You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
92 વર્ષની ઉંમરે પણ આ મહિલા ડૉક્ટર કેવી રીતે સર્જરી કરીને દર્દીઓનો ઇલાજ કરે છે
- લેેખક, બલ્લા સતીશ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
જરા યાદશક્તિને જોર આપો... તમે અત્યાર સુધીમાં કયા સૌથી અનુભવી ડૉક્ટરને મળ્યા છો? જેમણે આ ક્ષેત્રમાં 30 વર્ષ પસાર કર્યાં હોય... 30? 40? કે પછી 50 વર્ષ! પણ શું કદી તમે કોઈ એવા ડૉક્ટરને મળ્યા છો, જેઓ આ ક્ષેત્રનો લગભગ 70 વર્ષનો અનુભવ ધરાવતા હોય?
અહીં 70 વર્ષ એ ઉંમર નથી... બલ્કે, એમબીબીએસ કરી લીધા પછી... ચોક્કસ રીતે કહીએ તો, શું તમે કોઈ એવા ડૉક્ટરને જાણો છો, જેઓ 68 વર્ષ કરતાં વધુ સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા હોય? મને આવાં એક ડૉક્ટર મળ્યાં છે.
આવાં દુર્લભ ડૉક્ટર હૈદરાબાદમાં રહે છે. આ વયે, એટલે કે 92 વર્ષની વયે પણ આ ડૉક્ટર આજે પણ ઑપરેશન કરે છે.
1958માં એમબીબીએસની ડિગ્રી મેળવનારાં ડૉક્ટર સુરી શ્રીમતિ આજે પણ રોજિંદા ધોરણે દર્દીઓને તપાસી રહ્યાં છે અને જરૂર પડ્યે સિઝેરિયનનાં ઑપરેશન પણ કરે છે. એક તબીબ તરીકે તેઓ આજે પણ કોઈ યુવાન ડૉક્ટર જેટલાં જ કુશળ અને કાબેલ છે.
આજે જ્યારે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે, 90 વર્ષની વયે પહોંચતાં સુધીમાં જાતે ચાલવું અને પોતાનાં કાર્યો જાતે કરવાનું મુશ્કેલ બની જશે, ત્યારે આ લેખમાં આપણે જાણીશું કે, કેવી રીતે આ ડૉક્ટર આ ઉંમરે સ્ટેથોસ્કોપની મદદથી દર્દીઓની તપાસવાની સાથે-સાથે બ્લેડ વડે સર્જરી પણ કરે છે.
ડૉક્ટર આજે પણ તેમની કાર ખુદ હંકારીને હૉસ્પિટલ જાય છે. 92 વર્ષની જૈફ વયે પણ ડૉક્ટર સુરી શ્રીમતિની યાદશક્તિ કમજોર પડી નથી અને તેમના હાથ પણ ધ્રૂજતા નથી.
જોકે, મેં તેમને પૂછ્યું કે, શું આજે પણ ઑપરેશન કરતી વખતે તમારા હાથ ધ્રૂજે છે?
ત્યારે તેમણે જવાબ આપ્યો, "વણક્કમ, આ રહ્યા મારા હાથ. તમે જાતે જ જોઈ લો...'' એમ કહીને તેમણે મને તેમના હાથ બતાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ તેમણે કહ્યું કે, તમામ ડૉક્ટરોની માફક જ તેમને પણ દવાઓનાં નામ મોઢે છે.
એ ડૉક્ટર જેમણે દાદી, માતા અને પુત્રી, એ ત્રણ પેઢીની સારવાર કરી
તેમનાં સહકર્મી ડૉક્ટર રજની કુમારીએ ડૉક્ટર શ્રીમતિ વિશે વાત કરતાં બીબીસીને જણાવ્યું હતું, "તેમના હાથ જરા અમથાયે ધ્રૂજતા નથી. કદાચ આપણા હાથ ધ્રૂજી શકે, પણ... તેમના હાથ નહીં."
"તેઓ યોગ અને ધ્યાન કરે છે. નિયમબદ્ધ શિસ્ત, વ્યવસાય પ્રત્યેનું સમર્પણ, તણાવ ન લેવો અને યોગ. અને આહાર પણ ખરો."
"સમય આવ્યે તેઓ ઊંઘ્યા વિના પણ અવિરત કામ કરી શકે છે."
ડૉક્ટર શ્રીમતિનાં દર્દીઓમાં એવી મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેઓ ત્રણ પેઢીથી તેમની સારવારનો લાભ લઈ રહી છે.
ડૉક્ટરે કહ્યું હતું કે, તેમણે દર્દીઓની ત્રણેય પેઢીની સારવાર કરી છે - દાદી, માતા અને પુત્રી.
ડૉક્ટર કહે છે, "ઘણા લોકો તેમના બાળપણના ફોટા મને બતાવીને કહે છે કે, મારો જન્મ તમે કરાવ્યો હતો."
તેમની પાસે ડિલીવરી કરાવનારાં તુલસીએ બીબીસીને જણાવ્યું હતું કે, "તેઓ દર્દીઓની વાતને ધીરજપૂર્વક સાંભળે છે. તેઓ ચોવીસે કલાક ફોન પર ઉપલબ્ધ રહે છે."
"મેં જ્યારે પહેલી વખત તેમને જોયાં, ત્યારે મને થોડો ડર લાગ્યો હતો. તેઓ ઘણાં વૃદ્ધ ડૉક્ટર છે."
"આથી, મને નવાઈ લાગી હતી કે, તેઓ સિઝેરિયન ઑપરેશન બરાબર કરી શકશે કે કેમ."
તુલસીએ કહ્યું કે, "જોકે, નિયમિતપણે તેમની પાસે ગયા પછી, દર્દીઓના રિવ્યૂ જોયા પછી અને દર્દીઓને તપાસવાની તેમની પદ્ધતિ જોઈને મને વિશ્વાસ બેસી ગયો."
"સર્જરી દરમિયાન તેમની સાથે તેમનાં આસિસ્ટન્ટ્સ હોય છે, પણ મુખ્ય કામ તેઓ જ કરતાં હોય છે."
"જ્યારે મારી ત્રીજી ડિલીવરી વખતે ઇમર્જન્સી ઊભી થઈ, ત્યારે જ્યાં સુધી સમગ્ર પ્રક્રિયા હેમખેમ પૂરી ન થઈ ગઈ, ત્યાં સુધી તેમણે ચા સુદ્ધાં નહોતી પીધી."
તબીબી ક્ષેત્રમાં આવતાં પરિવર્તનો સાથે કદમ મીલાવવાં...
તબીબી વિજ્ઞાન એ ખૂબ ઝડપથી બદલાતું ક્ષેત્ર છે. નવી દવાઓ, નવાં સંશોધનો અને નવાં પરીક્ષણો સતત આવતાં જ રહેતાં હોય છે. ડૉક્ટર શ્રીમતિ કહે છે કે, તેઓ આ વિષય પર સ્વયંને સતત અપડેટેડ રાખતાં હોય છે.
તેમણે જણાવ્યું હતું, "હું મેડિકલ કૉન્ફરન્સમાં, મિટિંગોમાં જતી હોઉં છું. હું તબીબી સાહિત્ય અને જર્નલ્સ વાંચતી રહું છું."
"મેડિકલ પ્રતિનિધિઓ નવી દવાઓ રજૂ કરે છે. હું તાજેતરની પ્રગતિ વિશે શીખતી રહું છું."
સર્જરીમાં ડૉક્ટર શ્રીમતિની સાથે કામ કરતાં ગાયનેકોલૉજિસ્ટ અને ફેલો ફિઝિશ્યન ડૉક્ટર રજની કુમારી કહે છે, "મૅડમ વિશેની સારી બાબત એ છે કે, તેઓ હજુ પણ વર્તમાન સમયમાં આ વિષય પરના પ્રવાહો શીખે છે."
તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે કોઈ નવી તકનીકનું આગમન થાય છે, ત્યારે તેઓ તેને શીખવા માટે ઉત્સુક હોય છે."
"તેઓ દરેક દર્દીને પૂરતો સમય આપે છે. તેમના સવાલોના ધૈર્યપૂર્વક જવાબ આપે છે અને કદી ગુસ્સે થતાં નથી."
એક સરકારી ડૉક્ટર તરીકે તેમણે ફરજ બજાવી ત્યારે...
ડૉક્ટર સુરી શ્રીમતિએ 1958માં ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો. (તે સમયે તેઓ ઓસ્માનિયા મેડિકલ કૉલેજમાં જોડાયાં ન હતાં).
પછીથી તેમણે થોડા સમય માટે સરકારી ડૉક્ટર તરીકે કામ કર્યું અને પછી ગાયનેકોલૉજીમાં એમડી કર્યું. તેમણે લાંબા સમય સુધી હૈદરાબાદમાં કામ કર્યું છે.
ડૉક્ટર શ્રીમતિએ જણાવ્યા મુજબ, "મેં સરકારી મેટરનિટી હૉસ્પિટલ, ગાંધી હૉસ્પિટલ અને નિલોફર હૉસ્પિટલમાં કામ કર્યું હતું. તે ઉપરાંત મેં નિઝામાબાદ, કુર્નૂલ અને કરીમનગરની હૉસ્પિટલોમાં પણ કામ કર્યું હતું."
"તે પછી મેં દસ વર્ષ કરતાં વધુ સમય સુધી નિલોફર હૉસ્પિટલમાં સેવા આપી અને ત્યાંથી જ નિવૃત્ત થઈ."
તેમણે ઓસ્માનિયા, ગાંધી અને કુર્નૂલ મેડિકલ કૉલેજમાં પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી હતી.
"જ્યારે મેં એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો અને ડૉક્ટર તરીકે હું સંગારેડ્ડીની એક હૉસ્પિટલમાં જોડાઈ, ત્યારે મારો પહેલો કેસ 13-14 વર્ષની છોકરીનો હતો."
"મારી માતા મને એ જોવા માટે લઈ ગયાં હતાં કે, તે છોકરી ગર્ભવતી છે કે નહીં. મેં તેને તપાસી અને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે આઠ માસની ગર્ભવતી હતી. તે મારો પહેલો કેસ હતો."
"મેં તેને ઍનેસ્થેસિયા આપ્યું અને સિઝેરિયન ઑપરેશન કર્યું. ત્યાં હું જ સર્જન હતી, હું જ એનેસ્થેશિયોલૉજિસ્ટ હતી અને હું જ પિડિયાટ્રિશિયન (બાળ રોગ નિષ્ણાત) પણ હતી."
"કારણ કે, તે હૉસ્પિટલમાં બીજા કોઈ ડૉક્ટરો નહોતા. હાઉસ સર્જરીનો મારો અનુભવ ત્યાં કામે લાગ્યો."
હાલમાં ડૉક્ટર શ્રીમતિ હૈદરાબાદ ખાતે તેમના નિવાસસ્થાને જ પ્રેક્ટિસ કરે છે.
અત્યારે તેઓ દરેક ઓપીડી માટે 300 રૂપિયાનો ચાર્જ વસૂલે છે.
તેઓ કહે છે કે, જે દર્દીઓ ફી ચૂકવવા માટે સક્ષમ ન હોય, તેમની પાસેથી તેઓ ચાર્જ વસૂલતાં નથી.
ડૉક્ટર શ્રીમતિ જણાવે છે, "હું આ કામ કમાણી કરવા માટે નથી કરતી. મને સંતોષ છે કે, મેં જે પણ કમાણી કરી છે, તે કોઈને દુઃખ પહોંચાડ્યા વિના, પૂરા સંતોષ સાથે કરી છે. તે સંતોષ મારી પાસે છે."
જોકે, ડૉક્ટર શ્રીમતિએ સિઝેરિયન ઑપરેશનોની સંખ્યા ધીમે-ધીમે ઓછી કરી નાખી છે.
હવે તેઓ દર મહિને માત્ર ત્રણ-ચાર ઑપરેશનો જ કરે છે. અત્યારે, જ્યારે ડૉક્ટર શ્રીમતિ સિઝેરિયન ઑપરેશન કરતાં હોય, ત્યારે તેઓ અન્ય ગાયનેકોલૉજિસ્ટને આસિસ્ટન્ટ ડૉક્ટર તરીકે પોતાની સાથે રાખે છે. મુખ્ય સર્જિકલ પ્રક્રિયા તેઓ ખુદ જ કરે છે.
1988-91ની વચ્ચેના ગાળામાં ઓસ્માનિયા મેડિકલ કૉલેજમાંથી ગાયનેકોલૉજીમાં એમડી કરનારાં ડૉક્ટર રજની કુમારી પોતાની ખાનગી પ્રેક્ટિસ કરે છે અને ડૉક્ટર સુરી શ્રીમતિના કેસોમાં તેમને આસિસ્ટ કરે છે.
"હું 1986માં સિનિયર હાઉસ સર્જન તરીકે મૅડમ સાથે જોડાઈ હતી. ત્યારથી લઈને હું મૅડમ સાથે સંકળાયેલી છું."
ડૉક્ટર રજની કુમારીએ બીબીસીને જણાવ્યું હતું કે, "તેઓ જ એ શિક્ષિકા છે, જેમણે મને સર્જરી કરાવતાં શીખવ્યું. મોટી હૉસ્પિટલોમાં મારી ચાહે ગમે તેટલી ડિમાન્ડ હોય અને મારા માટે ગમે તેટલું કામ હોય, તો પણ હું પહેલી પ્રાથમિકતા ડૉક્ટર સુરી શ્રીમતિના કેસોને જ આપીશ."
"મારી આ નિષ્ઠા ત્યાં સુધી અકબંધ રહેશે, જ્યાં સુધી તેઓ છે અને જ્યાં સુધી હું છું."
જ્યારે ડૉક્ટર શ્રીમતિને પૂછવામાં આવ્યું કે, સાત દાયકા પહેલાં પહેલી વખત બ્લેડ પકડી, ત્યાર પછી આજની તારીખમાં ઑપરેશનોમાં શું ફેરફારો થયા છે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો, "ઑપરેશનની ટૅકનિક, ટાંકા લેવા માટેની સામગ્રી અને એનેસ્થેશિયા, આ બધાંમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. મેં પણ સમય સાથે તે પરિવર્તનોને અપનાવી લીધાં છે અને નવી તકનીકો શીખી છે."
સાથે જ તેમણે ત્યારથી લઈને તબીબી ક્ષેત્રમાં આવેલા ફેરફારો વિશે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, "તે સમયે, દર્દીઓ શ્રદ્ધાભાવ સાથે ડૉક્ટર પાસે આવતાં હતાં. હવે, મારા મત અનુસાર, તેઓ માગણી કરતાં હોય, એવા વલણ સાથે આવે છે. એવી સામાન્ય લાગણી અનુભવાતી હોય છે."
ડૉક્ટર રજની કુમારીએ આગળ જણાવ્યું હતું, "ઘણાં દર્દીઓને મૅડમ પર વિશ્વાસ છે. જે સમયે કોઈ સુવિધા ન હતી, તેવા દિવસોમાં મૅડમે ઘણું કામ કર્યું છે."
"એક તબક્કે તો અમે એક જ મહિનામાં 120 ડિલીવરી કરાવી હતી. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની સુવિધા ન હોય, તેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ અમે પ્રસૂતિ કરાવી છે."
"ઘણાં લોકો મૅડમની કાર્યદક્ષતા અને તેમની સૌમ્ય વાણીના કારણે તેમની પાસે આવે છે. નહિંતર, તેઓ મૅડમ પાસે પોતાનાં ઑપરેશનો કરાવવાં ન આવ્યાં હોત."
પિતા પાસેથી યોગ શીખ્યાં...
ડૉક્ટર શ્રીમતિના પિતા યોગ પ્રચારક હતા.
તેમણે દિલ્હીના ધીરેન્દ્ર બ્રહ્મચારી પાસેથી યોગનું શિક્ષણ મેળવ્યું હતું અને અવિભાજિત આંધ્ર પ્રદેશમાં યોગનો મોટાપાયે પ્રચાર કર્યો હતો. આમ, ડૉક્ટર સુરી શ્રીમતિ પણ નિયમિતપણે યોગાભ્યાસ કરતાં હતાં અને તેઓ આજે પણ યોગ કરે છે.
જ્યારે ડૉક્ટરને પૂછવામાં આવ્યું કે, તેઓ તબીબી ક્ષેત્રમાં કેમ આવ્યાં? ત્યારે ડૉક્ટર તરીકેની તેમની સફરની શરૂઆત વિશે વાત કરતાં તેમણે આ રસપ્રદ જવાબ આપ્યો હતો, "તે સમયે, મારાં માતા-પિતા મને જે પણ ભણવા માટે કહેતાં હતાં, તે હું ભણતી હતી. મારા પિતાએ મને મેડિસિનનો અભ્યાસ કરવા જણાવ્યું."
"આથી, મેં તે ક્ષેત્રનો અભ્યાસ કર્યો. તે જમાનામાં પ્રવેશ પરીક્ષાઓ નહોતી લેવાતી."
"મને મારા માર્ક્સના આધારે સીટ આપવામાં આવી હતી. હકીકતમાં, હું પીડિયાટ્રિક્સ (બાળરોગ નિષ્ણાત)નો અભ્યાસ કરવા માગતી હતી."
"પણ મારી બધી બહેનપણીઓ ગાયનેકોલૉજીના ક્ષેત્રમાં ગઈ અને મને પણ પોતાની સાથે લેતી ગઈ."
જોકે, ડૉક્ટર શ્રીમતિએ લગ્ન નહોતાં કર્યાં. આ માટેનું કારણ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું, "બસ ન થયાં..."
ડૉક્ટર સુરી શ્રીમતિના નાના ભાઈ ડૉક્ટર સુરી રામનાથ શાસ્ત્રીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "હું સાવ નાનો બાળક હતો, ત્યારથી મારાં બહેનને ડૉક્ટરના રૂપમાં જોતો આવ્યો છું. ઘણાં દર્દીઓ તેમની પાસે આવતાં હોય છે."
"દર્દીઓને તપાસવા માટેનો કોઈ નિશ્ચિત સમય નથી. જ્યારે પણ ઇમર્જન્સી કે તાકીદની જરૂરિયાત હોય, ત્યારે મારાં બહેન દર્દીઓને તપાસે છે."
ડૉક્ટર રામનાથ શાસ્ત્રી તેમનાં બહેન ડૉક્ટર સુરી શ્રીમતિ કરતાં 19 વર્ષ નાના છે અને તેઓ કેમિસ્ટ્રીના લેક્ચરર તરીકે નિવૃત્ત થયા છે.
ડૉક્ટર શ્રીમતિ હાલમાં પોતાના ભાઈ અને તેમના પરિવાર સાથે તેમના પૈતૃક ઘરમાં રહે છે.
મોટાં બહેન આટલી પાકટ વયે પણ આટલી મહેનત કરે છે, એ બાબત તેમને પસંદ ન હોવા છતાં, "મારામાં આ વિશે તેમને કશું કહેવાની હિંમત નથી. મારાં બહેનનું એનર્જી લેવલ અને તેમની નિષ્ઠા કંઈક અલગ જ છે."
ડૉક્ટર રામનાથ શાસ્ત્રી જણાવે છે કે, "જો કોઈને તાત્કાલિક ધોરણે સારવારની જરૂર હોય, તો તેવા વખતે હું તેમને એવું કેવી રીતે કહી શકું કે, તમે અહીં ન આવશો?"
આજે જ્યારે સમગ્ર વિશ્વ નિવૃત્તિ વિશે વાત કરી રહ્યું છે, ત્યારે તેઓ ઉંમરના નવમા દસકામાં પહોંચ્યા પછી હજુયે શા માટે કામ કરી રહ્યાં છે?
એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "જ્યાં સુધી ભગવાન મને ધીરજ આપશે, ત્યાં સુધી હું કામ કરતી રહીશ. જો હું જમવામાં બ્રેક ન લેતી હોઉં, તો મારે કામ કરવામાંથી શા માટે બ્રેક લેવો જોઈએ?"
ડૉક્ટર સુરી શ્રીમતિનાં આરોગ્યનાં રહસ્યો શું છે?
મેડિકલના વ્યવસાયમાં પ્રવેશવા માગતા લોકોને તેઓ સલાહ આપે છે, "ફીની પાછળ દોટ ન મૂકશો. તમારું કામ કરવાનું ચાલુ રાખો, બાકીનું સઘળું આપમેળે જ આવી જશે."
ઘણી વખત એવું કહેવામાં આવે છે કે, પહેલાંના જમાનાની મહિલાઓ ઘણાં બાળકોને જન્મ આપતી હતી, પણ આજની મહિલાઓમાં તે શક્તિ નથી રહી. પરંતુ, ડૉક્ટર શ્રીમતિ આ વાત સાથે સંમત નથી.
તેઓ કહે છે, "એવું નથી કે, આજની મહિલાઓ તેમ કરવા માટે સક્ષમ નથી. આપણી જવાબદારીઓ વધી ગઈ છે."
"તે સમય અને આજના સમયની શક્તિમાં કંઈ ખાસ ફર્ક નથી. કદાચ આહારમાં થોડો ફર્ક પડ્યો હોઈ શકે છે."
"પહેલાંના જમાનામાં લોકો કુદરતી ખોરાક આરોગતા હતા. લોકો પોતે પણ નિખાલસ હતા."
"જ્યારે આજે, બધી ચીજો રૂપકડી થઈ ગઈ છે, આધુનિક થઈ ગઈ છે. લોકો અને ખોરાક, બંને બદલાઈ ગયા છે."
"અને જીવનશૈલીમાં ફેરફાર થવાને લીધે આપણને ડાયાબિટીસ, ઘટી ગયેલી શારીરિક પ્રવૃત્તિ (બેઠાડુ જીવન), તણાવ અને ઓછી સહનશક્તિ જેવી સમસ્યાઓ જોવા મળે છે."
તેમણે કહ્યું હતું કે, મહિલાઓમાં તબીબી ક્ષેત્ર તથા આરોગ્ય વિશેની જાગૃતિમાં વધારો થયો છે અને ભૂતકાળની તુલનામાં તેમના માટે માહિતી, તકો તથા સુવિધાઓ ઉપલબ્ધ બની છે.
ડૉક્ટર સુરી શ્રીમતિના જણાવ્યા અનુસાર, "આટલાં વર્ષોની સફરને એક જ શબ્દોમાં સમેટીને વ્યક્ત કરવી હોય તો... આનંદ અને સંતોષ."
ડૉક્ટર સુરી શ્રીમતિએ જણાવેલાં આરોગ્યનાં રહસ્યોઃ
તેમણે જણાવ્યું હતું કે, "રોજ સવારે વહેલા ઊઠો અને યોગ તથા પ્રાણાયામ કરો. હું ક્યારેક ટીવી જોઉં છું."
સવારની તાજી હવામાં પ્રાણાયામ કરવા જોઈએ. તેના લીધે શરીરને ઓક્સિજન મળે છે અને શરીર આખો દિવસ સક્રિય રહે છે.
તમે એવો કોઈપણ ખોરાક આરોગી શકો છો, જે સરળતાથી પચી જાય. તળેલો કે ભૂંજેલો કોઈપણ ખોરાક પોષણયુક્ત નથી હોતો. હા, તેનાથી જીભને આનંદ જરૂર મળે છે.
સમયસર ભોજન લો અને સમયસર સૂઈ જાવ. શરીરના સ્વાસ્થ્ય માટે વિટામિન ડી અને કેલ્શિયમ અત્યંત જરૂરી છે.
અમારા જમાનામાં, અમે બહાર રમવામાં આવતી રમતો, ઘરનાં કામો અને રસોઈને લીધે સૂર્યનાં કિરણોના સંપર્કમાં આવતા હતા. અમે નિશાળે અને કૉલેજ ચાલીને જતાં હતાં. એ રીતે અમારું શરીર પણ હરતું-ફરતું રહેતું હતું. જ્યારે અત્યારે, શરીરનું હલન-ચલન ઘણું જ ઓછું થઈ ગયું છે.
સૂર્ય પ્રકાશ સાથે સંપર્ક થવો જોઈએ અને નિયમિતપણે વ્યાયામ કે શારીરિક પ્રવૃત્તિ થાય, એ પણ જરૂરી છે.
બહારનું ભોજન ન લેવું જોઈએ, સમયસર ભોજન આરોગવું જોઈએ અને પૂરતો આરામ કરવો જોઈએ. આરામનો રોજિંદો સમય પણ નક્કી જ હોવો જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.