવાળાં ઊંટોની સંખ્યા સૌથી વધુ છે. અહીં દુનિયાના 80 ટકા ઊંટ વસવાટ કરે છે.

આટલાં વર્ષો દરમિયાન ખેડૂતો અને માલધારીઓ ધીમે ધીમે ઊંટ પાળવા તરફ વળ્યા છે, કારણ કે તે આકરી ગરમી અને દુષ્કાળની મુશ્કેલ સ્થિતિ સહન કરી શકે છે.

પરંતુ 2025માં સાઉથ ઇથિયોપિયામાં ઊંટનાં ધણ રાખનારાઓ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેમાં જાણવા મળ્યું કે ઊંચા તાપમાન અને આબોહવાના ફેરફારના કારણે ઊંટોની તબિયત લથડે છે.

તેમાં જણાવ્યા મુજબ, "ઉત્તરદાતાઓએ કહ્યું કે આબોહવાના ફેરફારના કારણે ઊંટની તંદુરસ્તી, ઉત્પાદકતા અને પ્રજનન પર માઠી અસર થઈ છે."

પડોશી દેશ સોમાલિયામાં તો સ્થિતિ વધારે ગંભીર છે. જૂનમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, અહીં દુષ્કાળના કારણે ઊંટોના મોતનું પ્રમાણ કટોકટીના સ્તરે પહોંચ્યું છે અને ઊંટ પાળતા 46 ટકા પરિવારોને તેની અસર થઈ છે.

આ અભ્યાસમાં પશુપાલન કરતા લગભગ 6000 પરિવારોને આવરી લેવાયા હતા. તે મુજબ ઉત્તર પ્રાંતમાં ઊંટોના મોતનું પ્રમાણ સૌથી વધારે હતું. સૂલ પ્રાંતમાં તો આ પ્રમાણ લગભગ 73 ટકા જેટલું હતું.

ખોરાક, પાણી અને પશુ ડૉક્ટરોની અછત

ઉત્તર-પૂર્વ કેન્યામાં પશુચિકિત્સક તરીકે કામ કરતા હસન નુયા ગુયો જણાવે છે કે, તેઓ જે વિસ્તારની દેખરેખ રાખે છે ત્યાં છેલ્લાં બે વર્ષમાં ઊંટોના મૃત્યુદરમાં 15 ટકાનો વધારો થયો છે.

અત્યંત ગરમી એ આ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત, પશુ ડૉક્ટરોની અને પશુવ્યવસ્થાપનની અપૂરતી સુવિધા પણ સ્થિતિને વધુ કપરી બનાવે છે એવું નિષ્ણાતોનું કહેવું છે.

વૈજ્ઞાનિકોના એક વિશ્લેષણ મુજબ 2021-22માં અહીં દુષ્કાળ માટે પણ ઊંચું તાપમાન જ જવાબદાર હતું. અત્યંત ગરમીના કારણે જમીન અને જળાશયોનાં પાણી સૂકાઈ જાય છે અને વનસ્પતિ બાષ્પ રૂપે પાણી છોડી દે છે.

પશુચિકિત્સકો કહે છે કે તેમણે હવે વધુ ઊંટોની સારવાર કરવી પડે છે તથા અત્યંત ગરમીના કારણે ઊંટોમાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.

ઉત્તર-પૂર્વ કેન્યામાં ઇથિયોપિયાની સરહદ નજીક માર્સાબિટ કાઉન્ટીના હસન નુવા ગુયો નામના વૅટેરિનરી ઑફિસર બીબીસીને જણાવે છે કે, "ઊંટોમાં હાઇપરથર્મિયા (શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધી જવું)ના કેસોમાં ભારે વધારો થયો છે. તેના કારણે તેમને એકથી વધુ ચેપ લાગે છે."

તેઓ કહે છે, "છેલ્લાં બે વર્ષમાં અમારા દેશમાં અતિશય ગરમીના કારણે ઊંટોનાં મોતમાં 15 ટકાનો વધારો થયો છે."

'હૉર્ન ઑફ આફ્રિકા'માં કરવામાં આવેલા બીજા એક અભ્યાસ પ્રમાણે, હવામાનમાં ફેરફાર અને હીટ સ્ટ્રેસના કારણે ઊંટોમાં બીમારીઓ વધી છે અને દૂધનું ઉત્પાદન ઘટ્યું છે.

આવી જ સ્થિતિ ઉત્તર આફ્રિકાની પણ છે. અલ્જિરીયામાં ચાલુ વર્ષે પ્રકાશિત એક અભ્યાસ મુજબ, ઉનાળાની હીટવેવ વખતે ઊંટોમાં મૃત્યુનું પ્રમાણ વધી ગયું છે.

તેમાં જણાવાયું છે કે, "ટાઇમ સિરીઝ વિશ્લેષણ દર્શાવે છે કે ઊંટોના મૃત્યુમાં એક મોસમી પેટર્ન રહેલી છે."

"ઉનાળાના મહિનાઓ જેવા જોખમી સમયગાળા દરમિયાન ચોક્કસ હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે, પાણીની વ્યવસ્થા, પૂરક ખોરાક અને બીમારીઓનું સતત મૉનિટરિંગ."

એક હદથી વધારે ગરમી જીવલેણ બની શકે

ઊંટ મુખ્યત્વે દિવસ દરમિયાન શરીરના તાપમાનમાં થોડા અંશોનો ફેરફાર થવા દઈને આશરે 40 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમીનો સરળતાથી સામનો કરી શકે છે.

વર્લ્ડ મિટિયોરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન (WMO)નું કહેવું છે કે, ઉત્તર આફ્રિકાના ઘણા દેશોમાં ભીષણ ગરમીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે અને 1981થી હીટવેવમાં સ્પષ્ટ વધારો થયો છે.

તે કહે છે કે 2024માં આ વિસ્તાર અને મધ્ય પૂર્વના ઘણા દેશોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે નોંધાયું હતું.

WMOના 'સ્ટેટ ઑફ ધ ક્લાઇમેટ ઇન આફ્રિકા 2025' રિપોર્ટ મુજબ,1981 અને 2025 વચ્ચે છ પેટાક્ષેત્રોમાં સૌથી વધુ ઝડપથી તાપમાન વધ્યું હતું. દર દાયકામાં 0.43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું હતું.

જાણકારોનું કહેવું છે કે ઊંટ 40 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી આસાનીથી સહન કરી શકે છે.

તેઓ બાહ્ય તાપમાનના હિસાબે દિવસભર પોતાના શરીરના તાપમાનમાં કેટલાક ડિગ્રીનો ફેરફાર કરીને આમ કરે છે.

આવું કરવાથી ઊંટને પરસેવો નથી આવતો. સાથે સાથે ઘટ્ટ પેશાબ અને સૂકા મળના કારણે તેઓ ઓછામાં ઓછું પાણી ગુમાવે છે, જ્યારે તેમની જાડી ચામડી તેમને સૂર્યના રેડિયેશનથી બચાવે છે.

યુએનના ફૂડ ઍન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશન (FAO) સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક મોહમ્મદ બેંગોમી જણાવે છે કે, "પરંતુ તાપમાન જ્યારે એક હદથી વધી જાય ત્યારે ઊંટને પણ હીટ સ્ટ્રેસનો અનુભવ થાય છે."

તેઓ ઊંટના આરોગ્યના નિષ્ણાત છે અને ઉત્તર આફ્રિકામાં કામ કરે છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે, "સહારાના ઘણા ભાગોમાં તાપમાન હવે ઘણી વખત 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું રહે છે."

"જેના કારણે ઊંટો પર આકરા હીટ સ્ટ્રેસનું જોખમ વધી જાય છે, ખાસ કરીને જ્યારે ઝાડ ઓછા હોય, પાણીની કમી હોય અને છાંયડો ન મળે ત્યારે."

સતત ઊંચા તાપમાનથી અવયવોને નુકસાન

અલ્જિરીયાની યુનિવર્સિટી ઑફ ઘારડાયાના પ્રોફેસર અબ્દેલમજિદ ચેહમાએ સહારાના રણના ઊંટો પર પ્રયોગો કર્યા છે. તેઓ પણ આવું જ માને છે.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "અમારો અભ્યાસ કહે છે કે રાત-દિવસ 41થી 45 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને રહેવાના કારણે તેમના કોષો પર સીધી અસર પડે છે."

તેઓ કહે છે, "તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, કારણ કે આવી ગરમી તેમના શ્વેત રક્તકણો અને અન્ય કોષોને સ્ટ્રેસના કારણે નુકસાન પહોંચાડે છે. તેમના કોષો પોતાને સુધારવા માટે સંઘર્ષ કરે છે જેમાં તેમનો નાશ થાય છે."

ઊંટો માટે ગરમી અસહ્ય બની જાય ત્યારે ચયાપચય ધીમું થઈ જાય છે, આંતરિક ગરમીનું ઉત્પાદન મર્યાદિત થઈ જાય છે જેથી તેઓ ખોરાક લેવાનું પ્રમાણ ઘટાડી દે છે. તેથી સુસ્તી અને સામાન્ય થાક આવે છે.

તેનાથી ઊંટોમાં દૂધના ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને પ્રજનનને લગતી સમસ્યાઓ ઊભી થાય છે.

પશુપાલકો પરંપરાગત પ્રદેશ છોડવા લાગ્યા

મોરોક્કોની કાસાબ્લાન્કા યુનિવર્સિટીના પ્રાણી જળજીવવિજ્ઞાન નિષ્ણાત પ્રોફેસર મોહમ્મદ અલ ખાસ્મી પાસે ઊંટો પર હીટ સ્ટ્રેસની અસરોની લાંબી યાદી છે, જેનું તેમણે અને તેમની ટીમે નિરીક્ષણ કર્યું છે.

તેમાં વજનમાં ઘટાડો, બળતરા, સ્નાયુઓ અને હાડકાં સંબંધિત બીમારીઓ, કિડનીની ખામીને કારણે રાસાયણિક અસંતુલન, પરોપજીવીઓ દ્વારા થતા ચેપી રોગો વગેરે અસરો શામેલ છે.

નિષ્ણાતો કહે છે કે અતિશય ગરમી એ મુખ્ય સમસ્યા છે. પરંતુ વનસ્પતિનો નાશ, પાણીની અછત, છાંયડો ન મળવો અને પશુ ડૉક્ટરોની સેવાનો અભાવ—આ બધી બાબતોના કારણે સમસ્યા વધુ ગંભીર બનતી જાય છે.

આ કારણે જ ઇથિયોપિયાના ઘણા પશુપાલકો પોતાના ઊંટોને ઉત્તરના પ્રદેશથી હટાવીને દક્ષિણ તરફ લઈ જાય છે, જ્યાં પાણી અને ઘાસચારો પ્રમાણમાં વધુ ઉપલબ્ધ છે.

ઇથિયોપિયાની વિઝન યુનિવર્સિટીના પ્રોફેસર અને પશુપાલકોના વિકાસ પર રિસર્ચ કરનારા ડેનિયલ ગેલન કહે છે કે, "પશુપાલકોનો આ મોસમી પ્રવાસ નથી."

"તેઓ કાયમ માટે ઉત્તરનો વિસ્તાર છોડી રહ્યા છે, કારણ કે ત્યાં અસહ્ય ગરમી અને દુષ્કાળના કારણે હવે તેઓ ઊંટને ઉછેરી શકે તેમ નથી."

'રોગચાળામાં મારા ઊંટ માર્યા જશે'

દુષ્કાળના કારણે સોમાલિયાના કેટલાક ભાગોમાં પાણીના ભાવ 2000 ટકા કરતાં પણ વધુ વધી ગયા છે.

ચેરિટી સંસ્થા ઑક્સફામ મુજબ, 'હૉર્ન ઑફ આફ્રિકા'માં 2020થી 2023 સુધી સૌથી લાંબો અને ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ત્યાર પછી સ્થિતિ સુધરી રહી હતી, પરંતુ હવે ફરીથી મુશ્કેલ સ્થિતિ પેદા થઈ છે.

તેમણે કહ્યું કે દુષ્કાળના કારણે સોમાલિયાના કેટલાક ભાગોમાં પાણીના ભાવ 2000 ટકા કરતાં પણ વધુ વધી ગયા છે.

અફારમાં ઢોરઢાંખર ચરાવતા ઉમર કહે છે કે તેમને બીક છે કે જો કોઈ રોગચાળો ફેલાશે તો ગમે ત્યારે તેમનાં પુખ્ત વયનાં ઊંટ પણ માર્યા જશે.

પ્રોફેસર ચેહમા મુજબ તેમની ચિંતા વાજબી છે.

તેમણે કહ્યું કે, "ઊંટ હજુ પણ પશુપાલકો માટે રણમાં બચી રહેવાની છેલ્લી કડી છે. પરંતુ હાલની ભીષણ ગરમીના કારણે તેમનાં જરૂરી કાર્યો પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. તેના કારણે આ ઐતિહાસિક રીતે મજબૂત પ્રાણી ક્લાઇમેટ ચેન્જનો શિકાર બની રહ્યું છે."

(બીબીસી અમ્હારિકના ફાયરહિવોટ કાસાના અતિરિક્ત રિપોર્ટિંગ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન