You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દબાણ સામે 'ક્યારેય ન ઝૂકનારા' મોદીએ કેમ રાજીનામું લેવા મજબૂર થઈ જવું પડ્યું?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
નરેન્દ્ર મોદીએ પોતાની રાજકીય કારકિર્દીમાં નિષ્ફળતા નહીં બરાબર જ જોઈ છે.
ઑક્ટોબર 2001માં મોદી ધારાસભ્ય પણ નહોતા અને ભાજપે તેમને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવી દીધા હતા.
મુખ્ય મંત્રી બન્યા પછી મોદીએ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ ફેબ્રુઆરી 2002માં રાજકોટ – 2 વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી જીત્યા હતા. એ ચૂંટણી નરેન્દ્ર મોદીના રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી હતી.
એ ચૂંટણીમાં તેમની જીત 14,700 મતોની સરસાઈથી થઈ હતી. મોદી મે 2014 સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા અને પછી વડા પ્રધાન બની ગયા.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની પ્રથમ વખત અને ભારતમાં 1984 પછી પહેલી વખત પૂર્ણ બહુમતી ધરાવતી સરકારની રચના થઈ.
2019ની સામાન્ય ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની ટોચે હતી કારણ કે તેમના નેતૃત્વમાં ભાજપ 303 બેઠકો જીત્યો હતો, જે 2014ની 282 બેઠકો કરતાં વધારે હતી. વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓમાં મોદીની પકડ ઢીલી પડી અને ભાજપ 240 બેઠકો પર સમેટાઈને રહી ગયો.
વર્ષ 2001થી અત્યાર સુધી નરેન્દ્ર મોદીના રાજકારણને જોઈએ તો સત્તા ખૂબ જ કેન્દ્રિકૃત રહી છે. વિરોધપક્ષનું દબાણ નહીં જેવું જ રહ્યું છે.
એવી ગણીગાંઠી ઘટનાઓ જ છે, જ્યારે નરેન્દ્ર મોદીને પોતાના પગલાંથી પીછેહઠ કરવી પડી હોય. વર્ષ 2002ના ગુજરાતના રમખાણોમાં ખૂબ જ દબાણ હતું કે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપે, પરંતુ એ દબાણ એ હદ સુધી પહોંચી શક્યું નહોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેન્દ્ર મોદીના 'આભામંડળ'ને પડકાર
જોકે 37 વર્ષો સુધી દિલ્હીના જંતર મંતર પર ચાલેલા જેન ઝી ના આંદોલનથી મોદીના આભામંડળ (ઑરા)ને અઘરો પડકાર મળ્યો અને તેમના શિક્ષણમંત્રીએ રાજીનામું આપવું પડ્યું. મોદીના મંત્રી બહારના દબાણ હેઠળ આવીને રાજીનામું આપે એ ઘટના તેમના રાજકારણની શૈલી સાથે મેળ નથી ખાતી.
તેને વડા પ્રધાન મોદી અને તેમના સત્તારૂઢ ભારતીય જનતા પક્ષની રાજકીય સ્થિતિ માટે એક મોટા આંચકા તરીકે જોવામાં આવી રહ્યો છે.
થોડ જ સમયમાં તેમણે ઉત્તર પ્રદેશ વિધાનસભાની મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓનો સામનો કરવાનો છે, જેમાં યુવાનો માટે રોજગારનો મુદ્દો એ મોટી સંખ્યા ધરાવતા મતદાતાઓની મુખ્ય ચિંતા છે. આ ઉપરાંત પંજાબ અને ઉત્તરાખંડમાં પણ ચૂંટણીઓ છે.
'નરેન્દ્ર મોદી: ધ મૅન, ધ ટાઇમ્સ' પુસ્તકના લેખક નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "આ મોદીની બહુ મોટી હાર છે. આ તેમની એક કડક, જનપ્રિય અને મ જબૂત નેતા તરીકે ઘડવામાં આવેલી છબિ માટે પણ એક મોટો ઝાટકો છે."
20 જુલાઈના દિવસે જ્યારે પોલીસે વિદ્યાર્થીઓને સંસદ ભવન તરફ કૂચ કરતાં રોકવા માટે તેમના પર ટીયરગૅસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો ત્યારે લગભગ એક મહિના પહેલા શરૂ થયેલું આ આંદોલન ઉગ્ર બની ગયું.
આ હિંસાની તસવીરો ઝડપથી સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં ફેલાઈ ગઈ. ત્યાર બાદ સામાન્ય લોકોમાં વિદ્યાર્થીઓ માટે વ્યાપક સહાનુભૂતિની લાગણી જન્મી. બૉલિવૂડના ઘણા કલાકારોએ પણ તેમનું સમર્થન કર્યું, જ્યારે પોલીસની કાર્યવાહીની ચોતરફ ટિકા થઈ
વિરોધ પક્ષના સંસદસભ્યો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં ઊતરી આવ્યા. તેમણે શિક્ષણમંત્રીના રાજીનામાની માગણી કરી અને સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો. અઠવાડિયાના અંત સુધીમાં આ આંદોલન પટના, મુંબઈ, અને કોલકાતા સહિત દેશના ઘણાં મોટાં શહેરોમાં ફેલાઈ ચૂક્યું હતું અને હજારો યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા હતા.
શું મોદીના સમર્થકો જ વિરોધી બની ગયા?
શનિવારે જંતર મંતર પર જ્યારે શિક્ષણમંત્રીના રાજીનામાના સમાચાર પહોંચ્યા, ત્યારે વિદ્યાર્થીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ. કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે દેશનો યુવાન હવે જાગી ગયો છે અને તે આગળ પણ પરિવર્તન માટે સંઘર્ષ ચાલુ રાખશે.
આવું પહેલી વખત નથી થયું જેમાં મોદી સરકારે જનતાના દબાણ આગળ ઝૂકવું પડ્યું હોય.
વર્ષ 2021માં પણ ઉત્તર ભારતના હજારો ખેડૂતો દ્વારા મહિનાઓ સુધી ચાલેલા દીર્ઘ આંદોલન બાદ સરકારે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા હતા. પરંતુ આ વખતે આંદોલનકર્તાઓએ થોડા દિવસોમાં જ સરકારને પીછેહઠ કરવા મજબૂર કરી દીધી.
વિશ્લેષકો અનુસાર મોદી માટે આથી વધુ ચિંતાની વાત એ છે કે આંદોલનકર્તાઓનો ગુસ્સો હવે માત્ર પેપર લીક સુધી જ મર્યાદિત નથી રહ્યો.
આ આંદોલનમાં વ્યાપક અસંતોષ જોવા મળ્યો, જેમાં ગ્રૅજ્યુએટ યુવાનોમાં વધતી બેકારી અને દેશમાં 37 કરોડની વસતી ધરાવતા યુવાનો માટે સમ્માનજનક વેતન ધરાવતી નોકરીઓની ઉણપ જેવા મુદ્દા પણ સામેલ છે.
યૅલ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાના અધ્યયનના અધ્યાપક સુશાંત સિંહે બ્રિટિશ અખબાર ફાઇનેન્શિયલ ટાઇમ્સને કહ્યું, "આ પ્રદર્શનોનું નિશાન હવે મોદી બની ગયા છે. આ ભીડમાં મોટી સંખ્યામાં એવા લોકો હતા, જેમણે મોદીને મત આપ્યા હતા. મોદીએ તેમને ખૂબ વચનો આપ્યાં હતાં. મને લાગે છે કે તેમને લાગી રહ્યું છે કે મોદીએ તેમના વિશ્વાસને તોડ્યો છે અને એમને આપેલા વચનો પૂરાં નથી કર્યાં."
આ વર્ષે અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના યૂથ લેબર માર્કેટ સ્ટડી રિપોર્ટ અનુસાર 15થી 25 વર્ષના વયજૂથના લગભગ 40 ટકા સ્નાતકો બેકાર છે. જેમની પાસે રોજગારી છે, તેમાં પણ માત્ર એક નાનો હિસ્સો જ નિયમિત વેતન આપતી નોકરીઓનો છે અને તેનાથી પણ ઓછા લોકોને સામાજિક સુરક્ષા (પ્રોવિડન્ટ ફંડ, વીમો, આરોગ્ય વીમો વગેરે) જેવી સુવિધાઓ મળે છે.
ચૂંટણી પર પણ અસર થશે?
નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "મને લાગે છે કે ભાજપ સમજી જ ન શક્યો કે યુવાનોને કેવી રીતે પહોંચી વળવું. આ પેઢી ભાજપને હવે અણિયાળા પ્રશ્નો પૂછી રહી છે અને ડરવાનો ઇનકાર કરી રહી છે. મેં પહેલી વખત 16, 17, 18 અને 19 વર્ષના યુવાનોને વડા પ્રધાન, સિનિયર મંત્રીઓ અને સરકાર સામે આટલો ગુસ્સો જોયો છે."
"મેં પહેલાં ક્યારેય કોઈ ભારતીય વડા પ્રધાન સામે આ પ્રકારનો આક્રોશ નથી જોયો. ઇમર્જન્સી પછી ઇંદિરા ગાંધીની મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ આ પ્રકારે નહીં. યુવાનો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, 'જ્યારે જ્યારે મોદી ડરે છે, હિન્દુ-મુસ્લિમ કરે છે.' આ બધું મેં પહેલીવાર જોયું."
યુવાનોના આ પડકારો છતાં એવું માની લેવું જોઈએ કે મોદી રાજકીયરૂપે નબળા પડી રહ્યા છે?
માત્ર બે મહિના પહેલાં જ ભાજપે ભારતના વસતીની દૃષ્ટિએ ચોથા સૌથી મોટા રાજ્ય પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત વિજય મેળવ્યો.
આગામી લોકસભા ચૂંટણીઓ 2029માં યોજાશે, એટલે મોદી પાસે મતદારો ફરી એકવાર જતા પહેલાં યુવાનોની નારાજગી ઓછી કરવાનો પૂરતો સમય છે.
નરેન્દ્ર મોદી યુવાનોની નારાજગી ઘટાડી શકશે?
નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે સમય તો છે, પણ સરકાર હજી પણ ગંભીર જણાતી નથી.
તેઓ કહે છે, "ધર્મેન્દ્ર પ્રધાનની બદલે મોદીએ શિક્ષણ વિભાગની જવાબદારી જેમને આપી છે, આ પગલું એમની ગંભીરતા નથી દર્શાવતું. જે વ્યક્તિને શિક્ષણ સચિવ બનાવવામાં આવી છે, એમાં પણ એમની ગંભીરતા નથી દેખાતી. આ બન્ને પર ઘણા પ્રકારના ગંભીર આરોપો છે."
યૅલ યુનિવર્સિટીના સુશાંત સિંહે એફટીને કહ્યું, "ભારતના આર્થિક મૉડેલ બાબતે ઘણા એવા સવાલો છે, જેનો જવાબ આપવો જરૂરી છે, ખાસ કરીને એટલા માટે કેમકે મોદી આટલા લાંબા સમયથી સત્તા પર છે. ઊંચા અને આર્થિક વિકાસ દરના આંકડા અત્યાર સુધીના એ પ્રકારની રોજગારીની તકો, સામાજિક પ્રગતિ અને આર્થિક ઉન્નતિમાં નથી પરિણમ્યા, જેટલી એની ભારતને જરૂર છે."
આ આંદોલને ભારતની શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ વિશે આંતરિક અસંતોષ હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
લગભગ સાત ટકાના આર્થિક વિકાસ દરે ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહેલાં અર્થતંત્રોમાં સામેલ તો કરી દીધો છે, પરંતુ દર વર્ષે વર્કફોર્સમાં સામેલ થઈ રહેલા લાખો ગ્રેજ્યુએટ્સ માટે પૂરતી રોજગારીના સર્જનમાં દેશ હજી પણ સંઘર્ષ કરી રહ્યો છે.
રાજકીય વિજ્ઞાની રામૂ મણિવન્ને અમેરિકાની મીડિયા સંસ્થા બ્લૂમબર્ગને જણાવ્યું, "હજી એ સ્પષ્ટ નથી કે વિરોધ પક્ષો, ખાસ કરીને રાહુલ ગાંધીની કૉંગ્રેસ, રસ્તા પર જોવા મળેલા આ ગુસ્સાને ચૂંટણીમાં જીતમાં બદલી શકશે કે નહીં."
તેમણે કહ્યું કે તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપની મોટી જીત, એ દર્શાવે છે કે આ મામલે પીછેહઠ કરવા છતાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ હજી પણ વિરોધપક્ષ પર મજબૂત સરસાઈ ધરાવે છે.
મણિવન્નન મદ્રાસ યુનિવર્સિટીના રાજનીતિ અને જાહેર વહીવટ વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું, "વિદ્યાર્થીઓ વિરુદ્ધ થયેલા આંદોલ અને પોલીસની હિંસાએ સરકારને લોકપ્રિયતા ઘટાડી દીધી છે. નરેન્દ્ર મોદીને રાજકીય રીતે અલગ કરી દીધા અને સ્વબચાવની સ્થિતિમાં મૂકી દીધા છે."
ભારતના યુવાનો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. દેશનાં કુલ બેરોજગારમાં દર પાંચમાંથી ચાર લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના છે. એનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર નિરક્ષરોની તુલનામાં નવ ગણો વધુ છે.
બીજી તરફ વાસ્તવિક મજૂરી લગભગ સ્થિર છે. સરકારી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ અપેક્ષિત પરિણામો નથી આપી શક્યા. છેલ્લા એક દાયકામાં જે 1.6 કરોડ લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે, તેમાંથી માત્ર 15 ટકાને જ રોજગારી મળી છે.
ભારતની પ્રતિષ્ઠિત આઈટી કંપનીઓ પણ એન્જિનિયરોની છટણી કરી રહી છે અને નવી ભરતીઓ રોકી રહી છે. નાણાકીય વર્ષ 25-26ના પ્રથમ નવ મહિનામાં આ ક્ષેત્રની પાંચ સૌથી મોટી કંપનીઓએ કુલ મળીને 17 નવા કર્મચારીઓની ભરતી કરી છે.
છેલ્લા એક દાયકાથી યુવાનોના સહારે જ મોદીએ પોતાનો રાજકીય આધાર તૈયાર કર્યો હતો. એમણે દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું, 100 નવાં શહેર વસાવવાનું, માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવાનું, ભ્રષ્ટાચાર ખતમ કરવાનું અને એક નવો મધ્યમ વર્ગ તૈયાર કરવા જેવાં વચનો આપ્યાં હતાં. પરંતુ 12 વર્ષ પછી આ વચનો વિશે હવે સવાલ પૂછી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન