બે અજાણ્યા લોકોની કહાણી, જ્યારે મિત્રો બન્યાં ત્યારે જાણતાં નહોતાં કે બંને ભાઈ-બહેન છે

    • લેેખક, રોવન બ્રિજ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ડેવ ગ્રીન અને ઍન્ડ્રિયા આર્મસ્ટ્રોંગ માન્ચેસ્ટર ઍરપોર્ટ પર જુદા જુદા હોદ્દા પર કામ કરવા દરમિયાન પહેલી વખત મળ્યાં, ત્યારે તેમણે અનુભવ્યું કે તેમની વચ્ચે ગજબનું બૉન્ડિંગ હતું.

બેય અજાણ્યા લોકો કશું કહ્યા વિના જ એકબીજાની વાત સમજી જતાં હતાં અને જ્યારે સત્ય બહાર આવ્યું, ત્યારે તેઓ તે પાછળનું કારણ સમજી ગયાં.

ડેવ વાસ્તવમાં ઍન્ડ્રિયાના સાવકા ભાઈ હતા, જેમને બાળપણમાં અન્ય એક પરિવારે દત્તક લીધા હતા.

ઍન્ડ્રિયાએ બીબીસીને જણાવ્યું, "હું ધ્રૂજી રહી હતી. મારું હૃદય જોરજોરથી ધબકી રહ્યું હતું. આખરે મેં તેમને શોધી લીધા. આ માન્યામાં ન આવે તેવું છે."

2005માં ડેવ ઍરપોર્ટ બસ સ્ટેશનના મૅનેજર હતા, જ્યારે ઍન્ડ્રિયા ત્યાં વેન્ડિંગ મશીનોનું ધ્યાન રાખતાં હતાં. તે પછીનાં બે વર્ષમાં બંને સારાં મિત્રો બની ગયાં. તેઓ કામ પૂરું થયા પછી પણ એકબીજાને ફોન અને મેસેજ કરતાં હતાં.

ડેવના શબ્દો સાંભળીને ઍન્ડ્રિયાના અચંબાનો પાર ન રહ્યો.

ડેવના શબ્દો સાંભળીને ઍન્ડ્રિયાના અચંબાનો પાર ન રહ્યો

એક દિવસ, ફોન પર વાતચીત દરમિયાન ડેવે ઍન્ડ્રિયાને પોતાના જીવન વિશે કંઈક એવું કહ્યું, જેનો તેમણે પહેલાં કદીયે ઉલ્લેખ કર્યો ન હતો. ડેવે કહ્યું કે તેમને દત્તક લેવામાં આવ્યા હતા અને તેમના જન્મનું નામ સ્ટુઅર્ટ પ્રાઉડલવ હતું.

ઍન્ડ્રિયાએ કહ્યું, "ઘડીભર માટે હું સ્તબ્ધ થઈ ગઈ. એકાદ મિનિટ સુધી તો હું કશું બોલી જ ન શકી."

ઍન્ડ્રિયાની લગ્ન પહેલાંની અટક પ્રાઉડલવ હતી અને તેઓ જાણતાં હતાં કે તેમને એક ભાઈ હતો, જેને ઍન્ડ્રિયાના જન્મ પહેલાં દત્તક આપી દેવાયો હતો.

તેઓ કહે છે, "આ સાંભળીને મેં વિચાર્યું, આ એટલી સામાન્ય અટક નથી. આથી, તે જ મારો ભાઈ હોઈ શકે છે. મેં મારા પરિવાર સિવાય ક્યાંય કોઈને આ નામ કે અટકનો ઉપયોગ કરતા સાંભળ્યા નથી."

ઍન્ડ્રિયાએ તરત જ તેમનાં માતા સુઝાનને ફોન કર્યો અને પોતાના વર્ષોથી ખોવાઈ ગયેલા ભાઈની જન્મતારીખ પૂછી. તારીખ એ જ હતી — 24મી માર્ચ, 1966.

તે પછી તેમણે તરત જ ડેવને ફરી ફોન કર્યો.

ઍન્ડ્રિયાએ કહ્યું, "મેં તેમને કહ્યું, 'તે તમે જ હોઈ શકો છો, એ તમે જ હોઈ શકો છો. મારે અત્યારે ને અત્યારે જ તમને મળવું છે.' એ પછી હું પોતે જ ડેવને લેવા માટે ગઈ."

ડેવને નહોતી ખબર એના પરિવાર અંગે

બંને ભાઈ-બહેન કારમાં તેમની માતાના ઘર તરફ જઈ રહ્યાં હતાં, ત્યાં અચાનક જ ડેવનું ધ્યાન ગયું કે આ રસ્તો ક્યાં જઈ રહ્યો છે.

તે લોકો એ જ બસ રૂટ પરથી પસાર થઈ રહ્યાં હતાં, જ્યાં ડેવ ભૂતકાળમાં બસની કામગીરીનું સંચાલન કરતા હતા.

ડેવની જૂની નોકરીનો રૂટ તેમને જન્મ આપનારી માતાના ઘર પાસેથી અને બરાબર એ જ શાળા સામેથી પસાર થતો હતો, જ્યાં ઍન્ડ્રિયા ભણ્યાં હતાં.

અજાણતાં જ, ડેવ વર્ષો સુધી પોતાના પરિવારની બિલકુલ નજીક જ રહેતા હતા, પણ તેમને તેની જાણ સુધ્ધાં નહોતી.

ડેવનાં માતા સુઝાને કહ્યું હતું કે ઘણાં વર્ષો પછી પુત્ર સાથેનું મિલન અનિર્વચનીય/અવર્ણનીય અનુભવ હતો.

ઍન્ડ્રિયાએ કહ્યું હતું, "તે ક્ષણે સૌ કોઈની આંખોમાં આંસુ હતાં. એ પછી અમે સૌ એકમેકને ભેટી પડ્યાં."

તેમણે ઉમેર્યું હતું, "હું માની નહોતી શકતી કે મેં મારા ભાઈ અને મારી માતાને ફરી એક કરી દીધાં હતાં. તે ક્ષણ અત્યંત ખાસ હતી."

ઍન્ડ્રિયાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ નાનાં હતાં, ત્યારે તેમનાં માતાએ તેમને કહ્યું હતું કે તેમને એક ભાઈ હતો.

તેમની માતાએ કહ્યું હતું કે તેમના ભાઈને દત્તક આપી દેવાયો હતો અને પોતાનાં સંતાનો ન ધરાવનારી એક મહિલા તેમના ભાઈને ઊછેરી રહી હતી.

"તે જ ક્ષણે મેં વિચાર્યું કે હું મારા ભાઈને શોધી લઈશ, જેથી અમે ભાઈ-બહેન સાથે મળીને રમી શકીએ," એમ ઍન્ડ્રિયા જણાવે છે.

સુઝાનના જણાવ્યા પ્રમાણે, તેમણે તેમના પુત્રને શોધવા માટે સાલ્વેશન આર્મીની પણ મદદ લીધી હતી, પણ સફળતા મળી નહોતી.

ઍન્ડ્રિયાના જણાવ્યા અનુસાર, "મેં મારાં માતાને પૂછ્યું કે શું આપણે ભાઈને પાછા ન લાવી શકીએ? ત્યારે મારાં માતાએ કહ્યું કે એવું નહીં થઈ શકે. તે સમયે, મેં મારાં માતાને વચન આપ્યું હતું કે એક દિવસ હું મારા ભાઈને ચોક્કસ શોધી કાઢીશ."

હવે, આખરે બંને ભાઈ-બહેન એક થઈ ગયાં છે.

ઍન્ડ્રિયાએ કહ્યું હતું, "હું સમજણી થઈ, ત્યારથી જાણતી હતી કે તે મારી માતાની ઈચ્છા હતી. મેં મારી માતાની ઈચ્છા પૂરી કરી. મેં તેમને આપેલું વચન પાળ્યું."

સુઝાનના ઘરની દીવાલ પર ડેવનો બાળપણનો ફોટો લગાવેલો છે. ડેવને દત્તક લીધાના થોડા દિવસો બાદ પાલક માતા-પિતાએ તે ફોટો સુઝાનને મોકલ્યો હતો. આ જ ફોટો ડેવને દત્તક લેનારાં માતા-પિતાના ઘરમાં પણ લગાવેલો હતો.

ડેવ દસ વર્ષના હતા, ત્યારથી આ વિશે જાણતા હતા, કારણ કે પાલક માતા-પિતાએ તેમને તમામ દસ્તાવેજો બતાવ્યા હતા.

જોકે, તેઓ કહે છે કે તેમનું બાળપણ ઘણું આનંદમાં વીત્યું હતું અને તેમને કદી પોતાને જન્મ આપનારી માતાને શોધવાની ખાસ ઈચ્છા થઈ ન હતી.

ડેવ કહે છે, "મને કદી એવું નહોતું લાગ્યું કે મારે કોઈને શોધવા છે અથવા તો કોઈ સવાલ સતત મને સતાવી રહ્યો છે."

'મને એવું લાગ્યું કે જાણે લૉટરી લાગી ગઈ'

એકબીજાને શોધી કાઢવાં એ ત્રણેય માટે જીવન બદલી દેનારો અનુભવ હતો.

ડેવ કહે છે, "તે સમયે મારા જીવનમાં ઘણી ઓછી ખુશીઓ હતી. પછી મને સમજાયું કે મારી બેસ્ટ ફ્રેન્ડ મારી બહેન જ હતી."

તેમણે ઉમેર્યું હતું, "મેં મને જન્મ આપનારાં માતાને શોધી લીધાં, જેમને હું સાચા અર્થમાં આનંદ આપી શક્યો. વળી, મને મારો એવો પરિવાર મળી ગયો, જેના અસ્તિત્વથી હું સાવ અજાણ હતો."

તેમનાં માતા સુઝાનનું તાજેતરમાં જ અવસાન થયું હતું, પણ બંને ભાઈ-બહેનને એ વાતનો સંતોષ છે કે તેમનાં માતા તેમના પુત્રને ફરી મળી શક્યાં હતાં.

ઍન્ડ્રિયાએ તેમના ભાઈને કહ્યું હતું, "મા એ જાણવા માટે ઉત્સુક હતાં કે તેમનો દીકરો સારું જીવન જીવી રહ્યો છે કે નહીં."

ઍન્ડ્રિયા માટે આ પુનર્મિલન ખુશી અને પીડા, બંનેનો મિશ્ર અનુભવ રહ્યો હતો. તેઓ ઘણાં વર્ષોથી પોતાના ભાઈને શોધવા ઈચ્છતાં હતાં.

"દુર્ભાગ્યે, મારાં માતા-પિતા અલગ થઈ ગયાં. હું ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ. હું જાણતી હતી કે ડેવ ક્યાંક છે, પણ હું એ નહોતી જાણતી કે તે ક્યાં છે," એમ તેઓ કહે છે.

બંનેએ જણાવ્યું હતું કે હવે તેઓ કિડ્ઝગ્રોવ, સ્ટેફોર્ડશાયરના એક જ ઘરમાં સાથે રહે છે અને સાથે વિતાવેલી દરેક ક્ષણનો પૂરેપૂરો આનંદ ઉઠાવે છે.

તેઓ કહે છે કે એકબીજાને શોધી કાઢવાં એ "તેમના માટે લૉટરી લાગવા સમાન" હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન