You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીડી ચઢતી વખતે કે ચાલતી વખતે શ્વાસ ચઢવો કઈ બીમારીનું લક્ષણ છે?
- લેેખક, ઓમકાર કરંબેળકર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
સીડી ચડતી વખતે કે ઝડપથી ચાલતી વખતે શ્વાસ ચડવો એ ઘણા લોકો માટે સામાન્ય બાબત છે. ઉંમર વધવાની સાથે, વધુ વજન, વ્યાયામનો અભાવ કે પછી નબળી શારીરિક તંદુરસ્તીને લીધે અમુક અંશે શ્વાસ ફૂલવો સામાન્ય પણ છે.
જોકે, જો તમને અગાઉ સરળતાથી થઈ જતાં હોય તેવાં કાર્યો કરતી વખતે કે થોડી જ મહેનત કરવાથી પણ અચાનક જ શ્વાસ ચડવા માંડતો હોય, કે પછી જો આ સમસ્યા ધીમે-ધીમે વધી રહી હોય, તો માત્ર વધતી ઉંમર કે થાકનું પરિણામ ગણીને તેની અવગણના કરવી જોખમી નીવડી શકે છે.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, શારીરિક પરિશ્રમ કરવા દરમિયાન શ્વાસ ચડવો એ હૃદયની બીમારી, ફેફસાંની બીમારી, લોહીની ઉણપ (એનેમિયા), થાઇરોઇડની સમસ્યા કે આરોગ્યની અન્ય કોઈ સમસ્યા હોઈ શકે છે.
ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને ડાયાબિટીસના દર્દીઓને શ્રમ કરતી વખતે શ્વાસ ચડવો એ છાતીમાં દુખાવો થતાં પહેલાં હૃદયની બીમારીનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે.
તે ઉપરાંત, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, ઊંચું કોલેસ્ટરોલ, મેદસ્વીતાથી પીડાતા કે ધૂમ્રપાનની આદત ધરાવતા લોકોએ આ લક્ષણને વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે.
જો કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની સાથે છાતી જકડાઈ જવી, ચક્કર આવવા, હૃદયના ધબકારા અનિયમિત થઈ જવા, પરસેવો વળવો કે પગમાં સોજા ચડવા જેવાં લક્ષણો દેખાય, તો તાત્કાલિક ધોરણે તબીબી સહાય મેળવવી જરૂરી છે.
શ્વાસ ચઢવાના કારણનું નિદાન કેવી રીતે થાય છે?
સીડી ચડતી વખતે કે ચાલતી વખતે શ્વાસ ચડવા પાછળનું સાચું કારણ ફક્ત લક્ષણોના આધારે નક્કી કરી શકાતું નથી.
હૃદયની બીમારી, ફેફસાંની બીમારી, એનેમિયા, થાઇરોઇડની સમસ્યા, મેદસ્વીપણું, કિડનીની બીમારી અથવા તો અમુક વખત માનસિક તણાવ પણ તેમાં ભાગ ભજવી શકે છે. આથી, ચોક્કસ નિદાન થાય એ માટે વિગતવાર મેડિકલ હિસ્ટ્રી અને આવશ્યક ટેસ્ટ્સ કરાવવા જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરૂઆતના તબક્કામાં સામાન્યપણે બ્લડ પ્રેશર પર દેખરેખ, ઇસીજી, છાતીનો એક્સ-રે અને વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ્સ કરવામાં આવે છે. તે સિવાય, હિમોગ્લોબિનનું લેવલ, બ્લડ શુગર, થાઇરોઇડ પ્રોફાઇલ, કિડની અને લીવરના આરોગ્યનું ટેસ્ટિંગ પણ કરી શકાય છે.
જો હૃદયની સમસ્યાની શંકા હોય, તો ઇકોકાર્ડિયોગ્રાફી, ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ અથવા તો સીટી કોરોનરી એન્જિયોગ્રાફી જેવા ટેસ્ટ્સની ભલામણ કરવામાં આવી શકે છે. અમુક કિસ્સાઓમાં ફેફસાંની કાર્યક્ષમતા ચકાસવા માટેના ટેસ્ટ્સની જરૂર પણ પડી શકે છે.
નિષ્ણાતોના મત પ્રમાણે, અચાનક જ શ્વાસ ચડવા માંડવો, ઝડપથી સ્થિતિ કથળવી અથવા તો આરામ કર્યા પછી પણ શ્વાસ ચડવાની સ્થિતિ ચાલુ રહેવી એ ગંભીર ચેતવણીનો સંકેત હોઈ શકે છે. આવા સંજોગોમાં, વહેલું નિદાન અને વહેલો ઉપચાર હૃદયની બીમારી, હાર્ટ ફેઇલ્યોર કે અન્ય ગંભીર જટિલતાઓનું નિવારણ કરવામાં ઉપયોગી બની શકે છે.
નિદાનનું મહત્ત્વ
જો તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા માંડે, તો તેને અવગણશો નહીં. પણ સાથે જ, જાતે જ કોઈ અનુમાન પણ ન લગાવી લેશો. આવી સ્થિતિમાં ટેસ્ટ કરાવી લેવો આવશ્યક છે.
શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે, ઉદાહરણ તરીકે, સીડી ચડતી વખતે જો શ્વાસ ચડવા લાગે, તો ચોકસાઈપૂર્વકનું નિદાન એ તેનું કારણ જાણવા માટેનું પ્રથમ પગલું છે. જો આ સમસ્યા નવી-સવી જ હોય, ધીમે-ધીમે વધી રહી હોય કે પછી શારીરિક શ્રમ વધવા સાથે વધુ વકરતી હોય, તો તેવી સ્થિતિમાં નિદાન ઘણું મહત્ત્વનું બની રહે છે.
આ સમસ્યામાં ટેસ્ટની આવશ્યકતા વિશે જાણકારી મેળવવા માટે અમે મુંબઈસ્થિત ન્યુબર્ગ અજય શાહ લૅબોરેટરીના મૅનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર અજય શાહ સાથે વાત કરી હતી.
તેમણે સમજાવ્યું હતું, "કોઈ બીમારીનું નિદાન કરતી વખતે, અમે સૌપ્રથમ દર્દીની વિગતવાર મેડિકલ હિસ્ટ્રી તપાસીએ છીએ. તેમાં શ્વાસ ચડવાના સ્વરૂપ, અવધિ અને ગંભીરતાને લગતી માહિતીનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અમે છાતીમાં દુખાવો, ધબકારા વધી જવા, ખાંસી, શ્વાસમાં સિસોટી જેવો અવાજ આવવો, નબળાઈ (કમજોરી) અને પગમાં સોજા ચડવા જેવાં આનુસંગિક લક્ષણો વિશે પણ તપાસ કરીએ છીએ. વધુમાં, દર્દીની જીવનશૈલીની આદતો અને અન્ય બીમારીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે."
છાતી જકડાઈ જવી, દુખાવો, ચક્કર આવવા કે પરસેવો વળવો જેવાં લક્ષણો હૃદયની બીમારીનો સંકેત હોઈ શકે છે.
"શારીરિક તપાસ પણ સમસ્યાનું કારણ જાણવા માટે અગત્યની કડીઓ પૂરી પાડી શકે છે. નિદાન કરતી વખતે અમારું કામ ડૉક્ટરોને સમસ્યાનું કારણ સમજવામાં મદદરૂપ થવાનું અને તેમને નિદાન સુધી પહોંચવામાં મદદ કરવા માટે યોગ્ય ટેસ્ટની ભલામણ કરવાનું છે."
પ્રારંભિક તબક્કામાં કરવાના રહેતા ટેસ્ટ્સ વિશે પૂછવામાં આવતાં ડૉક્ટર અજય શાહ જણાવે છે, "ટેસ્ટ્સની પસંદગી દર્દીઓનાં લક્ષણોના આધારે કરવામાં આવે છે. જોકે, કેટલાક નિદાનાત્મક ટેસ્ટ્સ લગભગ દરેક વખતે જરૂરી બની રહે છે."
તેઓ આગળ કહે છે, "બ્લડ ટેસ્ટ્સમાં સીબીસી (કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ) મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે શ્વાસ ચડવાની તકલીફ જેના કારણે સર્જાતી હોય તે સમસ્યાઓની જાણકારી પૂરી પાડે છે, જેમ કે, એનેમિયા અથવા તો ઇન્ફેક્શન. આ ઉપરાંત, બ્લડ શુગરનું લેવલ, લીવરની કાર્યક્ષમતાના ટેસ્ટ્સ, કિડની ફંક્શન ટેસ્ટ, થાઇરોઇડ પ્રોફાઇલ અને ઇન્ફ્લેમેશન (સોજો કે બળતરા)ને લગતા ટેસ્ટ પણ થઈ શકે છે. જો દર્દીને હૃદયની બીમારી હોવાની શંકા હોય, તો કાર્ડિયાક બાયોમાર્કર ટેસ્ટની ભલામણ કરવામાં આવી શકે છે."
ડૉક્ટર શાહ વધુમાં કહે છે, "ફેફસાં કે હૃદયમાં કોઈપણ પ્રકારની તકલીફ વિશે જાણવા માટે છાતીનો એક્સ-રે ઉપયોગી બની રહે છે. ઇસીજી ટેસ્ટ એ જાણવામાં મદદ કરે છે કે હૃદયના ધબકારા બરાબર છે કે કેમ અને હૃદય પર કોઈ વધારાનું દબાણ છે કે કેમ."
વહેલું નિદાન શા માટે જરૂરી છે?
જો તમે ચાલતી વખતે હાંફી જતા હો કે પછી અચાનક જ થાકી જતા હો, તો તાત્કાલિક તબીબી સલાહ મેળવવી અત્યંત જરૂરી છે. હાંફી જવું એ આરોગ્યની ગંભીર સમસ્યાનું એક લક્ષણ હોઈ શકે છે. આથી, નિદાનમાં મોડું કરવાથી અંદર રહેલી બીમારી ધ્યાન બહાર રહી શકે છે અને તેની ગંભીરતા વધી શકે છે.
હાર્ટ ફેઇલ્યોર, કોરોનરી હાર્ટ ડિસીઝ, ફેફસાંની લાંબા ગાળાની બીમારીઓ, ફેફસાંની રક્તવાહિનીઓમાં લોહી ગંઠાઈ જવું, એનેમિયા તથા વિવિધ પ્રકારની મેટાબોલિક બીમારીઓની સ્થિતિમાં વહેલું નિદાન થવાથી સારવારનાં પરિણામોમાં સુધારો થતો હોવાનું જોવા મળ્યું છે.
ટેસ્ટ્સ ડૉક્ટરોને દર્દીની સમસ્યાનું વહેલું નિદાન કરવામાં અને તાકીદે સારવાર શરૂ કરવામાં મદદરૂપ થઈ શકે છે, જેનાથી ભાવિ જટિલતાઓનું, વારંવાર હૉસ્પિટલમાં દાખલ થવાની સમસ્યાનું અને આરોગ્યની ગંભીર સમસ્યાઓનું નિવારણ થાય છે. તેનાથી દર્દીના જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે.
વધુમાં, ઘણા દર્દીઓ શ્વાસ ચડવાના કારણને ટાળી દેતા હોય છે અને તેના માટે તેમની ઉંમર કે શારીરિક તંદુરસ્તીને જવાબદાર ઠેરવતા હોય છે. તેના લીધે નિદાનમાં વિલંબ થાય છે. વહેલી તપાસ અને ચોકસાઈપૂર્ણ નિદાનથી આ વિલંબ નિવારી શકાય છે અને સમયસર સારવાર સુનિશ્ચિત કરી શકાય છે.
હૃદયરોગનું જોખમ
જો તમે જરા અમથા શ્રમ પછી કે દૈનિક પ્રવૃત્તિઓ દરમિયાન પણ હાંફી જતા હો અને જો આ સમસ્યા ધીમે-ધીમે વણસી રહી હોય, આરામ લીધા પછી પણ યથાવત્ રહેતી હોય કે પછી તેની સાથે છાતી જકડાઈ જવી, દુખાવો થવો, ચક્કર આવવા કે પરસેવો વળવા જેવાં લક્ષણો પણ વર્તાતાં હોય, તો તે હૃદય રોગની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે મોડું કર્યા વિના કાર્ડિયોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.
આ સંદર્ભમાં અમે પૂણેના બાનેરમાં મણિપાલ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ અને હેડ ઑફ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર અભિજિત જોશીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.
પ્રશ્ન: હૃદયની બીમારીમાં શ્વાસ ચડવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવાનાં લક્ષણો કેટલાં સામાન્ય છે?
ડૉક્ટર અભિજિત જોશી: ઘણા દર્દીઓમાં, ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને ડાયાબિટીસ ધરાવનારા દર્દીઓમાં શ્રમ કરવાથી શ્વાસ ચડવો એ છાતીના દુખાવા પહેલાં પણ હૃદયરોગનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. આથી, આ લક્ષણને અવગણવું હિતાવહ નથી.
પ્રશ્ન: શું છાતીમાં દુખાવો ન થતો હોય, તો પણ હૃદયની બીમારી થવાની શક્યતા હોઈ શકે છે?
ડૉક્ટર અભિજિત જોશી: હૃદયની તમામ પ્રકારની બીમારીમાં છાતીમાં દુખાવો થવો જરૂરી નથી. અમુક દર્દીઓમાં શ્વાસ ફૂલવો, થાક લાગવો, હૃદયના ધબકારા વધી જવા, ચક્કર આવવા કે નબળાઈ લાગવી એ મુખ્ય લક્ષણો હોઈ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં "સાઇલન્ટ" હૃદયની બીમારીનું જોખમ રહે છે.
પ્રશ્ન: હૃદયની પમ્પિંગ ક્ષમતા ઓછી થવાની શું અસરો થાય છે?
ડૉક્ટર અભિજિત જોશી: જો હૃદયની પમ્પિંગ ક્ષમતા ઘટી જાય, તો શરીરનાં જુદાં-જુદાં અંગોને પર્યાપ્ત પ્રમાણમાં લોહી અને ઑક્સિજન મળતાં નથી. તેના લીધે થાક, શ્વાસ ચડવો, પગમાં સોજા આવવા અને ફેફસાંમાં પાણી ભરાઈ જવાનું જોખમ વધી શકે છે. આમ થવાથી રોજિંદાં કાર્યો કરવા દરમિયાન પણ શ્વાસ લેવાનું મુશ્કેલ બને છે.
જો તમને શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો થવો કે દબાણ થવું, બેભાન થઈ જવું, ખૂબ ચક્કર આવવા, હૃદયના ધબકારા વધી જવા, હોઠ વાદળી પડી જવા, પગમાં સોજા ચડવા, લોહીની ઊલટી થવી કે આરામ કરવા છતાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, તો તબીબી મદદ મેળવવી જરૂરી છે.
શ્વાસ ચડવા વિશે વાત કરીએ તો, ઉંમર વધવાની સાથે આપણા શરીરની કાર્યક્ષમતામાં કુદરતી રીતે થોડો ઘટાડો થાય છે. સ્નાયુઓની શક્તિ ઓછી થાય છે અને હૃદય તથા ફેફસાંની કાર્યક્ષમતા પણ ઘટે છે. આથી, પહેલાં કરતાં વધારે હાંફી જવાય એ સ્વાભાવિક છે. પરંતુ, અચાનક જ કે વધુ વખત શ્વાસ ચડવો એ ઉંમરના કારણે હોવાનું માની લેવું યોગ્ય નથી. ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર ધરાવનારા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ.
પરેલની ગ્લેનેગલ્સ હોસ્પિટલના ડિરેક્ટર અને કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર રાહુલ ગુપ્તાએ બીબીસી મરાઠી સાથે વાત કરી હતી.
તેઓ જણાવે છે, "ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર અને ઊંચું કોલેસ્ટરોલ હૃદયની બીમારી માટેનાં મુખ્ય જોખમી પરિબળો છે. આથી, આવી વ્યક્તિઓમાં શ્વાસ ચડવો એ હૃદયની બીમારીનું લક્ષણ હોવાની શક્યતા વધુ રહે છે."
"જો ઉપર જણાવ્યા પૈકીનાં કોઈપણ પરિબળોથી પીડાતી કોઈપણ વ્યક્તિને વ્યાયામ કરવાની ક્ષમતામાં ઘટાડો થયો હોવાનો કે પહેલાં સરળતાથી થઈ જતાં હોય એવાં કાર્યો કરવામાં શ્વાસ ચડતો હોવાનો અનુભવ થાય, તો તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વહેલું નિદાન અને સારવાર હાર્ટઍટેક કે હાર્ટ ફેઇલ્યોર જેવી ગંભીર જટિલતાઓને અટકાવી શકે છે."
અમે ડૉક્ટર રાહુલ ગુપ્તાને પૂછ્યું હતું કે, શું એવા કોઈ પ્રારંભિક ચિહ્નો છે, જે એવો સંકેત આપી શકે કે વ્યક્તિના કાર્ડિયોવસ્ક્યુલર આરોગ્યમાં સુધારો થઈ રહ્યો છે?
ત્યારે તેમણે જણાવ્યું હતું, "કાર્ડિયોવસ્ક્યુલર ફિટનેસનો એક વ્યવહારુ સૂચકાંક એ છે કે કોઈ વ્યક્તિ તેમની દૈનિક પ્રવૃત્તિ અતિશય થાક કે હાંફી જવાનો અનુભવ કર્યા વિના કરી શકે છે કે કેમ. ઉદાહરણ તરીકે, જો એક વ્યક્તિ કોઈપણ પ્રકારનાં લક્ષણો વિના સીડીના એક કે બે માળ ચડી શકે અથવા તો લગભગ ૩૦ મિનિટ સુધી ઝડપથી ચાલી શકે, તો તેમની શારીરિક સ્થિતિ સારી ગણાય છે. જોકે, સ્માર્ટવોચ કે જાતે જ કરેલું મૂલ્યાંકન કોઈ તબીબી તપાસનો વિકલ્પ ન બની શકે. જો હાંફ ચડવાની સમસ્યા ચાલુ રહે કે વધુ ગંભીર બને, તો ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે."
જો તમને શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો થવો કે દબાણ થવું, બેભાન થઈ જવું, ખૂબ ચક્કર આવવા, હૃદયના ધબકારા વધી જવા, હોઠ વાદળી પડી જવા, પગમાં સોજા આવવા, લોહીની ઊલટી થવી કે આરામ કરતી વખતે પણ શ્વાસ લેવામાં મુશ્કેલી જેવાં લક્ષણોનો અનુભવ થાય, તો તાત્કાલિક ધોરણે તબીબી સહાય મેળવવી જોઈએ.
આ લક્ષણો હૃદય કે ફેફસાંની ગંભીર કટોકટીની સ્થિતિનો સંકેત હોઈ શકે છે. આથી, સમયસરની સારવાર જીવન બચાવી શકે છે અને લાંબા ગાળાનાં આરોગ્યલક્ષી પરિણામોમાં સુધારો લાવી શકે છે.
જો તમે જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા માગતા હો, આહાર બદલવા માગતા હો કે પછી વ્યાયામ શરૂ કરવા માગતા હો, તો ડૉક્ટર અને લાયકાત ધરાવનારા ટ્રેનરની મદદ લેવી આવશ્યક છે.
ડૉક્ટર પાસે તમારા શરીર અને બીમારીનાં લક્ષણોની સઘન તપાસ કરાવી લેવી અને તેમની સલાહના આધારે જ જીવનશૈલીમાં ફેરફારો કરવા, એ શ્રેષ્ઠ માર્ગ છે. ડૉક્ટરની સલાહ લીધા વિના જાતે દવા લેવી જોખમી નીવડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન